મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?
વિવેક મનહર ટેલર

ધોબી, કવિ અને વિજ્ઞાની – ઉમાશંકર જોશી

ટહેલતાં સાબરને કિનારે
વિજ્ઞાનશાસ્ત્રી, કવિ, -બે જઈ ચડ્યા
ધોબી કને, જે કપડાં પછાડતાં
મહાજનો કોણ ન એ લહી શક્યો.

કહે કવિ, ‘આ કપડાં ધુએ છે
ત્યાંથી ઊડંતા જળબિંદુશીકરે,
હૈયું કૂદે, ઇન્દ્રધનુષ ન્યાળી.
જન્મ્યો હતે જો શતવર્ષ પૂર્વે
તો પામતે હું પદ વર્ડ્‌ઝવર્થનું.’

વિજ્ઞાની ક‌્હે, ‘ન્યૂટનની પહેલાં
પાક્યો ન ધોબી પણ કોઈ એવો,
જે વાત સાદી સમજી શક્યો આ
કે તેજ પાણીકણ આરપાર
જતાં, જુદું થાય જ સાત રંગમાં?!’

વદે કવિ, ‘ધોબીજનોય આ ને?’
રામા! -કહીને પછી બૂમ પાડી,
પૂછ્યું, ‘અલ્યા! કામઠું જે તણાય
છાંટા ઊડે તે મહી રંગ સાતનું,
તે ઉમંગે નીરખે કદી કે?’

ધોબી બિચારો થઈ મૂઢ, ફાંફા
મારે, નિહાળી જન આ મહાનને
વાતે વળેલા નિજ ક્ષુદ્ર સંગમાં.

વિજ્ઞાની બોલે, ‘તુજ પીઠ સૂર્યની
બાજુ ધરી ધો કપડાં, અને જો
છાંટા મહીં અદ્ભુત સાત રંગને.’

‘માબાપ! એવા કરું જો હું ચાળા,
ઘરે બિચારાં મરી જાય છોકરાં!’

કહે કવિ, ‘સુન્દરતા પિછાનવા
ઘડીક તો રંગલીલા નિહાળી લે!’

‘એ જોઉં તો આ ઢગ ધોઉં ક્યારે?’

મંડ્યો પછી એ કપડાં પછાડવા
ઘાલી ઊંધું, ને બચવા જ છાંટથી
વિજ્ઞાનશાસ્ત્રી ખસી મર્મમાં હસ્યા,
‘જો બાપડો ન્યૂટન વ્યર્થ જીવ્યો;
થૈ શોધ કે ના, – સરખું જ આને!’

હસે કવિ, ‘ના ઉર આનું નાચે,
જીવ્યું અરે ફોગટ વર્ડ્‌ઝવર્થનું!’

– ઉમાશંકર જોશી

કવિ ઉમાશંકર જોશી માટે કહેવાતું કે તેઓ હસે તો છાપામાં સમાચાર આવે ! તેઓ પાસેથી આવું નખશિખ વ્યંગ-કાવ્ય મળે એટલે ધન્ય ધન્ય !!!!!

3 Comments »

 1. નિનાદ અધ્યારુ said,

  May 9, 2016 @ 1:36 am

  જીવ્યું અરે ફોગટ વર્ડ્‌ઝવર્થનું!’

 2. નિનાદ અધ્યારુ said,

  May 9, 2016 @ 1:48 am

  જ્યોતીન્દ્ર દવેને ઉમાશંકર જોશી કહેતા કે તારા નામમાં બે નામ છે, પહેલું જ્યોતિ અને બીજું ઇન્દ્ર !!! એક સ્ત્રીનું અને એક પુરુષનું !!! જ્યોતીન્દ્રભાઈએ પણ વળતા જવાબમાં કહ્યું કે તમારે પણ ઉમા અને શંકર એમ બે નામ છે, ભૂલી ગયા ???

  – આ વાત ક્યાંક વાંચેલી એવું યાદ આવે છે.

 3. ભરત ત્રિવેદી said,

  May 9, 2016 @ 8:25 am

  એક સંગીતકાર મિત્રે કહ્યું યાદ આવે છે કે ઉમાશંકરભાઈ જન્મ્યા ત્યારે તે ભાઈ હતા કે બહેન તેની સમજ ના પડતા તેમનું નામકરણ ઉમા-શંકર થયું ! એ વાત અહીં નોંધાવા જેવી લાગે છે કે અતિ ગંભીર લખવા ટેવાયેલા કવિને પણ ‘કશુંક’ અગંભીર લખવા મજબુર કરતું હોય છે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment