કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
આદિલ મન્સૂરી

વાત છે – ઉદયન ઠક્કર

પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે

દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઇ
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી -જે ગમે તે ધાર, જેવી વાત છે

એક દિવસ શેરડીના ખેતરે જાણીતા કવિ પેસી ગયા
ના, હું તો ગાઇશ, બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે

લીલીછમ વાડીએ જઇને મેં પૂછ્યું, કુમળો એક અંતરાત્મા રાખું કે ?
આજુબાજુ જોઇ પોતાને કહ્યું, રાખને દસ-બાર… જેવી વાત છે

વાતે-વાતે ગર્જના શાને કરે ? સિંહ જેવો થઇને છાયાથી ડરે ?
કાં તો ચહેરો ઓળખી લે પંડનો, કાં તો કૂદકો માર, જેવી વાત છે

દિગ્દિગંતોનો ધણી દુષ્યંત ક્યાં? ક્યાં અબુધ આશ્રમનિવાસી કન્યકા ?
આંખમાં આંખો પરોવાઇ ગઈ, બે અને બે ચાર જેવી વાત છે

જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાંના લે તો બીજું થાય શું ? આપણી સરકાર જેવી વાત છે

– ઉદયન ઠક્કર

 

ગત રવિવારે કવિશ્રી ઉદયન ઠક્કરને રૂબરૂ મળવાનો-માણવાનો લ્હાવો મળ્યો. કવિ જે રીતે સામાન્ય વાતચીતમાં અત્યંત સહજતાથી અને પટુતાથી વ્યંગબાણ છોડતા હતા તે કળા અદભૂત હતી. હસાવતા હસાવતા વિચારતા કરી મૂકવાની તેમની ખાસિયત અવિસ્મરણીય હતી ! તેઓનું તેઓની આજુબાજુના વિશ્વનું અવલોકન માત્ર તલસ્પર્શી હતું એટલું જ નહિ પણ તેમાં કવિ-દ્રષ્ટિની આગવી સંવેદનશીલતા પણ હતી. પ્રસ્તુત ગઝલ તેઓની એ કળાનો જીવતો-જાગતો નમૂનો છે……

7 Comments »

  1. A P PATEL said,

    March 17, 2013 @ 11:14 AM

    The last two lines fully apply and fit to our government and its ministers at the Central Level in New Delhi.UPA Govt. is a congregation of dimwits.Congratulations to the composer of this poem for sarcasm.

  2. pragnaju said,

    March 17, 2013 @ 12:30 PM

    વાતે-વાતે ગર્જના શાને કરે ? સિંહ જેવો થઇને છાયાથી ડરે ?
    કાં તો ચહેરો ઓળખી લે પંડનો, કાં તો કૂદકો માર, જેવી વાત છે
    સરસ
    …………………..પંડ માટે કરનારને સુખ મળશે, પણ આનંદ નહીં મળે. સુવિધા-સગવડ મળશે … આજે દોટ એ જ જીવનની ઓળખ બની ગઈ છે. વધુ ને વધુ … અર્થાત માણસની ક્ષીર-નીર ભેદ પારખવાની દષ્ટિને આંચકી લે છે – એટલે કે માણસને વિવેકશૂન્ય બનાવે છે

  3. Maheshchandra Naik said,

    March 17, 2013 @ 2:42 PM

    જીવનને ઉજાગર કરતી સરસ રચના………

  4. Sakshar said,

    March 17, 2013 @ 9:46 PM

    વાહ!
    ઉદયન ઠક્કર ની કેટલી ગઝલ કે કવિતા પછી આ ઉદ્ગાર નથી નીકળ્યો?
    શૂન્ય.

  5. ધવલ said,

    March 19, 2013 @ 12:02 AM

    વાહ ! એક એક શેરમાં એક કથા… અને એ પણ વ્યંગનો વળ ચડાવીને… બહુ મઝાની રચના !

  6. jigna trivedi said,

    March 19, 2013 @ 2:42 PM

    સુંદર રચના.

  7. Gurudatt said,

    January 13, 2023 @ 9:56 AM

    જૂની ગમતી બોધકથા ઓ આટલી સહજ રીતે ગઝલ માં વણી ને કમાલ કર્યો છે.. ગઝલનો રદીફ પણ સુંદર પસંદ કર્યો.. વાહ કવિ વાહ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment