સાવ થાકી ગયેલ પગને લઈ
એક ઈચ્છા જ ચાલતા રાખે
ભરત વિંઝુડા

મુંબઈની ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ પર એક ગીત – વિવેક ટેલર

જીવતો જાગતો માણસ ફૂટ્યો,
વિશ્વાસ ખૂટ્યો કે શ્વાસ જ છૂટ્યો.

ફૂટ્યાં એ સૌ બોમ્બ હતાં, બસ ?
જે મર્યાં એ સૌ શું માત્ર માણસ ?
આંખોમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી ડબ્બાઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છાઓ કંઈ
સાંજનો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

પૂરી થશે શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારે ?
મોત છે શું ઈલાજ જીવનનો?
આ નાદાની છે કે બિમારી ?
મુરાદ બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

આતંકવાદીને ફાંસી આપો,
પણ પહેલાં અંદર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
શાને અલગ-અલગ પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

– ડૉ.વિવેક મનહર ટેલર

13 Comments »

 1. Jayshree said,

  July 12, 2006 @ 2:13 pm

  વિવેકભાઇ, આજે ખરેખર શબ્દો નથી, અહીં કશુંક કહેવા માટે.

  એવું થાય છે કે મારી અંદરના પ્રશ્નોને તમે વાચા આપી..

  કુદરતી આફતને તો ‘જેવી પ્રભૂ ઇચ્છા’ એવું વિચારીને સ્વીકારી લઉં છું.

  પરંતુ આવા સમયે તો પ્રભૂ સાથે ઝગડી લેવાનું મન થાય.

  શું કામ આવું થતું હશે? નિર્દોષોને આમ મારીને કોઇને શું મળતું હશે?

 2. Rachit said,

  July 12, 2006 @ 2:30 pm

  અદ્ ભૂત રચના!

 3. Suresh Jani said,

  July 12, 2006 @ 8:27 pm

  આ કરુણતા અંગે શું કહેવું? એમ જ થાય છે કે જો ગયેલામાં કોઇ આપણા હોત અને જે સંવેદના થાત એટલી આપણને થાય છે ખરી? માત્ર કવિ હૃદય જ આવો આક્રોશ પારકા માટે કરી શકે.
  એસ. વી એ મોકલેલો એક સંદેશો – જેમાં આતંકવાદીને મુંબાઇગરાનું સંબોધન છે તે જ એક માત્ર આ કરુણતામાં આશા કિરણ છે.

 4. ધવલ said,

  July 13, 2006 @ 6:53 am

  ચોટદાર રચના… આ ગાંડપણ ક્યાં જઈને અટકશે ? આનો કોઈ ઉત્તર નથી.

 5. Dimple said,

  July 13, 2006 @ 7:51 am

  The poem is excellent one. Really touches the heart. Why god takes good people so fast.

 6. gujarat1 said,

  July 13, 2006 @ 9:51 am

  સાચે સાચા, આખે આખા માણસની આક્રોશથી ધ્રૂજતી કલમથી જ આવું ગીત નીપજે!

  .. હરીશ દવે

 7. ફોરમ said,

  July 13, 2006 @ 12:56 pm

  શું કામ કોઇ નિર્દોષ જીવ ની હત્યા થાય? શું કામ કોઇના સપના, કોઇની ઇચ્છાઓ અધૂરી રહી જાય? અને શું આ ઘટના બની એમાં માત્ર આતંકવાદીઓ જ દોષિત છે? જરા અંદર ઝાંકી ને જોતાં સમજાય છે કે વાંક આપણા સમાજ નો છે..વાંક માનવજાત ની મહત્વાંકાંક્ષા નો છે. શું કરવા માગ છે માણસ?
  ખૂબ સરસ રચના વિવેકભાઈ..જ્યારે આક્રોશ કવિતાનું રૂપ લે ત્યારેજ આવી રચના સર્જાય

 8. Devang said,

  July 13, 2006 @ 5:25 pm

  એક્દુમ ચોટદાર કાવ્ય !!!

 9. prakash mehta said,

  July 15, 2006 @ 1:31 am

  sir.
  excellent
  prakash fm hongkong

 10. નિલેશ મોદી said,

  July 17, 2006 @ 8:23 pm

  વેદના અને શબ્દોનુ એક્દમ સચોટ અને સંપૂણ્ર સંયોજન !

 11. manvant said,

  July 18, 2006 @ 1:44 pm

  એક ધડાકે,એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો ! !
  વાહ કવિ !અંતરની આનાથી ઊંડી વેદના વ્યક્ત કરવાની
  બીજી કોઇ રીત જોઇ,જાણી,કે સાંભળી નથી.વીરા વિવેકનું
  હૈયું આવે પ્રસંગે ના ઊછળે ,તો જ નવાઇ ! ધન્યવાદ !

 12. Jigar said,

  April 14, 2016 @ 12:21 pm

  ચોટદાર શબ્દો ડૉ. વિવેકભાઇ
  રચના ખુબ જ સુંદર !!

  વાટ સળગે
  મદ્ધં મદ્ધં, બોમ્બ તો
  એક હુંયે છું

  એક સો એંસી
  બી.પી. પાળ્યું , સુગર
  તણ સો એંસી

  – જિગર

 13. વિવેક said,

  April 15, 2016 @ 1:48 am

  આભાર !!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment