તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઓરિયાહ માઉન્ટન ડ્રીમર

ઓરિયાહ માઉન્ટન ડ્રીમર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આમંત્રણ – ઓરિયાહ માઉન્ટન ડ્રીમર (અનુ. ઋષભ પરમાર)

તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી
મારે જાણવું છે કે તમારા હૃદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ?
અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ.

તમારી ઉંમરમાં પણ મને રસ નથી.
પ્રેમ, સ્વપ્ન અને જીવંત રહેવાના સાહસ ખાતર ગાંડા દેખાવાનું જોખમ તો ખેડી શકો છો ને?

મારે જાણવું છે કે તમે પીડા સાથે સ્વસ્થ બેસી શકો છો?
એને છુપાવવા, ઘટાડવા કે મટાડવાના પ્રયત્નો વગર ?

મારે જાણવું છે, તમે વિશ્વાસઘાતનો આરોપ સહી શકો છો ?
પોતાના આત્માનો વિશ્વાસઘાત કર્યા વગર?

મારે જાણવું છે કે દિનબદિન આકર્ષણના આટાપાટા વચ્ચે તમે સૌંદર્યને જોઈ શકો છો?
એની હયાતીમાં તમારા જીવનનો સ્ત્રોત અનુભવી શકો છો?

તમે ક્યાં, શું અને કોની પાસે ભણ્યા એમાં મને રસ નથી.
મારે જાણવું છે કે બહાર બધું જ પડી ભાંગે ત્યારે અંદર કોણ તમને ટકાવી રાખે છે?

મારે જાણવું છે કે તમે જાત સાથે એકલા રહી શકો છો?
ખાલી ક્ષણોમાં તમારો સથવારો તમને ગમે છે?
-ઓરિયાહ માઉન્ટન ડ્રીમર
(અનુ. ઋષભ પરમાર)

કેનેડાના શિક્ષક અને લેખકની આ કવિતામાં કવિ શાનું આમંત્રણ આપણને આપે છે? પહેલી નજરે કવિના પ્રશ્નોના જવાબ આપવા માટેનું દેખાતું આ આમંત્રણ હકીકતે તો પોતાની જાતની ઉલટતપાસ કરવા માટેનું છે. કવિને તમારા સ્થૂળ વિશે જાણવામાં રસ નથી અને એ એ જાહેર પણ કરી જ દે છે. કવિને રસ છે તમારી અંદર ઉતરવામાં. તમારા સૂક્ષ્મને ઓળખવામાં અને તમને તમારા સૂક્ષ્મની ખરી પિછાન અપાવવામાં. પ્રશ્નોત્તરી જેમ જેમ આગળ વધતી જાય છે એમ એની સૂક્ષ્મતા અને અર્થગહનતા વધતી જાય છે અને આપણે આપણી ખરી ઓળખ ગુમાવી બેઠા હોવાનો આપણને થતો અહેસાસ બળવત્તર થતો રહે છે. છેલ્લો પ્રશ્ન તો આપણી રહીસહી વાચાને પણ હરી લે છે…

Comments (7)