તું હરદમ હરજનમ મારી હતી, છે ને હશે જાનમ,
રગોથી રક્ત શી રીતે કરી શકશે અલગ આલમ ?!
વિવેક મનહર ટેલર

ગઝલ – ધૂની માંડલિયા

છે શબ્દ તો એ શબ્દનેય હાથપગ હશે;
એનેય રક્ત, રંગ, અસ્થિ, માથું, ધડ હશે.

નહીં તો બધાંય સંપથી ના મૌનમય બનત,
પ્રત્યેક શબ્દની વચાળ મોટી તડ હશે.

આંખોના અર્થમાં સજીવ પ્રાણવાયુ છે,
હોઠો ઉપરના શબ્દ તો આજન્મ જડ હશે.

જીવ્યો છું શબ્દમાં, મર્યો છું માત્ર મૌનમાં,
મારે કબર ઉપર ફરકતું લીલું ખડ હશે.

જીવ્યો છું શબ્દમાં સમયને સાંકડો કરી,
વાવ્યો છે શબ્દ ત્યાં કદી ઘેઘૂર વડ હશે.

– ધૂની માંડલિયા

શબ્દને તપાસવાની રમત શબ્દ-રસિયા કવિઓને અતિપ્રિય રમત છે. એટલે જ ‘શબ્દ’ વિષય પર અનેક સરસ કવિતાઓ છે : જુઓ 1, 2, 3 . સાથે જ આ કવિની આગળ મૂકેલી ગઝલનો ખૂબ જાણીતો મક્તાનો શેર પણ મમળાવવાનું ભૂલતા નહીં.

4 Comments »

 1. pragnaju said,

  January 10, 2008 @ 10:43 am

  સુંદર ગઝલ
  નહીં તો બધાંય સંપથી ના મૌનમય બનત,
  પ્રત્યેક શબ્દની વચાળ મોટી તડ હશે.
  વાહ
  જીવ્યો છું શબ્દમાં, મર્યો છું માત્ર મૌનમાં,
  મારે કબર ઉપર ફરકતું લીલું ખડ હશે.
  વધુ ગમી.-
  “જીવ્યો છું શબ્દમાં સમયને સાંકડો કરી,
  વાવ્યો છે શબ્દ ત્યાં કદી ઘેઘૂર વડ હશે.”
  શબ્દ બ્રહ્મ…અણસાર
  સંતો વેદને શબ્દ બ્રહ્મ કહે છે.
  ભાવરૂપી બ્રહ્મનો સ્વભાવ સિદ્ધ ચલન જ શબ્દ બ્રહ્મ છે.
  શબ્દ તેથી ભાવનું શ્વાસરૂપ છે.

 2. ભાવના શુક્લ said,

  January 10, 2008 @ 11:49 am

  વાવ્યો છે શબ્દ ત્યાં કદી ઘેઘૂર વડ હશે.
  ………………………………………..
  ‘હશે’ શબ્દ કાઢીને ‘છે’ શબ્દ મુકીએ તો લાગે કે આતો લયસ્તરોનીજ વાત

 3. dr.ketan karia said,

  November 18, 2011 @ 8:03 am

  સુંદર બિન-મત્લા ગઝલ..

 4. વિવેક said,

  November 18, 2011 @ 9:04 am

  આ ગઝલને બિન-મત્લા ગઝલ કહેવી કે મત્લામાં કાફિયાદોષ કહેવો એ કપરું થઈ પડે એવું કામ છે…

  શાસ્ત્રીય રીતે જોવા જઈએ તો કવિએ મત્લામાં ‘પગ’ અને ‘ધડ’ એમ ‘અઅ’ આધાર ધરાવતા બે કાફિયા પ્રયોજ્યા પછી બાકીના બધા જ શેરમાં ‘અઅ’ આધાર ધરાવતા કાફિયા આવતા હોવાથી ગઝલ નિર્દોષ છે… પણ પછી બધા જ શેરમાં કાફિયાનો આધાર ‘અડ’ નજરે ચડતો હોવાથી પગ અટકતો હોય એમ લાગે છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment