જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
વેણીભાઈ પુરોહિત

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શાન મેઈ

શાન મેઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

હરિયાળી વસંત (ચીની) શાન મેઈ, અનુ.: ઉમાશંકર જોશીહરિયાળી વસંત (ચીની) શાન મેઈ, અનુ.: ઉમાશંકર જોશી

વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.

-શાન મેઈ (ચીની)
અનુ.: ઉમાશંકર જોશી

શાન એક જ પ્રતીકાત્મક વસ્તુ ઉપાડી લે છે: હરિયાળી, લીલાપણું. કંઈક લીલું લીલું બધે જ વર્તાય છે, વનોમાં, વારિમાં, કીટજંતુના ડિલ પર, અરે વૃદ્ધોની સફેદ ફરફરતી દાઢીમાં, પૃથ્વીની પીઠ ઉપર અને પૃથ્વીની ભીતરેય તે. આ લીલાપણું એટલે સપ્રમાણતા. વસન્તર્‍તુમાં પ્રાણની ભરતી આવે છે. પૃથ્વીમાંથી નવા પ્રાણનો ફુવારો ઊડતો હોય એમ ‘લીલી’ આશા ઊછળી આવતી નિર્દેશીને કવિ વસન્ત એ કેવું નવસંજીવન છે તેનો ઇશારો કરે છે. આખા કાવ્યનું સંમોહન ‘લીલું’ શબ્દના પુનરાવર્તનમાં અને નાજુકાઈભર્યા કીટજંતુ, શ્વેતકૂર્ચ આદિ પર પડતા પ્રભાવના ઉલ્લેખમાં છે.

(કાવ્યાસ્વાદ: ઉમાશંકર જોશી કૃત ‘કાવ્યાનુશીલન’માંથી સાભાર)

Comments (5)