એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
અમૃત ‘ઘાયલ’

દે તાલ્લી – અનિલ જોશી

કે પાદરમાં ઝરમર વેરાય તને મળવું દે તાલ્લી
કે વાતમાં મોરલાના ટહુકાનું ભળવું દે તાલ્લી

કે ડાંગરના ખેતર ઢોળાય તારા ઘરમાં દે તાલ્લી
કે કેડીઓ સમેટાઈ ગઈ મુસાફરમાં દે તાલ્લી

કે ગીતમાં અધકચરી માણસતા વાગી દે તાલ્લી
કે પાનખર પાંદડાની જાળીએથી ભાગી દે તાલ્લી

કે આંખ હજી ઉઘડી નથી ને પડ્યાં ફોતરાં દે તાલ્લી
કે ગામને મેળે ખોવાઈ ગયા છોકરાં દે તાલ્લી

કે સમળીના ચકરાવા વિસ્તરતા ખોરડે દે તાલ્લી
કે ચાંદરણા પડતા ખડીંગ દઈ ઓરડે દે તાલ્લી

કે એક વાર અડકી ગઈ આંખ તારી મન્ને દે તાલ્લી
કે એક વાર અટકી ગઈ વાત કહી અન્ને દે તાલ્લી

કે ચોકમાં પીંછું ખર્યું ને લોક દોડ્યા દે તાલ્લી
કે લેણદાર એટલા વધ્યા કે ગામ છોડ્યા દે તાલ્લી

– અનિલ જોશી

તાલીઓની વચ્ચે કવિ એક આખી કથા ગૂંથી લીધી છે. ને કથાના દરેક મુકામે તાલી તો ખરી જ !

5 Comments »

  1. Jayshree said,

    February 20, 2013 @ 3:14 AM

    આ હા હા… નાનપણમાં ખૂબ સાંભળેલું, અને પછી વર્ષો સુધી શોધતી રહી’તી આ ગીત…!! ટહુકાને લીધે જ્યારે ત્રણેક વર્ષ પહેલા આ ગીત ફરી મળ્યું ત્યારે એવું લાગ્યું કે જાણે નાનપણમાં ખોવાયેલ કોઇ ખજાનાની ચાવી અચાનક મળી આવે…!!

  2. વિવેક said,

    February 20, 2013 @ 7:14 AM

    કોની ગાયકી હતી એ પણ આજે યાદ નથી… પણ એ ઑડિયો કેસેટનું ટાઇટલ જ “દે તાલ્લી” હતું અને “ગામને મેળે ખોવાઈ ગયાં છોકરાંમાં” સૌથી વધુ મજા પડતી…

  3. Rajendra Karnik said,

    February 20, 2013 @ 7:44 AM

    અનિલ જોશિએ ખુશ કર્યા દે તાલ્લિ, લયસ્તર તો મોટી દવા છે દઈ દે તાલ્લી.

  4. pragnaju said,

    February 20, 2013 @ 7:59 AM

    વારંવાર માણેલું ફરી ફરી આજે માણ્યુ.
    અહીં તાલી ‘હાય ફાય’માં આપીએ છીએ.અમારા નાનકાઓ સાથે કેટલીક વાર મોટી ઊંમરના મળે ત્યારે હોઠ પર આવી ગયેલા એ હળવા સ્મિતને કેદમાંથી મુક્ત કરી -બાળકોની જેમ બિન્દાસપણે
    કે એક વાર અડકી ગઈ આંખ તારી મન્ને દે તાલ્લી
    કે એક વાર અટકી ગઈ વાત કહી અન્ને દે તાલ્લી દે તાલ્લી દે તાલ્લી
    હ્ંમણા એવો સરસ સ્નો મેન બનાવ્યો..
    મહેમાનો એ એંમેઝીંગ કહેતા
    અમે હાથ ઉંચો કરતા
    અને બોલતા …
    દે તાલ્લી !
    ગુજરાતી ન જાણનાર પણ સ્મીત સાથે બોલતા
    દે તાલ્લી

  5. Maheshchandra Naik said,

    February 20, 2013 @ 4:07 PM

    કવિશ્રી અનિલ જોશીનુ ગ્રામ્યજીવન ઉજાગર કરતી રચના ખુબ જ આનદ આપી ગઈ, કોઈ શાળાના વાર્ષિકોત્સવમા સાંભળવા મળી હતી, આજે ફરી મઝા આવી ગઈ………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment