તું નથી એટલે છે અંધારું,
સૂર્યને પણ નડે અમાસ કદી…
વિવેક મનહર ટેલર

માઈલોના માઈલો મારી અંદર – ઉમાશંકર જોશી

umashankar joshi
(કવિના હસ્તાક્ષ્રર એમની પ્રિય પંક્તિ સાથે, પરિષદટાણે, સૂરત)

માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, -ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, – આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયાં કરે.

વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, -ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો; –
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.

– ઉમાશંકર જોશી

કવિનું જગત તો આમેય સ્મૃતિવરણું જ હોય. એનાથી ય આગળ જઈને કવિ તો એ સ્મૃતિઓ કેવી રીતે પોતાના શરીરના એક એક કણમાં વસી ગઈ છે એ વર્ણવે છે. અને એ સ્મરણના સહારે કવિ આખા વિશ્વ સાથે એકાત્મ અનુભવિ રહે છે. ‘હું’ અને ‘અ-હું’ એકબીજાની અંદર કદી છૂટા ન પાડી શકાય એમ ભળી જાય, ઝબકી જાય, છલકી જાય અને અનંત એકરાગિતા સર્જી જાય એ સ્થિતીની વાત કવિ પોતાની આગવી અદાથી કરે છે. વિશ્વોના વિશ્વો મારી આરપાર પસાર થયા કરે…. એ કલ્પના જ એટલી બળુકી છે કે સ્મૃતિપટને રણકાવી જાય છે !

આજે ઉમાશંકર જોશીનો સત્તાણુંમો જન્મદિવસ છે. એ અવસરે એમની આ યાદગાર રચના.

(શોણિત=લોહી, ઓકળી=લીંપણની એક જાતની ભાત, ક્વાસાર=quasar, આકાશગંગાની નાભિ, દ્યુતિ=તેજ, અભીપ્સા=ઈચ્છા)

2 Comments »

 1. pragnaju said,

  July 22, 2008 @ 9:56 am

  કવિશ્રી ઉમાશંકર જોશીના સત્તાણુંમા જન્મદિવસે સર્વશક્તીમાનને પ્રાર્થના કે તેઓ આ જીવનમાં જ આધ્યાત્મિક ઉંચા સોપાનો સર કરી …ઈશ્વર દર્શન કરે.
  ईश्वरः सर्वभूतानाम् हृद्देशे अर्जुन तिष्ठँति|
  भ्रामयन् सर्वभूतानि यन्त्रारुढानि मायया
  ખૂબ ચિંતન માંગતી કૃતિ
  અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો;
  ધરતીની દ્યુતિ-અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો; –
  સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
  વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.
  જગતની વાસ્તવિકતાઓ જાણવા જીવ જ્યારથી જન્મ્યો ત્યારથી ઝઝૂમ્યા કરે છે પણ તે જડતું જ નથી. પાયાની વાસ્તવિકતા ‘હું કોણ છું’ અને ‘કોણ કરે છે આ બધું’ એ છે. આ બધા ગૂંચવાડાઓનો સંપૂર્ણ ઉકેલ અત્રે અગોપિત થાય છે….
  બને તો આ રચના અંગે તેઓનું મંતવ્ય જાણવા મળે…

 2. વિવેક said,

  July 22, 2008 @ 11:13 pm

  ઉ.જો.નું એક સુંદર કાવ્ય. મને તો શીર્ષક જ એક કવિતા જેવું લાગે છે. ‘માઈલોના માઈલો મારી અંદર’- માનવીના અતાગ મનનો એક જ વાક્યમાં કેવો સચોટ તાગ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment