મનગમતી કોઈ પંક્તિ અચાનક કદી જડે
તો થાય છે, આવી ગઈ જાગીર હાથમાં !
નયન દેસાઈ

લે ! – અમૃત ‘ઘાયલ’

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !

લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !

તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !

સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !

કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !

‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

– અમૃત ‘ઘાયલ’

ઘાયલસાહેબની આ રચનાનો …આ પડખું ફર્યો, લે ! શેર તો ખૂબ જાણીતો શેર છે. પરંતુ આખી ગઝલ તો હમણા જ વાંચવામાં આવી. આખી ગઝલ જુઓ તો ઘાયલસાહેબની ‘રેંજ’નો ખ્યાલ આવે… અને ‘નિમજ્જન’ જેવો શબ્દ એ કેવી અદભૂત રીતે ગઝલમાં લઈ આવ્યા છે એ તો જુઓ ! આ ગઝલ જોઈને અનાયાસ જ ડીલન થોમસનું ગીત Do Not Go Gentle Into That Good Night યાદ આવી ગયું. એમાં પણ ઘાયલસાહેબના શેરની જેમ જ મોત સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની વાત બહુ ઉમદા રીતે મૂકી છે.
(નિમજ્જન=ડૂબકી મારવી)

7 Comments »

  1. jayshree said,

    April 17, 2007 @ 8:39 PM

    સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !

    આ શેર વાંચ્યો હતો પહેલા.. પણ આખી ગઝલ વાંચવાની પણ મજા આવી.. ઘાયલસાહેબની ગઝલમાં ખુમારી ન આવે એવું તો ભાગ્યેજ બનતું હશે.

  2. લયસ્તરો » શબ્દને - ઘાયલ said,

    July 3, 2007 @ 11:44 PM

    […] ગુજરાતીમાં આવી ગઝલ લખવાની તેવડ રાખનાર એક જ કવિ થયો છે અને એ છે ઘાયલ. બીજા કવિઓ શબ્દને પંપાળવાની વાત કરતા હોય છે જ્યારે ઘાયલ ? એ તો શબ્દને ગુલામની જેમ રાખવાની અને યથેચ્છ વાપરવાની વાત કરે છે ! ઘાયલસાહેબની રચનાઓમાં એમની ખુમારી ચારે બાજુ દેખાય છે. એમનું આ મુક્તક જુઓ તો ખ્યાલ આવશે કે ઘાયલની ખુમારી શું ચીજ છે ! લે !  અને શાનદાર જીવ્યો છું પણ સાથે જોવાનું ચૂકશો નહીં. […]

  3. લે ! - અમૃત ‘ઘાયલ’ | રણકાર said,

    August 18, 2007 @ 4:38 PM

    […] આભાર: લયસ્તરો Posted in ગઝલ RSS 2.0 | Trackback | Comment var id=’comment’; […]

  4. લે ! - અમૃત ‘ઘાયલ’ | રણકાર said,

    June 8, 2008 @ 4:44 PM

    […] આભાર: લયસ્તરો કવિ પરિચય : અમૃત ‘ઘાયલ’ Posted in અમૃત ‘ઘાયલ’, ગઝલ RSS 2.0 | Trackback | Comment var id=’comment’; […]

  5. Bharat Vaghela said,

    April 2, 2013 @ 12:48 PM

    ખુબ સુન્દર્…

    વેદના ક્યાં મને નડે છે,
    મીઠા બોલ બહુ કનડે છે.!!

    ® ભરત વાઘેલા..૦૨૦૪૧૩..

  6. Pravin Shah said,

    April 3, 2013 @ 12:32 AM

    સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું….

    આ તો દરેક જીવનો અનુભવ !

  7. નરેન્દ્ર હસમુખલાલ શાહ said,

    June 20, 2017 @ 3:50 AM

    સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !…ઘાયલ સાહેબનો આ શેર કદાચ સૌથી વધુ જાણીતો છે.

    Thanks for posting….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment