પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
વિવેક ટેલર

સુન્દરમ્-સુધા : બુંદ-૦૪ : ઘણ ઉઠાવ – સુન્દરમ્

Sundaram

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.

ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !

અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.

.                          તોડીફોડી પુરાણું,
.                        તાવી તાવી તૂટેલું.

ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

– સુન્દરમ્

જૂની વાસી વિચારસરણીને તોડીને નવસર્જન તરફ આગળ વધવા હાકલ કરતું એ જમાનામાં બહુ જ પ્રખ્યાત થયેલું ગીત. ‘ઘણ’ પ્રતિકની પસંદગી કવિ પર સમાજવાદી વિચારસરણીની અસર બતાવે છે. ગીતનો લય એટલો બુંલદ છે કે વાંચકને પોતાની સાથે તરત જ ખેંચી લે છે.

4 Comments »

 1. વિવેક said,

  March 26, 2008 @ 6:22 am

  આ ગીત ભલે સ્વાતંત્ર્યોત્તર સમાજમાં લખાયું હોય, એ આજે ય એટલું જ પ્રસ્તુત છે… આપણી પોતાની અંદરથી આદરીને બહાર સમાજ સુધી ઘણું-બધું પડ ઉપર પડ ચડી સડી રહ્યું છે… એ સઘળાને ઘણ જેવા આકરા ઘા કરતા હથિયાર વડે તોડીફોડી નાંખી ફરી એ જ ઘણ વડે ટીપી-ટીપીને અવનવો ઘાટ આપવાની જરૂર છે…

 2. pragnaju said,

  March 26, 2008 @ 9:50 am

  આ લયબધ્ધ ગાઈ શકાય તેવું ગીત ભણવામાં આવતું ત્યારે યુવાનીના જોમમાં સામ્યવાદ વિચાર શ્રેણીની વાત લાગતી !-અમને ગમતી ..
  તો કોઈ આધ્યાત્મીક રીતે ખંડન બાદ જ સિધ્ધાંતોનું મંડન થઈ શકે તેવું લાગતું.
  આ વાત વધુ પડતી લાગતી
  તોડીફોડી પુરાણું,
  તાવી તાવી તૂટેલું.
  ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
  ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.
  …પછી એમના જ જીવન અને કવનમાંથી જાણેલી વાતનો
  અનુભવ માટે તો આરાધના કરવી પડે

 3. raeesh maniar said,

  March 29, 2008 @ 2:06 am

  આ ગીત નથી..
  પ્રુથ્વી છન્દમાં લખાયેલ આ કાવ્ય અંગ્રેજી બ્લેન્ક વર્સની જેમ પ્રભાવશળી પઠન માટે છે. છેલ્લી બે પન્કતિ સ્રગધરા છન્દમાં છે.
  લય શબ્દ તાલ અને આવર્તન સૂચવે છે જે આ રચનામાં નથી..
  આ કાવ્યના ભાવપ્રબળ પઠનની સ્મ્રિતિ છે, પણ કોઇએ તાલબધ્ધ સ્વરૂપમાં ગવાતુ સાભળ્યું હોય તો જાણ કરવા વિનન્તિ.

 4. ધવલ said,

  March 30, 2008 @ 10:47 am

  આભાર, રઈશભાઈ. ‘પ્રભાવશાળી પઠન’ એમદમ ઉચિત શબ્દપ્રયોગ છે… એ રીતે જ કાવ્ય વધુ ખીલે છે. ફરી જોતા એક વધુ ભૂલ પણ નજરે પડી…’સમાજવાદી’ નહીં, ‘સામ્યવાદી’ વિચારસરણી જોઈએ. એ પણ સુધારી લઉં છું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment