બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.
મનોજ ખંડેરિયા

હરિનાં દર્શન – ન્હાનાલાલ

મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા નુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખડલી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ-અળગા રે, ઘડીયે ન થાય કદા.
પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ ત્હેને ચેતનની ?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ ત્હોયે કંઈ દિનની.
સ્વામી સાગર સરિખા રે, નજરમાં ન માય કદી;
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.
પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ! ક્યહારે ઊઘડશે ?
એવાં ઘોર અન્ધારાં રે, પ્રભુ ! ક્યહારે ઊતરશે ?
નાથ ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
નેનાં ! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ.

– ન્હાનાલાલ

સચરાચરમાં વ્યાપ્ત સર્વજ્ઞ પ્રભુના દર્શન આડે આવતા ચર્મચક્ષુ અને આળસ, મોહ-માયાના બંધથી અંધ આંખોની આરત કવિ શ્રી ન્હાનાલાલની પ્રાથનામાં તારસ્વરે રજૂ થઈ છે. આપણા સાહિત્યના અમૂલ્ય વારસામાંથી આ એક મોતી અજે આપ સહુ માટે…

(રક્ત=લીન, આસક્ત; ચરાચર= જડ અને ચેતન; ગમ=સૂઝ)

7 Comments »

  1. P. P. M A N K A D said,

    March 8, 2013 @ 6:34 AM

    I am only a Mankad [bug] to write about the kavan of elephant Kavi Shri Nhanhalal. Is this comment not sufficient enough?

  2. Dhaval said,

    March 8, 2013 @ 8:01 AM

    કમનસીબે ભણવામાં આ કવિતા ગોખવાની હતી… એક તો જૂની ગુજરાતી જોડણી અને લાંબી લચક કવિતા એટલે કવિતા ગોખતા ભારે કંટાળો આવતો… ગોખતા ગોખતા જે ગુસ્સો આવતો તે બધો કવિ પર કાઢતા… એ વખતે તો કવિ પોતાની જાતને ઘુવડ સાથે સરખાવે છે એ જ એક પંક્તિ સનાતન સત્ય લાગતી’તી 🙂 એટલે કવિની અત્યારે માફી માંગી લઉં છું.

  3. વિનોદ દવે said,

    March 8, 2013 @ 10:31 AM

    કમનસીબે આ તો ભણવામાથી પણ બાકી રહી ગયેલુ મોતી.

  4. વિવેક said,

    March 9, 2013 @ 12:43 AM

    @ ધવલ:

    ધોરણ દસની ગુજરાતી વાચનમાળામાંથી જ આ કવિતા ઊઠાવી છે. એ જમાનામાં સારા શિક્ષકોના સમૂચા અભાવના કારણે આપણે સહુએ આ રીતે ઘણી કવિતાઓને ઘણો અન્યાય કરતા હતા પણ આજે આ કવિતા વાંચીએ ત્યારે સમજાય કે આ આપણી ભાષાના બહારવટિયાઓ સમા આ પાયાના પથ્થરો વિના આજની કવિતાની ઇમારત ઊભી થવી શક્ય જ નહોતી…

  5. pragnaju said,

    March 9, 2013 @ 2:01 PM

    મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
    એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
    શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં;
    નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં…..
    મારી બા આ ભજન ગાતી આજે માણી એક કસક

    હજુ આંતરચક્ષુ ખુલ્યા નથી
    આંખ ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
    એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ.

  6. Maheshchandra Naik said,

    March 10, 2013 @ 7:07 PM

    સરસ ભક્તિ ગીત, ભણવાના વરસો દરમિયાન ગુરુજીઓ દ્વારા સરસ ભાવ વ્ય્ક્ત કર્યાનુ યાદ આવે છે………………

  7. M.D.Gandhi, U.S.A. said,

    March 18, 2013 @ 3:02 PM

    પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ! ક્યહારે ઊઘડશે ?
    નાથ ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
    નેનાં ! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
    આંખ ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
    એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ.
    બહુ સુંદર ભક્તિ ગીત છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment