તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
ડૉ. હરીશ ઠક્કર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રભાશંકર પટ્ટણી

પ્રભાશંકર પટ્ટણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ઉઘાડી રાખજો બારી - પ્રભાશંકર પટ્ટણીઉઘાડી રાખજો બારી – પ્રભાશંકર પટ્ટણી

દુઃખી  કે  દર્દી   કે  કોઈ   ભૂલેલા   માર્ગવાળાને,
વિસામો  આપવા  ઘરની  ઉઘાડી  રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,
તમારા   કર્ણનેત્રોની    ઉઘાડી    રાખજો   બારી.

પ્રણયનો  વાયરો  વાવા,  કુછંદી  દુષ્ટ વા જાવા,
તમારા  શુદ્ધ  હૃદયોની   ઉઘાડી   રાખજો   બારી.

થયેલાં   દુષ્ટ   કર્મોના   છૂટા   જંજીરથી  થાવા,
જરા   સત્કર્મની   નાની,  ઉઘાડી  રાખજો  બારી.

-પ્રભાશંકર પટ્ટણી

પ્રભાશંકર પટ્ટણી જ્ઞાતિએ નાગર. જન્મ: મોરબી ખાતે ૧૫-૦૪-૧૮૬૨ના રોજ, કોટડા-સાંગાણીના વતની. મૃત્યુ: ૧૬-૦૨-૧૯૩૮. ભાવનગરના રાજકુમાર ભાવસિંહજીના શિક્ષક અને સલાહકાર હતા. રાજ્યના દીવાન હતા અને ગાંધીજીના પરમમિત્ર. કવિ કાન્ત અને બ.ક.ઠાકોરના અંગત દોસ્ત. અંગ્રેજ સરકાર તરફથી સરનો ખિતાબ પણ મળ્યો હતો. એમના જીવનનો એક નાનકડો પ્રસંગ આપ અહીં માણી શકો છો.

(કાવ્યસંગ્રહ: ‘મિત્ર’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૭૦)

Comments (5)