કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
કલાપી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કુતુબ આઝાદ

કુતુબ આઝાદ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - કુતુબ આઝાદગઝલ – કુતુબ આઝાદ

હકથી વધારે લેશ અમારે ન જોઈએ,
હક થાય છે તે આપો, વધારે ન જોઈએ.

મઝધારમાં થયું તે થયું વાત વહી ગઈ,
તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ.

હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.

સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.

‘આઝાદ’ જિંદગીની મજા ઔર છે એ દોસ્ત,
આ જિંદગી પરાયે સહારે ન જોઈએ.

-કુતુબ આઝાદ

આ ગઝલનો કયો શેર વધારે ગમી જાય એ નક્કી કરવાનું કઠિન થઈ પડે એમ છે. પણ અલ્લાહના અવાજનું સાચું મૂલ્ય અને મિનારાઓની- ધર્મસ્થાનોની નિરર્થક્તા સમજાવતો શેર મને એટલો ગમી ગયો કે હું દુબારા… દુબારા.. કહેતા થાકતો નથી.

Comments (13)