માણસથી મોટું તીર્થ નથી કોઈ પ્રેમનું,
હું છું પ્રથમ મુકામ, લે મારાથી કર શરૂ.
રમેશ પારેખ

જિન્દગી-મકરંદ દવે

જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ,
અને જિન્દગી તો સૂરજનું બિંબ.

આંસુના દરિયાની આંખો લૂછે છે અહીં
સોનેરી હાસ નો કિનારો,
ઊંચા અવિનાશને ઘાટે ગમે છે મને
દુનિયાનો ડૂબતો ઉતારો ;
જિન્દગી તો જંગલમાં કુન્તાનું હેત
અને જિન્દગી તો હિંસક હિડિંબ.

કાદવની ઝંખના ને ઝંખનાની આગમાં
ઊગે કમલ શુચિ અંગે ,
ઘેરા તમસની વેદના તો તેજના
ઊછળે તરંગે તરંગે ;
જિન્દગી તો રગરગમાં કડવો નિતાર
ને શીળી મહેકભર્યો નિંબ

જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ
અને જિન્દગી તો સૂરજનું બિંબ.

[ નિંબ = લીમડો; લીંબડાનું ઝાડ.]

-મકરંદ દવે

કસાયેલી કલમ અને ચિંતન-સમૃદ્ધ ચિત્તમાંથી જ આવો ઝંકાર નીકળી શકે…

4 Comments »

 1. pragnaju said,

  July 8, 2012 @ 8:45 am

  કાદવની ઝંખના ને ઝંખનાની આગમાં
  ઊગે કમલ શુચિ અંગે ,
  ઘેરા તમસની વેદના તો તેજના
  ઊછળે તરંગે તરંગે ;
  જિન્દગી તો રગરગમાં કડવો નિતાર
  ને શીળી મહેકભર્યો નિંબ

  જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ
  અને જિન્દગી તો સૂરજનું બિંબ.
  તેમના જ કાવ્યમાં કાંઇક વધુ સમજાય……………….
  આત્મા છે એ એક પૂરા ન ઘડાયેલ લોકમાં–
  લોક જે એને ન જાણે ને ના જાણી પોતાની જાતને શકે :
  પ્રતીક બાહ્ય તલનું છે જે એની લક્ષ્યરહિત ખોજનું
  તે ઊંડા અર્થ ધારે છે એના આંતર દર્શને;
  છે એની શોધ તે શોધ તમની જ્યોતિ કાજની,
  મર્ત્ય જીવનની શોધ છે એ અમૃત અર્થની.
  માટીની મૂર્તિમાં પોતે સીમા બાંધી દેનારી ઇન્દ્રિયોતણા
  કઠેરાની પાતળી જે પટી તેની પરે થઇ
  દૃષ્ટિપાત કરે જાદુ ભરી કાળોર્મિઓ પરે,
  જ્યાં ચિત્ત ચંદ્રની જેમ ઉજાળે છે વિશ્વના અંધકારને.
  દૃષ્ટિથી હરહંમેશ પછાડી હઠતી જતી,
  અસ્પષ્ટ ગૂઢ કાંઠાની રૂપરેખા અંકાયેલી જણાય ત્યાં,
  જાણે કે હોય ના દોરી પાતળી શી
  ધુમ્મસાળા સ્વપ્ન કેરા પ્રકાશમાં.

 2. Dhruti Modi said,

  July 10, 2012 @ 5:15 pm

  જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ
  અને જિન્દગી તો સૂરજનું બિંબ.
  જિન્દગી એટલે વિરોધાભાસ.
  ખૂબ સરસ ગીત.

 3. kishoremodi said,

  July 10, 2012 @ 9:37 pm

  મનભાવન સરસ ગીત

 4. DR PRAVIN KHATRI said,

  July 18, 2012 @ 5:13 am

  આ બહુ જ ગુહ્ય રચના ચ્હે.
  પ ન સાઇ મકરન્દ દવે લખ્યુ હોત તો વધુ સારુ
  પ્રવિન ખત્રિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment