ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.
– રાજેન્દ્ર શુકલ

ગઝલ – કુતુબ આઝાદ

હકથી વધારે લેશ અમારે ન જોઈએ,
હક થાય છે તે આપો, વધારે ન જોઈએ.

મઝધારમાં થયું તે થયું વાત વહી ગઈ,
તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ.

હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.

સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.

‘આઝાદ’ જિંદગીની મજા ઔર છે એ દોસ્ત,
આ જિંદગી પરાયે સહારે ન જોઈએ.

-કુતુબ આઝાદ

આ ગઝલનો કયો શેર વધારે ગમી જાય એ નક્કી કરવાનું કઠિન થઈ પડે એમ છે. પણ અલ્લાહના અવાજનું સાચું મૂલ્ય અને મિનારાઓની- ધર્મસ્થાનોની નિરર્થક્તા સમજાવતો શેર મને એટલો ગમી ગયો કે હું દુબારા… દુબારા.. કહેતા થાકતો નથી.

15 Comments »

  1. jayshree said,

    May 30, 2008 @ 1:55 AM

    Very true…. કયો શેર વધુ ગમ્યો એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ થઇ છે….

    તૂફાનનો અજંપો કિનારે ન જોઇએ…. જિંદગી પરાયે સહારે ન જોઇએ….. નિયમ કોઇ તલવારની ધારે ન જોઇએ… અલ્લાહનો અવાજ મિનારે ન જોઇએ…. હક છે તે આપો, વધારે ન જોઇએ….

    અરે દોસ્ત….. દરેક શેર વારંવાર મમળાવવો ગમે એવો…. વારંવાર ગમે એવો…..

  2. jayesh upadhyaya said,

    May 30, 2008 @ 2:32 AM

    સર્વાઁગ સુઁદર ગઝલ વાહ વાહ
    મરીઝનો એક શેર યાદ આવ્યો
    ન માંગ એની કને ગજાથી વધુ જીવન
    એક પળ એવી દેશે વીતાવી નહીં શકે

  3. RAZIA MIRZA said,

    May 30, 2008 @ 5:43 AM

    અરે બેટા,જીવતે તો ન લીધી ખબર અમારી,
    મર્યા પછી ફૂલ અમારે મઝારે ન જોઈએ.
    અતિ સુંદર ગઝલ મોકલવા બદલ વિવેક ભાઈ નો આભાર્

  4. કુણાલ said,

    May 30, 2008 @ 6:44 AM

    ખુબ જ સુંદર ગઝલ …

    આસ્વાદ કરાવવા બદલ ખુબ આભાર ..

  5. Yogendra Sarvaiya said,

    May 30, 2008 @ 9:14 AM

    કેટ્લુ વાસ્ત્વિક્!
    “હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,” !!!
    યોગેન્દ્ર.

  6. pragnaju said,

    May 30, 2008 @ 9:18 AM

    બહુ જાણીતી બહુ ચર્ચાયલી આ ગઝલમાં કદાચ વફાસાહેબનાં મુદ્દા સચોટ અસરકારક છે.
    હૈયામાઁ એનો વાસ જો થાયે તો ઠીક છે,
    અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.
    (અલ્લાહનો આવાજ તો હર જગા થશે,
    હો વસંતકે પાનખર લાઈલાહા ઈલ્લલ્લાહ.
    પહાડ,સહરા અને સમુદ્રના મોજાઁ ઉપર
    મને છે હુકમે અઝાન લાઈલાહા ઈલ્લલ્લાહ.
    આ ‘આઝાદ’સા.ના ત્રીજા શેર નો જવાબ છે._વફા )
    ————–
    “ન જોઈએ”ની એક ગંમતની વાત-
    અમેરીકામા ઘણા મૃત્યુ ટાઇલેનોલથી થાય છે માટે
    લેબલ જણાવે તે”આલ્કોહોલ સાથે લેવી ન જોઈએ!”
    સફરજન,બદામ, એપ્રીકોટ, ચેરી અને પીચનાં બીમા
    સાઈનાઈડ છે- તેથી બી કચરીને ખાવા ન જોઈએ
    સાચી એ વાત છે તમારી ખુમારી ખુટવી ન જોઈએ.

  7. ઊર્મિ said,

    May 30, 2008 @ 5:46 PM

    ક્યા બાત હૈ… આ તો આખી ગઝલને દોબારા દોબારા કહેવાનું મન થઈ ગયું…

    મને લાગે આ પાંચ શેરની એક ગઝલની જ આખી એક બુક પ્રકાશિત કરવી જોઈએ.

  8. salilupadhyay said,

    May 30, 2008 @ 11:05 PM

    સરસ બહુ જ સરસ મજા આવી

  9. sharukh said,

    May 31, 2008 @ 2:41 AM

    સુઁદર ગઝલ અભિનન્દન

  10. સુનીલ શાહ said,

    June 1, 2008 @ 9:59 AM

    સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે,
    નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.

    સુંદર..!

  11. PARSHURAM CHAUHAN said,

    December 6, 2008 @ 1:20 AM

    ઘણી સુંદર ગઝલ છે !! અભિનંદન !!

  12. Abhijeet Pandya said,

    September 4, 2010 @ 5:43 AM

    મઝધારમાં થયું તે થયું વાત વહી ગઈ,
    તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ.

    ખુબ સુંદર રચના.

  13. mewada bhanu said,

    March 26, 2013 @ 1:46 AM

    વાહ વાહ્

  14. saifee a kadi said,

    September 3, 2019 @ 7:53 AM

    સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે,
    નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ. આ ગઝલમાં .. મુદ્દા સચોટ અસરકારક છે.

  15. ત્રિવેદી અલીહુસેન. લાઠી ----ડી. અમરેલી. ગુજરાત said,

    February 21, 2022 @ 11:57 PM

    કુતુબ આઝાદ સાહેબ ની ઘણી ગઝલો માની આ એક ખુબજ સુંદર રચના
    છે. “ખુમારી રહી છે ના લાલી રહી છે “પણ બેહતરીન ગઝલ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment