ગીત – મુકેશ જોષી
કાગળના જેવી ઉધાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત
તેજના લિસોટા શો માણસ, ને
માણસ આ અંધારા ચગળે છે કેમ
ચશ્માંની જેમ એને દ્રષ્ટિ ઉતારી
ને આંખોમાં આંજેલો વ્હેમ
કોની તે નજરે નજરાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત
ભીતરમાં ભેજ તણા ઢગલાઓ થાય
છતાં માણસને એની દરકાર નહીં ?
હૈયામાં ટળવળતી સારપની વસ્તીને
સાચવવા કોઈ સરકાર નહીં ?
કુદરતની આંખો ડઘાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત
ભગવાન બુદ્ધની હયાતીમાં, તેઓની પ્રત્યક્ષ હાજરીમાં જ, તેઓના શિષ્યગણમાં બે જૂથો વચ્ચે પ્રચંડ વિવાદ- લગભગ મારામારી સુધીનો ઝઘડો- થયો કે ભગવાનનો ઉપદેશ અમે જે કહીએ છીએ તે જ છે !!!!! ભગવાન એટલા દુઃખી થયા કે તે સર્વને તે જ ક્ષણે ત્યાગીને એકલા ચાલી નીકળ્યા….. માણસ સારો-ઉમદા-શ્રેષ્ઠ હોઈ શકે,બાકી માણસજાત તો……….
praheladprajapatidbhai said,
December 18, 2011 @ 10:01 AM
તેજના લિસોટા શો માણસ, ને
માણસ આ અંધારા ચગળે છે કેમ
ચશ્માંની જેમ એને દ્રષ્ટિ ઉતારી
ને આંખોમાં આંજેલો વ્હેમ
સરસ્
pragnaju said,
December 18, 2011 @ 11:18 AM
લયબધ્ધ ગીત
કુદરતની આંખો ડઘાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત
વાહ્
vijay joshi said,
December 18, 2011 @ 11:50 AM
બહુજ સરસ રચના મનમાં ગવાઈ ગયી .
માણસાઈ ઉપરથી મારું લખેલું એક અછાંદસ યાદ આવ્યું. એ મુકું છું
—– અછાંદસ ——
જીસસ ક્રાઈસ્ટે કહ્યું,
થાકી ગયો આ ક્રોસ ઉપર લટકીને
વિઠોબાએ કહ્યું,
શરીર અકડાઈ ગયું આ ઈંટ પર ઉભા રહીને
બંને બોલ્યા,
દુનિયાને બચાવવા મનુષ્ય અવતાર લીધો
નીચે ઉતારો, થોડી તો માણસાઈ બતાવો!
વિજય જોશેી
Milind Gadhavi said,
December 18, 2011 @ 11:58 PM
ગમ્યું…
વિવેક said,
December 19, 2011 @ 12:10 AM
સુંદર ગીતરચના…
Ramesh Patel said,
December 19, 2011 @ 12:33 AM
શ્રી મુકેશભાઈની ખૂબ જ ગમી જાય એવી મનનીય રચના.
રમેશ પટેલ(આકાશદીપ)
P Shah said,
December 19, 2011 @ 3:04 AM
સરસ !
હર્ષેન્દુ ધોળકિયા said,
January 10, 2012 @ 9:27 AM
ઉત્તમ, હૃદયસ્પર્ષી અને તેમાં પણ છેલ્લી પંક્તિઓ, આ હા હા
કુદરતની આંખો ડઘાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત
થોડુંક દોઢડહાપણ કરવાની ઇચ્છા ખાળી શકતો નથી
દુનીયાના મોઢે ચવાઇ ગઇ રે, સાવ માણસની જાત
માણસથી પોતે હેબતાઇ ગઇ રે, સાવ માણસની જાત
શ્રી મુકેશભાઇનો હૃદય પૂર્વક આભાર આટલી સુંદર રચના બદલ
– હર્ષેન્દુ ધોળકિયા