કોઈ વિરલ મિલનની મારી ઝંખના હતી,
શબ્દોની શોધખોળમાં વર્ષો વહી ગયાં.
કિશોર મોદી

મૂક – અનિલ ચાવડા

બી, પછી કૂંપળ, પછી ડાળી, પછી ઉપર કળી મૂક;
એમ મારી જિંદગીને પણ વ્યવસ્થિત સાંકળી મૂક.

બેઉં ભેગાં મોકલીને આમ ના ગૂંચવ મને તું,
સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક.

ખૂબ તરણાં ગોઠવ્યાં માળો થયો નહિ, થાય ક્યાંથી?
જ્યાં સુધી ના લાગણીની લીલીછમ તારી સળી મૂક!

એકઃ હું છું, બેઃ નથી, ત્રણઃ હું છું પણ ને હું નથી પણ;
આ ત્રણેમાંથી ગમે તે એક ઉપર આંગળી મૂક.

આમ લોહીઝાણ એ ના થાય તો એ થાય શું, બોલ?
ખૂબ સમજાવ્યો હતો સૌએ ન શ્રદ્ધા આંધળી મૂક.

આબરુ ખોઈ દીધેલા દીકરીના બાપ જેવું-
એક રણ છું; હે ગગન મારા શિરે તું વાદળી મૂક.

– અનિલ ચાવડા

હું તો બીજા શેર પર ઓવારી ગયો !!!!!!

6 Comments »

 1. kaushik said,

  November 30, 2015 @ 11:40 pm

  સાચવો કહી મૂકાવે છે તુ દીલના ખૂણે લાગણીઓ; પણ ખબરનથી પડતી કે વચ્ચે ક્યા થઈ ચૂક,
  સાચવીને બેથો દરીયો તારી લાગણીનો; એના ઘૂઘવાટ વચ્ચે મારો વ્યથા થઈ મૂક.

 2. CHENAM SHUKLA said,

  December 1, 2015 @ 5:10 am

  સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક………………….
  કેવું મઝાનું કલ્પન ….વાહ

 3. વિવેક said,

  December 1, 2015 @ 7:58 am

  બીજો શેર તો ભાવની દૃષ્ટિએ સરસ જ છે, પણ પહેલો શેર તકનીકની રીતે ઉત્તમ છે. સાંકળી જેવા કાફિયાને આવી કારીગરીથી સાંકળીને ભાગ્યે જ કોઈ ગઝલકારે આ અગાઉ પ્રયોજ્યો હશે. છેલ્લો શેર પણ એ જ રીતે લાજવાબ છે…

 4. Maheshchandra Naik said,

  December 1, 2015 @ 3:26 pm

  સરસ રચના……..

 5. yogesh shukla said,

  December 1, 2015 @ 9:49 pm

  સરસ તેમજ બહુજ ભારીખમ શબ્દો સાથેની રચના , સમજવા માટે સ્પ્રાસ,છંદ ,અલંકારનું જ્ઞાન હોવું જરૂરી છે ,

 6. Anil Chavda said,

  December 3, 2015 @ 3:16 am

  પ્રિય વિવેકભાઈ, તીર્થેશભાઈ,
  મજામાં હશો…

  આપ મારા જેવા અનેક નવયુવાન કવિઓની રચનાઓ લયસ્તરો પર મૂકીને ઘણા લોકો સુધી પહોંચાડી આપો છો. તે માટે આપનો આભારી છું. (ઓહ, સોરી આ વાત હું ઘણી વાર કહી ચૂક્યો છું, પણ આપને કહેવા માટે આનાથી વિશેષ મારી પાસે કશું છે નહીં એ પણ હકીકત છે.)

  પણ… આભારી છું તો છું…

  તમારી કવિતાનિષ્ઠા અને કવિતા પ્રત્યેની આંતરિક દૃષ્ટિ મને જીવંત રાખે છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment