આપણો વિસ્તાર છે ફળિયા લગી,
ગામને ઢંઢોળવાથી શું વળે?
શિવજી રૂખડા

સુન્દરમ્-સુધા : બુંદ-૦૭ : નમું તને, પથ્થરને? – સુંદરમ્

Sundaram

નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું :
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી.

કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરી ઝરી.
તું માનવીના મનમાં વસ્યો અને
તનેય આ માનવ માનવે કર્યો;

મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું.
તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઇ ત્યાં, બધે જ તું.

તને નમું, પથ્થરનેય હું નમું,
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.

– સુંદરમ્
(27, જુલાઇ 1939)

3 Comments »

  1. pragnaju said,

    March 28, 2008 @ 9:32 AM

    શ્રદ્ધા અને રેશનાલીઝમની ચર્ચાનો છેડો જ આવતો નથી ત્યારે સુંદરમનું આ કાવ્યની વાત સીધી જ હ્રુદય સોંસરવી ઉતરી જાય છે-
    મનુષ્યની માનવતાની જીત આ
    થયેલ ભાળી અહીં, તેહને નમું.
    તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં,
    શ્રદ્ધા ઠરી જ્યાં જઇ ત્યાં, બધે જ તું.
    તને નમું, પથ્થરનેય હું નમું,
    શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.
    અમે પણ નમીએ છીએ

  2. ધવલ said,

    March 29, 2008 @ 12:20 AM

    શ્રદ્ધા જ મારી લઈ ગઈ, મંઝિલ ઉપર મને,
    રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.

    ગનીચાચાનો આ શેર તો ઘણી ઘણી વાર વપરાયા કરે છે. સુંદરમના શબ્દોમાં એમણે અર્જીત કરેલી ચેતનાનો પડછાયો વરતાઈ આવે છે.

    તું માનવીના મનમાં વસ્યો અને
    તનેય આ માનવ માનવે કર્યો !

    ઉમદા વાત !

  3. Pinki said,

    March 29, 2008 @ 1:40 AM

    મનુષ્યની માનવતાની જીત આ
    થયેલ ભાળી અહીં, તેહને નમું.

    મનુષ્યની ‘માનવતા’ …. વાહ…!!

    આખા કાવ્યનો
    કે આખી જીંદગીનો ટૂંકસાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment