ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૮ : અજંપાનું ફૂલ
કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.
હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય.
પર્વત ઢળી પડે અને સાગર ઊભા ય થાય.
અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય.
ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.
પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય.
આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય.
સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય.
–ગની દહીંવાળા
(આમ તો ગનીચાચાની જન્મશતાબ્દી વર્ષની ઉજવણીની સાત કડી પૂરી થઈ ગઈ છે પણ કેટલાંક ઈન્દ્રધનુષને આઠમો રંગ પણ હોય છે. એટલે આજે આ આઠમો રંગ મારા -ઊર્મિ- તરફથી…)
આમ તો ગઝલનું શિર્ષક જ ગઝલમાં આવતાં અજંપાનો નિર્દેશ કરી દે છે, પરંતુ ગનીચાચાએ અહીં ગઝલનું શિર્ષક માત્ર અજંપો નથી આપ્યું પણ અજંપાનું ફૂલ આપ્યું છે ! એ જોઈને મને તો એવો વિચાર આવ્યો કે… ફૂલ તો એકદમ સુકોમળ હોય, તો શું આ અજંપો પણ ફૂલ જેવો જ કોમળ હશે? તો પછી એની હયાતી આપણને કરવત જેવી કેમ લાગતી હશે? કે કદાચ અજંપાના મટવાની ઘટનાની હળવાશને લીધે પાછળથી એ કોમળ લાગતી હોય એવુંયે બને…?! ખેર, હું તો હજીયે કોશીશ કરું છું આ ગઝલની ભીતર ઘૂસવાની… તમે જો છેક અંદર સુધી પહોંચી જાવ તો મને સાદ દઈને રસ્તો બતાવજો હોં ! 🙂 ત્રીજા શેરમાં વેદનાની નીપજ વિના લાગણી ક્યાંય ઠલવાઈ જ ન શકે એ વાત વધુ સ્પર્શી ગઈ…!
pragnaju said,
October 5, 2008 @ 8:30 AM
આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય.
ખણી ગમતી પક્તી
Vijay Shah said,
October 5, 2008 @ 9:52 AM
વાહ્!
બહુ સરસ કૃતિ
એકે એક શેર સચોટ.
મને વધુ ગમ્યો છેલ્લો શેર્
સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય.
ધવલ said,
October 5, 2008 @ 11:32 PM
અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય.
ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.
– સરસ !
Pinki said,
October 6, 2008 @ 12:39 PM
વાહ્.. ઊર્મિ સુંદર ગઝલ….!!
બધાં શેર મજેદાર છે.
હા, અજંપો ફૂલ જેવો કોમળ હોય તો તો સારું
પણ આ તો બારમાસીના છોડ પર જેમ બારે માસ ફૂલ આવે એમ
આપણે પણ બારે માસ અજંપાના જ ફૂલ !!!
અને પછી વાવ્યા વિના ઊગી જતી મૂંઝવણની વેલ ?!!
નીપજ વાળી વાત તો મને પણ ગમી ગઈ !!
વિવેક said,
October 7, 2008 @ 1:40 AM
સુંદર ગઝલ…
અજંપો અજંપો અજંપો નર્યો,
સમય ! તેં કીડી થઈને ચટકો ભર્યો.
અમે વેદનાઓનો કાવો કર્યો,
અને જિંદગીને એ પ્યાલો ધર્યો.
vinod said,
October 8, 2008 @ 11:57 AM
ન્હા..વ્હા , આપણા ઘણાના સંતાપીયા જીવ વિશે કવિએ વાત કરી છે.ઠંદી હવા પણ ઠંડક આપતી નથી……બ્રેવો