હજી તું ટેકવી શકે છે તારું માથું આ ખભે,
ભલે જગત ગયું રસાતળે, હું એનો એ જ છું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ડબલ્યુ. એચ. ઑડેન

ડબલ્યુ. એચ. ઑડેન શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

બે કાવ્યો - ડબલ્યુ એચ. ઑડેન (અનુ. હરીન્દ્ર દવે)બે કાવ્યો – ડબલ્યુ એચ. ઑડેન (અનુ. હરીન્દ્ર દવે)

આજે બે કવિતાઓએ
પ્રગટ થવા યાચના કરી : મારે બંનેને ના પાડવી પડી.
દિલગીર છું પ્રિય, હવે નહીં !
દિલગીર છું વહાલી, હજી નહીં !

– ડબલ્યુ એચ. ઑડેન
(અનુ. હરીન્દ્ર દવે)

કવિતા લખવાની કળા હસ્તગત થાય એટલે બહુધા કવિઓ કવિતાની પાછળ પડી જાય છે. કેટલાક કવિ તો એવા પણ છે જે દિવસમાં ઓછામાં ઓછી એક કવિતા ન લખી નાંખે તો રાત્રે ઊંઘ ન આવે. પણ કવિતા શું માત્ર સ્વરૂપ, છંદ અને શબ્દોની ઠાલી રમત જ છે? ઑડેનની આ ચાર લીટીની કવિતા વાંચી એ દિવસથી મારી ઊંઘ ઊડી ગઈ છે… આ જિંદગીમાં આ ચાર લીટી લોહીમાં ઉતારી શકું તોય ઘણું…

એકની જગ્યાએ બબ્બે કવિતાઓ કવિ પાસે આવે છે અને પાછું પ્રગટ થવા યાચના કરે છે. પણ કવિ જેનું નામ, બંનેને ના પાડે છે. કવિ જાણે છે કે ‘ખરી’ કવિતા કોને કહેવાય અને ‘ખરો’ કવિ એટલે શું. કવિતા અપ્રિય હોવાનો તો પ્રશ્ન જ નથી એટલે કવિ બંનેને પ્રિય અને વહાલી કહીને દિલગીરી પણ વ્યક્ત કરે છે. પણ સમર્થ કવિ જે રસ્તે ચાલી ચૂક્યો છે એનું પુનરાવર્તન કરતો નથી એટલે એ કહે છે, હવે નહીં… હવે એ પ્રકારની કવિતા નહીં. હવે કંઈક અલગ… કંઈક નવું… પણ અતિસમર્થ કવિ જે નવી કેડી કંડારવા માંગે છે એની પૂરી સમજ પૂરી ધીરજથી કાંક્ષે છે. એને મહાકાવ્યની પ્રતીક્ષા છે પણ એ સમજે છે કે સિંહણનું દૂધ પેખવા કનકપાત્ર જોઈએ એટલે એ ક્ષમતા હસ્તગત થાય એ પહેલાં આવી ચડેલી કવિતાને એ પ્રેમપૂર્વક કહી શકે છે, હજી નહીં… હજી વાર છે !

*

(જોગાનુજોગ આજે ‘લયસ્તરો પર આ ૧૮૦૦મી પૉસ્ટ છે !)

Comments (22)