પોતપોતાની સમજ પણ હોય છે
હોય છે જ્યારે સહુનો એક મત
ભરત વિંઝુડા

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી – માઇકલ ડ્રાઇટન, (અનુ. વિવેક મનહર ટેલર)

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી, ચાલ ચુંબન કરીએ અને છૂટા પડીએ-
ના, બસ. પત્યું. હવે તું મને લગરિક વધુ નહીં મેળવી શકે;
અને હું ખુશ છું, હા, ખુશ છું હૃદયના ઊંડાણથી,
કે આમ આટલી સફાઈપૂર્વક હું મારી જાતને આઝાદ કરી શક્યો.
હાથ મેળવી દે હંમેશને માટે, રદ કરી દે આપણા બધા સોગંદ,
અને ક્યારેક કોઈ સમયે આપણે મળી જઈએ ફરીથી,
તો બેમાંથી એકેયના કપાળ પર એ નજરે ન ચડે
કે આપણામાં એક અંશ પણ પ્રેમ ભૂતકાળનો બચી ગયો છે.
હવે પ્રેમના આખરી શ્વાસના આખરી ડચકે,
જ્યારે, એની નાડી બંધ પડી રહી છે, ધબકાર વાચાહીન સૂતો છે,
જ્યારે શ્રદ્ધા એની મૃત્યુશય્યા પર ઘુંટણિયે પડી છે,
અને નિર્દોષતા એની આંખ બીડી રહી છે,
– હવે, જો તું ધારે તો, એના માટેની બધી આશા જ્યારે મૂકી દીધી છે,
મૃત્યુના મુખમાંથી કદાચ તું જ એને પરત આણી શકે.

– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર

કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે… છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. જીરવી ન શકાતા બંધનમાંથી આઝાદ થતી વખતે હૃદય કેવો હર્ષ અનુભવતું હશે. એક-મેક સાથે ખુલાસાઓ થઈ રહ્યા છે. બધી યાદ, બધા સોગંદ-બધું જ હવે કાયમ માટે ભૂલી જવાનું છે. ક્યારેક જોગાનુજોગ ક્યાંક ભટકાઈ જવાય તો એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટાં પડવાનું છે, કેમકે પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લાં શ્વાસ ભરી રહ્યો છે.

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. (જોકે મને સંતોષ થઈ શકે એવું ગુજરાતી હું આ પંક્તિઓનું નથી કરી શક્યો). કવિ કહે છે કે તેં આ પ્રેમનો પૂર્ણપણે ત્યાગ કર્યો છે પણ હજી કદાચ તું પાછી ફરે… એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો કદાચ આ પ્રેમ ફરીથી એવોને એવો જીવિત થઈ ઊઠે…

કવિતાની શરૂઆતમાં અડીખમ દેખાતો નાયક કાવ્યાંતે કેવો વિહ્વળ નજરે ચડે છે… આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે…

*

આખરી બે પંક્તિના અનુવાદમાં સહાયક થવા બદલ ડૉ. મુકુર પેટ્રોલવાલા તથા ધવલ શાહનો આભાર…

*

Since There’s No Help – Michael Drayton

Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.
Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.
Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,
Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.

19 Comments »

 1. tirthesh said,

  December 21, 2013 @ 12:48 am

  yaa…….છેલ્લી બે પંક્તિઓ બેસતી નથી…….

 2. Piyush S. Shah said,

  December 21, 2013 @ 3:34 am

  અદભુત્.. મઝા પડી ગઈ..

 3. Dr Mukur Petrolwala said,

  December 21, 2013 @ 5:34 am

  हवे, तुं जो धारे तो, ज्यारे बधा ऐ आश मूकी दीधी छे त्यारे ़….
  Can be the second last line.

 4. વિવેક said,

  December 21, 2013 @ 7:52 am

  @ ડૉ. મુકુરભાઈ:

  લગભગ આ જ અનુવાદની મને તલાશ હતી… આભાર !

 5. ravindra Sankalia said,

  December 21, 2013 @ 8:27 am

  પ્રેમને એકવાર ત્યજિ દીધા પછી એને ફરી જીવન્ત કરવાની વાત ખરેખર અગમ્ય છે.

 6. perpoto said,

  December 21, 2013 @ 10:27 am

  ભલા કવિ, તને ખબર છે કે તું બધો ડોળ કરે છે અને છેલ્લી પંક્તિમાં ફસકી પડે છે….
  પણ આ બહાને એક સુંદર સોનેટ રચાયાનો ડચકો તો સૌ કોઈને ગળે ઊતારી શકે છે…

 7. ધવલ said,

  December 21, 2013 @ 1:26 pm

  એક સંબંધનો અંત કદી સરળ હોતો નથી. એમાં હંમેશ એક ઘેરી દ્વિધા સમાયેલી હોય છે. માણસ એ છેલ્લું ડગલું હજાર વાર ભરે છે અને હજાર વાર પાછો ફરે છે. એ અસમંજસનું આ કાવ્ય છે.

  પણ એનાથી ઊંડો પણ એક અર્થ મને દેખાય છે.

  કવિતાનું શીર્ષક છેઃ ‘કેમ કે હવે કોઈ મદદ (ટેકો-સહારો-કોશીશ) નથી’ અને છેલ્લી પંક્તિ છે ‘મોતના મોઢેથી એને(સંબંધને) પાછો તું લાવી શકે’. સંબંધ તૂટી જવા પર છે કારણ કે એમાં પ્રયત્નનો અભાવ છે. અને પ્રયત્ન કરો તો ફરી સંબંધ ફરી બેઠો થઈ શકે. પ્રયત્ન બહુ મોટી વાત છે. કોશીશ બહુ અદભૂત બળ છે. સંબંધ નથી કારણ કે કોશીશ નથી. કોશીશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે.

  (અહીં બધે મેં ‘પ્રેમ’ને બદલે ‘સંબંધ’ શબ્દ વાપર્યો છે. કારણ કે મૂળમાં આ કવિતા સંબંધની – relationshipની – કવિતા છે પ્રેમની – loveની- કવિતા નથી. ને વળી ‘પ્રેમ’ તો ‘સંબંધ’ કરતા ય બહુ વધારે વરણાગીવાળી બલા છે ઃ-) )

 8. Dr Tirthesh Mehta said,

  December 22, 2013 @ 3:57 am

  Dhaval, paratu koshish KEM nathi !!?? Root cause tya thi jadashe. Jab tavakko hi uth gai Ghalib, kyu kisi se gila kare koi !!

 9. Dhaval said,

  December 22, 2013 @ 1:00 pm

  ભાઈ તીર્થેશ, જીવનમાં બધુ એટલું સ્વયંસ્પષ્ટ હોત તો આ કવિતાની, કે પછી કોઈ પણ કવિતાની, જરૂરત જ શું કરવા પડત ? તવક્કો અને કોશીશ એ જ ક્રમમાં આવવા જરૂરી નથી. કે જવા જરૂરી નથી. All theory, dear friend, is gray, but the golden tree of life springs ever green 🙂

 10. Dr Tirthesh Mehta said,

  December 22, 2013 @ 8:30 pm

  I will go even one step further – all theories are rubbish. Relationships are born, they grow, and they die too. It is an interaction of two or more selves-two or more egos. As any ‘self’ evolves , relationship automatically evolves. Individuals are highly unpredictable. Hence when level of ‘pragna’ of one partner changes it is highly unpredictable how the other partners will react to it. Balance is not always readjusted. Cracks start here.

  I do not disagree with you – I am trying to take it just a step further.

  Je sambandh sachavva ni ‘koshish’ karvi pade te already mrut:pray sambandh chhe.

 11. vineshchandra chhotai said,

  December 22, 2013 @ 11:54 pm

  અનુવાદ ને અનુભવ નિ રેખા આ જિન્દ્ગિ ……………………

 12. વિવેક said,

  December 23, 2013 @ 1:20 am

  “પ્રજ્ઞા” તો બહુ ભારીખમ્મ શબ્દ છે… પ્રજ્ઞાવાન હોવાનું કેટલાના નસીબમાં હશે?

  કોશિશ કરવી પડે એ સંબંધ મૃતઃપ્રાય સંબંધ છે એ વાત પોતે પણ એક થિઅરી છે.

  દીર્ઘકાલિન સંબંધ એક એવી પૂર્વધારણા છે જે ભાગ્યે જ કોઈ પ્રમેય સ્વરૂપે સાબિત કરી શકતું હશે.,… આપણામાંના મોટાભાગના રાજા વિક્રમની જેમ સંબંધની લાશ ખભે વેંઢાર્યે રાખ્યે છીએ. કોશિશ કરીએ કે ન કરીએ, દરેક સંબંધ ધીમેધીમે કરમાવા જ માંડે છે… ખાતર-પાણી-માવજતની કોશિશ કરતાં રહીએ તો મનભેદ-મતભેદની ઉધઈ સંબંધના છોડને જરા ઓછું નુકશાન કરે એ સાચું પણ બધા જ છોડને બધી જ વાર બચાવી શકાતું નથી…

  એક શેર યાદ આવે છે:

  છે સંબંધ કાંઠાની માટી સમા સહુ,
  ઊડે ભેજ થોડો, બની જાય રેતી….

 13. perpoto said,

  December 23, 2013 @ 8:38 am

  બીજા વિષેની તો વાત છોડો,ખુદને પારખતો નથી
  આ માણસ દઃભ અને અહમના વમળમાં છે,
  માઇન્ડ નામનુ એક થોથું ,પકડીને બેઠો છે..
  આઇઝેક આસીમોવની ૨૦૧૩ સિરીઝમાં,અમેરિકાના સાત જાણીતાં વિજ્ઞાની મળ્યાં હતાં,વિષય હતો,વોટ ઇઝ નથીંગનેસ,અને કોઇ તારણ પર આવી શક્યાં ન્હોતાં…..
  જે નથી એને જે છે ની ભાષામાં સમજતાં,ગુંચવાડો –
  એ વાત હોય શકે,મગજ- માણસ જે બ્રહ્માંડ જાણે છે તેમાં સૌથી વધુ ઇવોલ્વડ થયેલું ઘટક છે.

 14. Harshad said,

  December 23, 2013 @ 12:30 pm

  Actually I can feel the love, pain and sorrow in everyline. To say this @ end time one must need strong heart and strong will.

 15. La' Kant said,

  December 24, 2013 @ 2:19 am

  ” લગ ભગ કિસ્સાઓમાં “ઈગો”/ ‘અહમ’ યા “સ્વાર્થ” વધુ બળકટ સાબિત થતો હોય છે !
  “દ્વંદ્વગત અને ગ્રસ્ત ” આ સ્રુશ્ટિ રચનામાં માત્ર અને માત્ર “ઈશ-તત્ત્વ” જ ‘સિંગલ-સોર્સ્ડ’ લવિંગ એંનટિટી છે …….. સ્વાર્થ-રહિત પ્રેમ આપણા જેવા સંસારી જીવો કરી શકે એ શક્ય જ નથી .
  છેલ્લી….. ફરી જોડાવાની વત માત્ર ‘કાલ્પનિક જ ‘ જ સ્થૂળ જગત્માં “અશક્ય જ ! એટલે એ અસ્થાને જ ગણાય .મ્રુગજળ જેવી વાત .
  -લા કંત / ૨૪-૧૨-૧૩

 16. Deval said,

  December 26, 2013 @ 5:40 am

  આમ તો આટલા બધા મહાનુભાવો ની ચર્ચાઓ માં મારા જેવા ઉમર અને ‘પ્રજ્ઞા’ થી નાના માણસે ઝંપલાવવું ના જ જોઈએ પણ હું પણ એવું માનું છું કે સંબંધ કોઈ પણ હોય, માત્ર ક્યારેક જ નહિ , હંમેશા પ્રયત્નો કરતા રેહવા પડે છે એને જીવતો રાખવા .. 🙂

  વિવેક સર, લાસ્ટ બે પંક્તિઓ ના અનુવાદ માં આવું કઈ લખી શકીએ?

  – હવે,જો તું (પ્રયત્ન) કરે તો , કે જયારે બધા એ (પ્રયત્નો) માંડી વાળ્યું છે ત્યારે,
  તું હજુ પણ એને મૃત્યુ-શૈય્યા પર થી જીવંત (અથવા સાજો) કરી શકે

 17. વિવેક said,

  December 27, 2013 @ 2:00 am

  @ દેવલ

  આભાર… કોશિશ વિના તો સંબંધ બંધાવો પણ શક્ય નથી તો ટકવાની વાત જ કેમ કરી શકાય?

  અનુવાદના સૂચન બદલ 🙂

 18. ketan narshana said,

  January 14, 2014 @ 11:13 am

  – હવે, જો તું ધારે તો, એના માટેની ( કોણે ??? ) બધી આશા જ્યારે મૂકી દીધી છે,

  મૃત્યુના મુખમાંથી કદાચ તું જ એને પરત આણી શકે.

  કાશ…….
  કોઇક ચમત્કાર ફરી સંબંધ ને તરોતાજો ક્ર્રે……

  બસ આ આશા જ જીવન ને જીવંત રાખે છે..

 19. વિવેક said,

  January 15, 2014 @ 1:26 am

  @ ketan narshana:

  એના માટેની એટલે “પ્રેમ” માટેની…

  ઉપરની પંક્તિઓમાં લખ્યું જ છે કે –

  હવે “પ્રેમ”ના આખરી શ્વાસના આખરી ડચકે,
  જ્યારે, એની નાડી બંધ પડી રહી છે, ધબકાર વાચાહીન સૂતો છે…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment