ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.
મુકુલ ચોક્સી

ગઝલ – દિનકર પથિક

એક પંખી જેમ હળવો થઈ ગયો
આંખ સામે ક્ષણનો માળો થઈ ગયો

જી હજૂરી કેટલી મોંઘી પડી
જાત સાથે કેવો ઝઘડો થઈ ગયો

ચંદ્ર દેખાતો થયેલો બાદમા
તારા મુખ પર પહેલાં પડદો થઈ ગયો

હાંકવા માંડી મેં નૌકા રણ મહીં
ઝાંઝવાઓને ધ્રુજારો થઈ ગયો

મેં અરીસાને પૂછ્યું, “શા કારણે
બિંબ છોડી, કાચ ઠાલો થઈ ગયો?”

મેં ગઝલ પૂરી કરી બસ તે ક્ષણે
હું મટી મારો, બધાનો થઈ ગયો

– દિનકર પથિક

7 Comments »

  1. Pinki said,

    November 1, 2007 @ 7:47 AM

    વાહ્ !!

    ખુમારીસભર… હકારાત્મક વલણ …..
    મજા આવી…….!!

  2. pragnajuvyas said,

    November 1, 2007 @ 11:00 AM

    સુંદર ગઝલ
    ‘તારા મુખ પર પહેલાં પડદો થઈ ગયો’…
    તે પડદો હટે અને ઔંરગઝેબોની અક્લ
    પર પડે તેવી અભ્યર્થના

  3. Sudhir Patel said,

    November 1, 2007 @ 11:50 AM

    ઘણી જ સારી ગઝલ.
    મુ. દિનકર ‘પથિક’ ને અભિનંદન!
    તેઑ મારા વતન ભાવનગરના છે અને ખાસ મિત્ર છે.
    વિવેકભાઈનો પણ આભાર તેઑની ગઝલ મૂક્વા બદલ.
    સુધીર પટેલ.

  4. ભાવના શુક્લ said,

    November 1, 2007 @ 1:07 PM

    ગઝલ દ્વારા અન્યના થવુ!!! અરે બધાના થવુ!!!! વાહ!!! સાવ નવુ અને છત શીરા જેવુ ગળે ઉતરી ગયુ આ કલ્પન.
    …………………………………………….
    પ્રિય ધવલભાઇ અને વિવેકભાઇ છેલ્લા કેટલાક સમયથી મને લયસ્તરો પરથી નવી પોસ્ટના ઇ-મેઇલ મળતા બંધ થયા છે અને ફરી ઉમેરવા માગુ છુ તો એ વિકલ્પ મને અહી પ્રાપ્ય નથી.
    કોઇ ભુલ થઇ મારાથી જે ક્ષમાપાત્ર ના હોય?
    જો એ સુવિધા બંધ કરેલ ના હોય તો મને ફરી ઇ-મેઇલ યાદીમા ઉમેરી શકશો?

  5. ધવલ said,

    November 1, 2007 @ 1:13 PM

    મેં ગઝલ પૂરી કરી બસ તે ક્ષણે
    હું મટી મારો, બધાનો થઈ ગયો

    – સરસ !

  6. Atul Jani (Agantuk) said,

    November 2, 2007 @ 5:57 AM

    હાંકવા માંડી મેં નૌકા રણ મહીં
    ઝાંઝવાઓને ધ્રુજારો થઈ ગયો

    જે જેવું હોય તેવું પ્રતિત ન થતાં અન્ય રૂપે દેખાય ત્યાંરે તેને મિથ્યા કહેવાય છે. જેમ કે દોરડીમાં દેખાતો સર્પ મિથ્યા છે. દરિયાકિનારે પડેલ છિપમાં દેખાતું રુપું મિથ્યા છે. તેવી જ રીતે જ્યાં જળ નથી ત્યાં જાણે વિશાળ જળરાશિ હોય તેવું પ્રતિત થાય તેને ઝાંઝવા કહેવાય છે અને રણમાં તેનો ઘણીએ વાર અનુભવ થાય છે. આ ઝાંઝવા મિથ્યા છે. અહીં ગઝલકાર રણમાં નૌકા હાંકવાનું શરું કરે છે અને આ ઝાંઝવાઓ ધ્રુજી ઊઠે છે. સામાન્ય રીતે જ્યારે જ્યારે અસ્તિત્વ જોખમમાં હોય ત્યારે ધ્રુજારી છુટતી હોય છે. અને અહી ગઝલકારની ઇચ્છાશક્તિ અને મનોબળ ઍટલા દ્રઢ છે કે જો રણમાં જળ નહી હોય તો તે ઉત્પન્ન કરીને પણ હોડી હંકારશે અને આવા દ્રઢ મનોબળ સામે ઝાંઝવા પણ ધ્રુજી ઉઠ્યાં.

    (એક આડવાત – અહીં ઘણા બધા ભાવનગરીને જોઇને બહું આનંદ થાય છે. જે ભાવનગરમાં રહે છે તે તો ભાવનગરી છે જ પણ જે “ભાવ” – “નગર” માં રહે છે તે પણ ભાવનગરી જ છે. )

  7. pragnajuvyas said,

    November 2, 2007 @ 12:43 PM

    આડવાત વાંચતા જ પિયરની સ્મૃતિ થઈ! પાંચમા દાયકાનું ગઢેચી સ્ટેશનથી માજીરાજ સ્કુલ તથા ઍસ.એન.ડી.ટી કોલેજ જવુ. શુક્લમાંથી વ્યાસ થવું. દિકરા પરેશનું શીશુવિહારમાંથી અપહરણ થવું
    દૂરનાં પોલીસ સ્ટેશનપર ચણા ખાતા મળવો! પાલીતાણા જતાં ફુવાજીનૂ હાર્ટફેલ થવુ….
    મારાં નણંદ ગંમતમાં ભાનવગરીભાભી કહેતા!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment