વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાહી ઓધારિયા

રાહી ઓધારિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?) -રાહી ઓધારિયા

તમે હળવેથી એકવાર ઝંકારો તાર, અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?
તમે ટહુકો ઉછીનો એક આપો રાજલદે! અમે વરસોની જડતાને ત્યાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

રણનાં પંખીડાં અમે, અમને તો એમ કે રેતી આદિ ને રેતી અંત;
તમને જોઈને અમે જાણ્યું કે ક્યાંક ક્યાંક જીવી રહી છે વસંત;
તમે આછેરો સ્પર્શ કરી જુઓ રાજલદે! અમે ફોરમતા ફાગ થઈ ફાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

કલકલતી નદીઓના વહેણ સમી લાગણીઓ થઈને અમારે છે વહેવું,
નિજને ભૂલી તમારી આંખોમાં ઘૂઘવતા દરિયાના નીર થઈ રહેવું;
તમે ભીની બે વાત કરો અમથી રાજલદે! અમે આખો અવતાર ભીના લાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

-રાહી ઓધારિયા

બિલકુલ કલકલતી નદીની જેમ કલકલતું અને ઘૂઘવતા દરિયાની જેમ ઘૂઘવતું ગીત… જેનાં વહેણ અને તમારી વચ્ચે મારું ના આવવું જ બહેતર છે!  🙂

Comments (14)

ગઝલ -રાહી ઓધારિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.

એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !

આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.

વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.

કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !

-રાહી ઓધારિયા

માણસ જ્યારે પ્રેમમાં દુ:ખી હોય ત્યારે એને લાગે છે કે એનું દુનિયામાં કોઈ જ નથી. પરંતુ પ્રેમનાં પરમાનંદમાં ડૂબેલા માણસને આખી દુનિયા જ પોતીકી લાગે છે… જેને પ્રેમ અને પ્રેમીનાં સંગનો જબરદસ્ત નશો ચડ્યો હોય, એને જો આખી દુનિયા ઉલટીપુલટી ન લાગે તો જ નવાઈ !  🙂

Comments (12)

જિંદગી આમ તો – રાહી ઓધારિયા

જિંદગી આમ તો પળોજણ છે,
પણ ન છૂટી શકે એ વળગણ છે.

આ તે અસ્તિત્વ છે કે છે આરસ ?
છે સુંવાળું, છતાંય કઠ્ઠણ છે !

કોઈ રણદ્વીપ જોઈ લ્યો જાણે !
આયખું લીલુંછમ, છતાં રણ છે !

મન રહે છે સતત તણાવોમાં,
રામ એમાં છે, એમાં રાવણ છે !

હાથમાં ક્યાં છે અંત કે આદિ ?
એ જ તો ‘રાહી’ની મથામણ છે.

– રાહી ઓધારિયા

જિંદગીની તડકી-છાંયડીની વાત આમ તો દરેક સહિત્યકારે પોતપોતાની રીતે કરી છે અને કરતા આવે છે એટલે એમાં કશું નવું ન લાગે એ સ્વાભાવિક છે પણ ગઝલ ક્યારેક ખૂબ જાણેલી વાત સાવ એવા પરિવેશમાં રજૂ કરી આપે છે કે વાંચતા જ મોઢેથી ‘વાહ’ નીકળી જાય… ભાવનગરના કવિ પણ આયખાની એ જ યોગો જૂની વાત માંડે છે પણ વાતમાં કંક્ક એવી તાજગી છે કે મન આહ અને વાહ એક સાથે પોકારી ઊઠે છે. વિશાળ રણની વચ્ચેના એક નાનકડા રણદ્વીપ સાથે જિંદગીને કવિ જે લીલપથી સરખાવે છે એ કાબિલે-તારીફ છે…  ‘છે જિંદગીની ઘટમાળ એવી, દુઃખ અધિક, સુખ અલ્પ થકી ભરેલી (નરસિંહરાવ દિવેટિયા)’ યાદ આવ્યા વિના નહીં રહે…

Comments (13)