ફૂલમાળ – ઝવેરચંદ મેઘાણી
વીરા મારા ! પાંચ રે સિંધુને સમશાન
રોપાણાં ત્રણ રૂખડાં હો…જી 1
વીરા ! એની ડાળિયું અડી આસમાન :
મુગતિના ઝરે ફૂલડાં હો…જી
વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર :
ઇંધણ તોય ઓછાં પડ્યાં હો…જી
વીરા મારા ! સતલજ નદીને તીર
પિંજર પૂરાં નો બળ્યાં હો…જી
વીરા ! તારી ચિતામાં ધખધખતી વરાળ
નવ નવ ખંડે લાગિયું હો…જી
વીરા ! તારી નહિ રે જંપે પ્રાણઝાળ :
ઠારેલી ભલે ટાઢિયું હો…જી
વીરા ! તારા પંથડા વિજન ને અઘોર :
ઓરાણો તું તો આગમાં હો…જી
વીરા ! તારાં વસમાં જિગરનાં જોર :
લાડકડા ! ખમા ખમા હો…જી
વીરા ! તારે મુખડલે માતાજી કેરાં દૂધ
ધાવેલાં હજી ફોરતાં હો…જી
વીરા ! એવી બાળુડી ઉંમરમાં ભભૂત
જાણ્યું તેં, જોગી, ચોળતાં હો…જી
વીરા ! તારા ગગને ઉછળતાં ઉલ્લાસ
દુનિયાથી દૂરે દોડવા હો…જી
વીરા ! તારે અચળ હતા વિશ્વાસ
જનમીને ફરી આવવા હો…જી
વીરા ! તારે નો’તા રે દોખી ને નો’તા દાવ 2 & 3
તરસ્યોયે નો’તો રક્તનો હો…જી
વીરા ! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ
માભૂમિ કેરા ભક્તનો હો…જી
વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ :
પે’રીને પળ્યો પોંખણે હો…જી 4 & 5
વીરા ! તારું વદન હસે ઊજમાળ
સ્વાધીનતાના તોરણે હો…જી
ઝવેરચંદ મેઘાણી
પંચોતેર વર્ષ પૂર્વે આજે, ત્રેવીસમી માર્ચે, અંગ્રેજોએ છળપૂર્વક નિર્ધારિત દિવસથી પહેલાં જ પ્રજાના રોષથી બચવા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપીને એમના મૃતદેહોને કાયરતાપૂર્વક સતલજના કાંઠે અધકચરો અગ્નિસંસ્કાર આપ્યો હતો. એ ત્રણ લબરમૂછિયા નવજવાનોને સમર્પિત ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીનું આ કાવ્ય આજે પણ આપણા રૂંવાડા થથરાવી જાય છે. અગમ્ય કારણોસર શહીદદિન તરીકે આજનો દિવસ ભલે ઓળખવામાં આવ્યો ન હોય, લયસ્તરો તરફથી એ ત્રણે તથા માભોમ પર ફના થનાર તમામ શહીદોને આજના દિવસે અમારી આ નાનકડી શબ્દાંજલિ છે.
(1 ત્રણ રૂખડાં= ત્રણ વૃક્ષો (ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ), 2 દોખી= દુશ્મન,
3 દાવ= વિરોધી, 4 પળ્યો= જવું, 5 પોંખણે=નવદંપતીને લગ્ન પછી પોંખીને અપાતો આવકાર.)
Dhaval said,
March 23, 2006 @ 12:44 PM
Great post, Vivek.
વિશાલ મોણપરા said,
March 23, 2006 @ 10:23 PM
એક ઉત્તમ શાયર દ્વારા ત્રણ શહિદોનુ સન્માન યથોચિત છે
radhika said,
March 24, 2006 @ 3:08 AM
સાચા અર્થમા સુંદર શબ્દાંજલી છે, વિવેકભાઈ
નહી તો આજે કયાં સમય છે કોઈની પાસે આ શહીદોને યાદ કરવાનો !!!!!
તેમના સ્મરણની સહેજ ઝાંખી કરાવતી ફિલ્મ “રંગ દે બસંતી” ને પણ આજ ના યુવાનો ” હથોડો ” કે
” તવો ” જેવા શબ્દોથી નવાઝે છે
ર્હદયને ગમ્યો આ પ્રયાસ …
rohit pankhaniya said,
March 14, 2007 @ 9:16 PM
This is great, how can you write in gujarati?. also by any chance can post two poems we studied in 3rd and 4th grade, mithi mathe bhat, and savaj garaje please. keep up the good work rohit
ધવલ said,
March 16, 2007 @ 12:04 PM
રોહિત,
આ બન્ને કવિતાઓ સિદ્ધાર્થે એના બ્લોગ પર મૂકેલી છે…
ચારણકન્યા
( http://drsiddharth.blogspot.com/2005/03/blog-post_18.html )
અને મીઠી માથે ભાત
( http://drsiddharth.blogspot.com/2005/04/blog-post_10.html )
ધવલ
Gajendra said,
June 4, 2008 @ 6:23 AM
સાબાસ, રોહિત, સિધાર્થ,ધવલ્
હુ લાબા સમ્ય થિ ઉપર્નિત કવિતા સોધ તો હતો
ગજેન્દ્ર
Bharat Patel said,
February 11, 2010 @ 6:38 AM
ધન્યવાદ્
એક કવિતા હતિ. એક રાજા ઘોડા ઉપર બેસિ એક ખેતર મા પહોન્ચે
રાજા ને તરસ લાગિ હોઇ ખેદુત શેર્ડિ કાપિ રસ આપે
રાજા ના મન મા લલાલ્ચ થાય
ફરિ રસ મન્ગે પન શેરદિ મન્થિ રસ ના નિકલે
આ કવ્ય વન્ચ્વુ
ભરત
વિવેક said,
February 11, 2010 @ 7:51 AM
પ્રિય ભરતભાઈ,
કવિ કલાપીના ‘ગ્રામમાતા’ કાવ્યની આપ વાત કરો છો.. લ્યો, આ વાંચો:
http://tahuko.com/?p=7797
http://urmisaagar.com/saagar/?p=263
Bharat Patel said,
February 11, 2010 @ 9:33 AM
વિવેક ભાઈ
ધન્યવાદ્
ઘના સમય થિ આ કવિતા સોધ્તો હતો
ભરત્