રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
કલાપી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શુન્તારો તાનિકાવા

શુન્તારો તાનિકાવા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વિકાસ – શુન્તારો તાનિકાવા

ત્રણ વર્ષે
મને ભૂતકાળ જેવું કંઈ હતું જ નહીં

પાંચ વર્ષે
મારો ભૂતકાળ ગઈકાલ સુધી જ પહોંચતો

સાત વર્ષે
મારો ભૂતકાળ પહોંચતો રાણા પ્રતાપ સુધી

અગિયાર  વર્ષે
મારો ભૂતકાળ પ્રસર્યો છેક ડાયનોસોર સુધી

ચૌદ વર્ષે
મારો ભૂતકાળ સંમત હતો પાઠ્યપુસ્તકો સાથે

સોળ વર્ષે
ભૂતકાળની અનંતતા સામે જોતા મને ડર લાગતો

અઢાર વર્ષે
મને સમય વિશે કશુંય જ્ઞાન નથી

– શુન્તારો તાનિકાવા
(અનુ. ધવલ શાહ)

માણસની સમજના વિકાસનો ગ્રાફ દોરી આપતું નવી જાતનું કાવ્ય.

નાની ઉંમરે સમયનો કંઈ ખ્યાલ ન હોય. પછી ધીમે ધીમે ગઈકાલનો, વિતેલી સદીઓનો, વિતેલા યુગોનો અને છેવટે પાઠ્યપુસ્તકમાં હોય એવી બધી જ ઘટનાઓનો ખ્યાલ આવતો જાય. ને પછી એક દિવસ ખ્યાલ આવે કે પાઠ્યપુસ્તક્નો પનો તો ભૂતકાળને માપવા માટે બહુ ટૂંકો પડે છે. ને છેલ્લે ખબર પડે કે સમયની આખી વિભાવના જ કેટલી તકલાદી છે … ને પછી જ (કદાચ) માણસના વિકાસની ખરી શરૂઆત થાય !

Comments (10)