કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?
વિવેક મનહર ટેલર

ગઝલ – જિગર જોષી ‘પ્રેમ’

વાત જુદી છે તમોને હું ન સમજાયો હતો,
આટલી નફરત ન કર તારો જ પડછાયો હતો.

એક ખીલી ભીંતથી પડવા જ ટળવળતી હતી,
હુંય ફોટો-ફ્રેમ માફક ત્યાં જ ટીંગાયો હતો.

કોઈના માટે ઉતારો ના થયાનો  રંજ છે,
એક પણ ડાળી વગરના વૃક્ષનો છાંયો હતો.

આંસુનાં દરિયા બધા આવી ગયા ભરતી મહીં,
એટલે હું રણ મહીં આખોય ભીંજાયો હતો.

દર્દના બે નામ ‘પાગલ’ એક, બીજું ‘પ્રેમ’ છે,
ખુદ ખુદા આ નામમાં વરસોથી અટવાયો હતો.

સાંજ જેવી સાંજ પણ લાવે ઉદાસી આંખમાં,
‘પ્રેમ’ આવી કોઇ સંધ્યામાં જ સચવાયો હતો.

– જિગર જોષી ‘પ્રેમ’

રાજકોટના યુવા કવિમિત્ર જિગરે ગઝલની ગલીઓમાં ત્રણેક વર્ષથી જ રઝળપાટ કરવાનું આદર્યું છે પણ એમની ગઝલોમાંથી પસાર થઈએ ત્યારે સહસા જ લાગે છે કે આ રઝળપાટ સ-દિશ અને સ-હેતુક છે અને આ ગતિ મંઝિલ તરફની છે. ડાળી વગરના વૃક્ષના છાંયા હોવાનો રંજ જે હૈયામાં હોય છે એજ સૂક્કાભઠ્ઠ રણ વચ્ચે ભીંજાઈ શકે. દર્દનું બીજું નામ થઈને જીવતો આ કવિ હવે ઓન-લાઈન –શરૂઆત– પણ ઉપલબ્ધ છે. રાજકોટમાં નવોદિત સર્જકો માટે ચાલતી “રચના” સંસ્થામાં પણ એ મોખરાનો ભાગ ભજવે છે. ‘લયસ્તરો’ તરફથી જિગરને જિગરજાનપૂર્વક શુભેચ્છાઓ…  

(લયસ્તરોને એમનો પ્રથમ ગઝલ-ગ્રંથ ‘ઈશ્કથી અશ્ક’ ભેટ આપવા બદલ આભાર)

7 Comments »

 1. pragnaju said,

  May 8, 2008 @ 9:27 am

  જિગર-પ્રેમ-શરૂઆત-રચના-ગઝલ સુંદર
  દર્દના બે નામ ‘પાગલ’ એક, બીજું ‘પ્રેમ’ છે,
  ખુદ ખુદા આ નામમાં વરસોથી અટવાયો હતો.
  ગમી-યાદ આવી
  ऐ मोहब्बत तेरे अंजाम पे रोना आया
  मंजिल-ए-इश्क़ में हर गाम पे रोना आया

 2. Pinki said,

  May 8, 2008 @ 11:12 am

  સુંદર ગઝલ
  આંસુનાં દરિયા બધા આવી ગયા ભરતી મહીં,
  એટલે હું રણ મહીં આખોય ભીંજાયો હતો.

  કોઈના માટે ઉતારો ના થયાનો રંજ છે,
  એક પણ ડાળી વગરના વૃક્ષનો છાંયો હતો.

 3. mahesh dalal said,

  May 8, 2008 @ 12:31 pm

  જિગર્ ભૈ ખુબ સુન્દર ગઝલ . વાહ્.

 4. ધવલ said,

  May 8, 2008 @ 9:20 pm

  એક ખીલી ભીંતથી પડવા જ ટળવળતી હતી,
  હુંય ફોટો-ફ્રેમ માફક ત્યાં જ ટીંગાયો હતો.

  – બહુ સરસ !

 5. Bharat said,

  May 9, 2008 @ 2:20 pm

  રાજકોટ માટે વધુ એક ગૌરવ !!!! ….

 6. 'ISHQ'PALANPURI said,

  June 11, 2008 @ 8:02 am

  દર્દના બે નામ ‘પાગલ’ એક, બીજું ‘પ્રેમ’ છે,
  ખુદ ખુદા આ નામમાં વરસોથી અટવાયો હતો
  બીજા શાયર પ્રત્યે ની લાગણી આબેહુબ વ્યક્ત કરી છે.
  જિગર ભૈ મજા આવી ગઈ-‘ઈશ્ક’પાલનપુરી

 7. dr.ketan karia said,

  November 17, 2011 @ 2:32 am

  વાત જુદી છે તમોને હું ન સમજાયો હતો,
  આટલી નફરત ન કર તારો જ પડછાયો હતો
  —-
  ચલાવી શકાય પણ ‘તમોને’ અને ‘તારો’ એક સાથે ન લેવું જોઇએ.
  ગઝલ સુંદર છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment