અરેરે, ખુદા, આ તે કેવું જીવન છે ?
મરી જાય માણસ જીવનની ફિકરમાં !
દિલહર સંઘવી

જળકમળ છાંડી… – નરસિંહ મહેતા

જળકમળ છાંડી જાને, બાળા! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.

કહે રે બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો?

‘નથી નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’

‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો?’

‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.

‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’

‘શું કરું, નાગણ! હાર તારો? શું કરું તારો દોરિયો,
શાને કાજે, નાગણ! તારે ઘરમાં કરવી ચોરિયો?’

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.’

બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો.

નાગણ સહુ વિલાપ કરે છે: નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.

બેઉ કર જોડી વીનવે: ‘સ્વામી! મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’

થાળ ભરી શગ મોતીએ શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈંયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવિયો.

– નરસિંહ મહેતા

લયસ્તરોના વાચકવૃંદને જન્માષ્ટમી મુબારક…!

10 Comments »

 1. Pinki said,

  August 24, 2008 @ 5:05 am

  બાળપણની યાદ અપાવી ગઈ…..
  બૂમો પાડી પાડીને યાદ કરેલું આ ગીત,
  તે હજુ પણ ૨-૫ ભૂલો સાથે આવડે તો ખરું જ .

  આપ સૌને પણ જન્માષ્ટમી મુબારક.

 2. ધવલ said,

  August 24, 2008 @ 4:44 pm

  બહુ ગાયેલુ આ ગીત આજે પણ અડધુ તો યાદ છે જ !

 3. Mansuri Taha said,

  August 25, 2008 @ 12:08 am

  છઠ્ઠા કે સાતમાં ધોરણમાં આ ગીત ભણ્યાનું યાદ છે.
  યાદો તાજી થઇ ગઇ.
  આભાર.

 4. Pravin Shah said,

  August 25, 2008 @ 1:11 am

  મારું નામ કૃષ્ણ કહાનડો….

  ભક્તિસભર ગીત !

  કંઠસ્થ જ છે.

 5. KAVI said,

  August 25, 2008 @ 6:23 am

  આ પ્રભાતિયું લયસ્તરો પર વાંચીને ખૂબ જ આનંદ થયો.
  એક વાત અહીં share કરવી ગમશે.
  આ ગીત એ ખરેખર પ્રભાતિયું છે. માટે શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ તે સાંજે ગાઈ શકાય નહીં.
  ટૂંકમા કહુ તો પ્રભાતિયાની રચના જ એવી રીતે કરવામા આવી છે કે એ ગાવાથી અમુક ચોક્કસ પ્રકારના લયસ્પન્દનો ઉત્પન્ન થાય જેના દ્વારા શરીરના કેન્દ્રો જાગૃત થાય જેના માટેનો યોગ્ય સમય શાસ્ત્રોમા દિવસનો જ ગણવામાં આવે છે. આ ઉપરાંતના તમામ બીજમન્ત્રો વગેરેની રચના પણ લયસ્પન્દનોના આ વિગ્નાન ને ધ્યાનમા રાખીને કરવામા આવી છે. જે અમુક ચોક્કસ પ્રકારના તરંગો ઉત્પન્ન કરે છે. માટે મન્ત્રોની રચના એ માત્ર શબ્દની કલા જ નહી પણ નાદબ્રહ્મનુ વિગ્નાના પણ છે. આપણા તપસ્વીઓ અને મન્ત્રકારો કેટલા મહાન હતા. એ વાત જ તે પરથી સ્પષ્ટ થાય છે. તેઓ પોતાનો અનુભવ મન્ત્રમા વર્ણવતા એ રીતે કે એ મન્ત્ર બોલનાર માત્ર એ મન્ત્ર બોલવાથી ફરી એ જ અનુભવ કરી શકે જે રચનારને થયેલો…
  માટે તેમને આપણે મન્ત્રદ્રષ્ટા એવુ પણ કહીએ છીયે કારણ કે સત્યને-ઇશ્વરી તત્વને તેમણે જેવુ જોયુ તેવુ લખ્યું છે.

  તેમણે સદીઓ પહેલા જે ગ્રહને ગુરૂ નામ આપ્યું, વરસો પછી એ જ ગ્રહ ગ્રહમંડળનો સૌથી મોટો ગ્રહ છે એવુ વિગ્નાને પણ કહ્યું. તો એ જ ગ્રહને ગુરૂ નામ તેમણે જે યુગમા ટેલીસ્કોપ થ્ તા ત્યરે આપેલુ તે સાવ અમસ્તુ તો નહી જ હોયને………

  એ મહાન ભારતના નાગરિક હોવાનું ગર્વ આપણને છે ?

 6. વિવેક said,

  August 25, 2008 @ 8:02 am

  આવી સુંદર સભર જાણકારી આપવા બદલ ખૂબ ખૂબ આભાર, કવિ…. ઇંટરનેટની ખરી કમાલ જ આ છે કે એ જ્ઞાનની વહેંચણીમાં કલ્પી ન શકાય એવો ફાળૉ આપવાની તાકાત ધરાવે છે…

 7. jalal mastan 'jalal' said,

  August 25, 2008 @ 3:00 pm

  વાહ. સુન્દર ગીત. નરસિંહ મહેતાજીએ કરેલી કમાલ બાળપણમાં શાળાકાળમાં માણેલી તે અહીં તાજી થઈ ગઈ. ગજબ વર્ણન. ગજબની સરળતા. ભાવકને ક્રુષ્ણમય કરી દેવાની શક્તિ! હજી વતનની એ ગુજરાતી શાળાનું વાતાવરણ મનમાં કેદ છે તેને આ પ્રભાતિયાએ ફરીથી……..

  એ દિવસોમાં મન પર ભાર હતો કે સાહેબ જુએ છે, એટલે આવડે કે ન આવડે પણ બીજા સહાધ્યાયીઓની સાથોસાથ હોઠ તો ફફડાવવા જ પડશે! મોટા થઈને સમજાયું કે એ તો ક્રુષ્ણભક્તિમાં લીન કરનારું મહાન કાવ્ય! જન્માષ્ટમીના મંગલ પર્વ પર આ રચના. ઉત્તમ.

  -જલાલ મસ્તાન ‘જલાલ’

  (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.)

 8. pragnaju said,

  August 25, 2008 @ 3:31 pm

  બાળપણથી ગાતા ગવડાવતા આવેલા તે ભાવભીની રચના
  તેનો ગુઢાર્થ પણ સંતો પાસે જાણ્યો
  પણ આજની કોમેંટસમાં જાણકારી
  આ ફ રી ન

 9. Pinki said,

  August 26, 2008 @ 8:01 am

  સાચી વાત કરી કવિએ…. આ પ્રભાતિયું છે અને સવારે જ ગાઈ શકાય.
  અને આપણા ઋષિઓ પાસે દિવ્ય દ્રષ્ટિ હતી જેનાથી તેઓ બ્રહ્માંડ અને તેના
  રહસ્યોને જાણી શકતા. આપણા બીજમંત્રોને પણ તેઓ તેમની દિવ્ય શક્તિથી
  વાંચી શકતા. આપણા વેદ-ઉપનિષદમાં અખૂટ જ્ઞાન-વિજ્ઞાન સમાયેલું છે, પણ
  જેમ ‘ઓહ્.મ’માંથી બ્રહ્માંડનું અસ્તિત્વ અને BigBangની થીયરી મળતી આવે છે
  એમ પશ્ચિમના સાક્ષરો સ્વીકારે છે તો હવે આપણે કબૂલીએ છીએ. એમ અન્યનું પણ ..!!

 10. brijesh said,

  July 9, 2011 @ 10:54 am

  I like this poem. I listen this poem in 7th standard.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment