એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા
જવાહર બક્ષી

ગઝલ – હેમેન શાહ

ગંધ તૂરી શ્વાસમાં ને ટેરવે રસ ઊઘડે,
પાંખ ફફડાવે અને અસ્થિમાં સારસ ઊઘડે

તરસમાં તરબોળ હું ધ્રૂજું નહિ તો શું કરું ?
હાથ છેટે ખેતરો લીલાં ને લસલસ ઊઘડે.

વાત એવી શું હશે વર્ષાની બરછટ છાંટમાં,
કે અચાનક યાદના ચ્હેરામાં અતલસ ઊઘડે ?

ક્યાં પહોંચ્યો છું વગર ઝાલ્યે પરીની આંગળી ?
સ્પર્શ કરવા જાઉં ને સમણાનું ધુમ્મસ ઊઘડે.

સાત રંગોમાં પછી ક્ષમતા બયાનીની નથી,
જો ઉષાની જેમ બસ એકાદ માણસ ઉઘડે.

– હેમેન શાહ

હાથવેંત શક્યતાઓના ઉઘાડની શક્યતાની ગઝલ… ભીતર સારસ પાંખ ફેલાવતા હોય એવા અક્ષુણ્ણ ને ટેરવાંથી જિંદગી ચાખવા આતુર યૌવનની આ ગઝલ છે. હાથ અડે ત્યાં જ લીલીછમ્મ વાસનાના લીસ્સા પાક અને ભીતર પાછી આકંઠ તરસ juxtapose કરી ભાવકને પણ શું કરુંનો પ્રશ્ન કરીને પૂરો સંડોવી દે છે. પ્રેમમાં અનુભૂતિ કયા સ્વરૂપે અડતી હશે? ક્યાંક બરછટ દાઢીનો સ્પર્શ ભીંજવે છે તો ક્યાંક મખમલી ચહેરાનું રેશમ ઊઘડે છે… પછીના બે શેર તો એવા મજાના છે કે એને અડવાની ગુસ્તાખી નથી કરવી…

5 Comments »

  1. Rina said,

    January 30, 2014 @ 3:04 AM

    Awessssomee

  2. સુનીલ શાહ said,

    January 30, 2014 @ 8:54 AM

    વાહ…સુંદર કવિકર્મ

  3. Sanjay Bhimani said,

    January 30, 2014 @ 1:24 PM

    He man, તમે તો મને ઝણઝણાવીને હચમચાવી નાખ્યો.અરે હજીય ધ્રુજુ છું.

  4. Harshad said,

    February 1, 2014 @ 12:36 PM

    Ushani jem bus ekad manas ughde!!!

    Very beautiful Gazal.

  5. mehul said,

    February 12, 2014 @ 10:16 AM

    સુંદર કવિકર્મ….

    તમામ શેર અસરકારક
    પ્રત્યેક શેર સુંદર

    બીજા શેરનાં ઉલા મિસરામાં વજન બાબતે શંકા છે
    કદાચ છૂટ હોય શકે

    તરસમાં……?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment