ગઝલ – ગુંજન ગાંધી
તો અને ત્યારે નકામી થાય છે,
જિંદગી તારા વગર જો જાય છે.
એટલે તો પંખીઓ ઊડ્યાં નહીં,
વૃક્ષનુ મન રાતનું કચવાય છે.
મોજ કરવાની ગમે દરિયા તને,
નાવને તારી જ ચિંતા થાય છે.
તું ભલે હથિયાર માફક વાપરે,
આમ એને લાગણી કહેવાય છે.
તું કહે છે એકદમ ખાલી ને ખમ,
તો પછી આ રોજ શું વપરાય છે?
છેક પહોંચીને પછી પાછા વળ્યા,
ટોચ પર તો શ્વાસ બહુ રુંધાય છે.
– ગુંજન ગાંધી
ઇન્ટરનેટના માધ્યમથી આગળ આવેલા કેટલાક કવિઓમાં ગુંજન ગાંધી પણ એક મોખરાનું નામ છે. ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં આ નામ આજ-કાલ અવારનવાર નજરે ચડતું રહે છે. ગુંજનની ગઝલો એના કલ્પનની મૌલિક્તાના કારણે અન્ય ગઝલોથી અલગ પડી આવતી જણાય છે. ‘ઇમોશનલ બ્લેક્મેલિંગ’ની પરિભાવના એ લાગણીના હથિયારવાળા શેરમાં કેવી સરસ રીતે ઉજાગર કરી શક્યા છે!