એ વર્ષો – મુકુલ ચોકસી
એ વર્ષોમાં જો હું ટાંકું ઉદાહરણ તારાં,
ચહલપહલ શી મચી ઊઠતી’તી પરીઓમાં,
એ વર્ષો જેમાં મેં તુજથી વિખૂટા થઈ જઈને
તને ફરી રચી આમ્રમંજરીઓમાં…
એ વર્ષો જેમાં હતાં ટોળાબંધ સપનાંઓ
ને મોડી રાત સુધી જાગતો એક ડેલો હતો,
ને થોકબંધ સમસ્યાની આવજા વચ્ચે
સમયનો ઝાંપો ઉઘાડો રહી ગયેલો હતો.
એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં
હું બૂમ પાડી બધું બોલતો, ખબર છે તને?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને?
પછી પુરાણી હવેલીના એક પગથિયા ઉપર
તમારી પગલી પડી ને સમયને ગર્ભ રહ્યો,
હજારો વર્ષ સુઘી એનો મેં ઉછેર કર્યો –
છતાં પ્રસવની પળે સૌ રહ્યા ને હું ન રહ્યો.
ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.
ને અંતે બાકી રહેલી બે’ક વાત કરીશ,
કે હું મહાન રીતોથી જ મુજને મ્હાત કરીશ;
હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા
ને પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત કરીશ.
– મુકુલ ચોકસી
મુકુલ ચોકસીની એ વર્ષો નામની પ્રલંબ નઝમમાંથી આ અંશ લીધા છે. ૩૦ ચોપદીઓની પૂરી નઝમ ફરી કોઈ વાત આખી અહીં મૂકીશ. આ નઝમમાં પ્રિયજનથી જુદાઈના વર્ષોની વાત એવી સહજીકતા અને સચ્ચાઈથી વણી છે કે એ વેદના આપણને પોતીકી લાગે છે. અહીં વેદનાનો દેખાડો નથી, વેદનાની માત્ર સહજ રજૂઆત છે; જાણે એક દોસ્ત બીજા દોસ્તને કહેતો હોય એમ.
ઊર્મિ સાગર said,
July 21, 2006 @ 2:15 PM
ખરેખર વેદના ખૂબ સહજ અને પોતીકી લાગે છે….
હવે તો આખી નઝમ ક્યારે વાંચવા મળે એની રાહ જ જોવી રહી!!
“ઊર્મિ સાગર”
https://urmi.wordpress.com
Chirag Patel said,
July 21, 2006 @ 4:05 PM
Very impressive work – Vivek/Dhaval. You all inspired me to create my own blog (http://swaranjali.blogspot.com).
This is like a Gujarati library in blog form.
Keep it up.
manvant said,
July 21, 2006 @ 5:57 PM
પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત ? અવળવાણી નથી ?
કાવ્ય ધ્યાનાકર્ષક છે.અભિનંદન !
એ વર્ષો – મુકુલ ચોકસી – ટહુકો.કોમ said,
March 27, 2019 @ 7:29 PM
[…] મુકુલ ચોકસીની એ વર્ષો નામની પ્રલંબ નઝમમાંથી આ અંશ લીધા છે.(આભાર-લયસ્તરો.કોમ) […]