લગ્ન ગીત – મનોહર ત્રિવેદી
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું –
એનાં હરિયાળાં આ પગલાંની ભાત્યે તો આજ લગી રાખ્યું રળિયામણું
સીમમાંથી આવેલી કિરણોની પોટલીને
ખોલે હળવેથી મોંસૂઝણે
વ્હેલી સવાર કદી કલરવમાં ન્હાય :
કદી ઘરને ઘેર્યું’તું એનાં રૂસણે
દિવસો તો ઊગે ને ઝાંખા થૈ જાય : પડે ઝાંખું ના એક્કે સંભારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું
પંખી કહેતાં જ હોય આંખ સામે દીકરી
ને હોય એક તુલસીનો ક્યારો
પાદરની ગોધૂલિવેળા છે દીકરી
કે વ્હેતિયાણ સરિતા-કિનારો
દીવો ઝાલીને અહીં માડીના વેશમાં સૂનું ઝૂરે છે હવે બારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું
-મનોહર ત્રિવેદી
વહાલસોયી દીકરી સાસરે જાય એટલે પિયરની તો જાણે કે બધી ખુશી જ ઊડી જાય… માત્ર સંભારણાં જ રહી જાય, બસ!
jjugalkishor said,
April 29, 2011 @ 2:42 AM
મારી સાથે જ ભણેલા ને આજેય ઘનીષ્ટ સંપર્કે એવા મનોહરની આ મનોહારી રચનાને અને અહીં પ્રગટાવવા માટે વિવેકને સાભાર ધન્યવાદ.
sukhmustukhan said,
April 29, 2011 @ 4:20 AM
મનોહ્ર્રભાઈ ના ગીત મા સમ્પુર્ણ પક્વતા દેખાઈ આવે ,વળી આ ગીત બધાને ગમે એવુ સે.
pragnaju said,
April 29, 2011 @ 9:42 AM
સુંદર મધુરું ગીત
Kalpana said,
April 29, 2011 @ 10:42 AM
મારી ચરકલડી ૭મી મે ને દિવસે ઉડી જવાની અને સઁભારણા રુડા રુપાળા છોડી જઈ રહી છે. એજ સમયે આટલી સુઁદર મનોહર રચના વેબ પર વહેતી મૂકવા બદલ કેટલો આભાર માનુ?
આભાર મારા મનની વાણીને સૂર આપવા બદલ વિવેકભાઈ આપનો..
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
April 29, 2011 @ 10:46 AM
બહુ જ રે મનોહર ગીત.
લાગે જાણે મનનું મીત.
Ramesh Patel said,
April 29, 2011 @ 2:57 PM
માવતર અને દીકરીના સંબંધને કેટલી ભાવુકતાથી કવિએ અનુભવ કરાવ્યો…ખૂબ ખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
sudhir patel said,
April 29, 2011 @ 10:47 PM
મુરબ્બી કવિ-મિત્રશ્રી મનોહર ત્રિવેદીનું ખૂબ જ સુંદર ભાવવાહી લગ્ન-ગીત!
સુધીર પટેલ.