ઝળહળતો થઈ જઇશ પછી હું ક્ષણાર્ધમાં
તારી નજરના સ્પર્શથી શણગારજે મને
-ભગવતીકુમાર શર્મા

એક કવિતા પૂરી કરું છું કે – સંસ્કૃ તિરાણી દેસાઈ

હું જેવી એક કવિતા પૂરી કરું છું કે
તે આખો આકાર લઈ ઊભી થઈ જાય
કાગળ ઉપરથી.

સ્વપ્નપરીની વાત કરું તો
તેનું આકર્ષક રૂપ લઈ
મોહક અદાથી ચાલવા માંડે છે મારી સામે
આંખોથી ઈશારા કરતી.

મશ્કરા શબ્દોની વાત કરું તો
પાંચસાતની ટોળી ઊભી થઈ
મારી સામે મશ્કરી અને ટીખળ કરવા માંડે છે
ને પછી બધા જ નીકળી પડે છે વિશાળ દુનિયામાં.

એક દિવસ મેં રાક્ષસની વાત કરી કવિતામાં
ને તે ધીમે ધીમે આકાર લેવા માંડ્યો.

એટલો બધો ભયાનક ચીતર્યો હતો કે
મને થયું કે જેવી હું પૂર્ણ કરીશ કે
કૂદી પડશે મારા ઉપર જ.

હવે હું ગભરાઈ, શું રસ્તો છે એનાથી બચવાનો?
ને મેં છેલ્લી પંક્તિ લખી જ નહીં.
પૂરી જ ન કરી કવિતા.

રાક્ષસ બિચારો હજી ઊભો છે
કાગળ સાથે પગ જકડાયેલો
છેલ્લી પંક્તિની રાહ જોતો.

– સંસ્કૃ તિરાણી દેસાઈ

દરેક કવિતાના મૂળમાં એક વિચાર હોય છે. દરેક વિચાર એક વાયરસ સમાન હોય છે. કવિતા લખી નાખો પછી એ છૂટી ગયેલા તીર જેવા વિચાર-વાયરસ પર કવિનો કોઈ અંકુશ રહેતો નથી. જે વિચારથી કવિ પોતે ગભરાય એને માટે એક જ રસ્તો છેઃ કવિતા ન લખવી. પણ આ રાક્ષસ તો ખરેખર કવિના મનની જ ઉપજ છે. બીજા બધા તો બચી શકે, પણ એ વિચાર-રાક્ષસથી કવિ પોતે કેવી રીતે બચી શકશે ?

11 Comments »

  1. pragnaju said,

    November 21, 2012 @ 1:22 PM

    હવે હું ગભરાઈ, શું રસ્તો છે એનાથી બચવાનો?
    ને મેં છેલ્લી પંક્તિ લખી જ નહીં.
    પૂરી જ ન કરી કવિતા.
    વાહ
    જાપાની કવિ ચોન નાગૂચીએ તેમનાં કાવ્યો ઉપરાંત ઘણી સંક્ષિપ્ત બોધકથાઓ પણ લખી છે. એક બોધકથામાં તેઓ એક બિંદુની વાત કરે છે. નિરંતર ઉછાળા મારતા સાગરમાંથી એક બિંદુ ઊડીને દૂર એક લિસ્સા પથ્થરના અંકે ગોઠવાઈ ગયું. પથ્થરે પૂછ્યું, ‘રે ! તું અહીં કેમ છુપાયું ?’
    ‘રાક્ષસથી હું ત્રાસી ગયું છું.’ બિંદુ બોલ્યું.
    ‘કયો રાક્ષસ ?’
    ‘આ સાગર; મારે હવે એની સાથે સ્પર્ધામાં ઊતરવું છે.’
    ‘અરે પાગલ ! સૂરજના તાપે સળગી તું તો પલભરમાં અદૃશ્ય થઈ જઈશ. વિરાટ સાગરનો સંબંધ તોડી તેં તારી જાતને ક્ષુદ્ર બનાવી દીધી. ઈર્ષ્યા, તિરસ્કાર અને હીનતાની ભાવનાથી તારો અહં જાગ્યો લાગે છે.
    જો ! સાગર તો તેના સહસ્ર હાથ લંબાવી હજીય તને નિમંત્રણ આપે છે. તેનો તારા પ્રત્યેનો પ્રેમ લગીરે ઓછો થયો નથી. એક કૂદકો માર, તું બિંદુ મટી સ્વયં સાગર બની જઈશ. તેની સાથે સ્પર્ધા કરવાનો આ એક જ રસ્તો છે.’
    કવિ યોન નાગૂચી આ કથામાંથી બોધ તારવતાં કહે છે કે ‘હું પણ પરમ ચૈતન્યના સાગરથી અલગ પડી ગયો છું. અલગતાએ મારા માનની માવજત કરી છે, મારા અહંને પોષ્યો છે અને મને અકથ્ય આનંદથી વંચિત કરી મૂક્યો છે.’
    વધારે વિસ્મયકારક તો એ છે કે કોઈ વ્યક્તિ ‘હું આ અંતઃશત્રુઓથી રહિત છું – મુક્ત છું’, એવો વિચાર પણ જો સતત મનમાં મમળાવતો ફરે તો તેનો અહંકાર પોષાય છે, અલગતામાં વધારો થાય છે !! ‘હું કામથી મુક્ત છું’ એમ જો મમળાવ્યા કરે તો તેનામાં કદાચ કામ વધુ પ્રદીપ્ત થાય ! ‘હું હવે ક્રોધથી મુક્ત છું’ એવું સતત મનમાં માન્યા કરે તો તેનું ધાર્યું ન થતાં કદાચ ક્રોધ ભભૂકે ! ‘હું આ અંતઃરિપુઓથી હવે મુક્ત છું’ એનું અન્યની સમક્ષ, એક યા બીજી રીતે પ્રદર્શિત કરતો માનવી માનનો સ્વાદ લેતો ફરતો હોય છે.

    રાક્ષસ બિચારો હજી ઊભો છે
    કાગળ સાથે પગ જકડાયેલો
    છેલ્લી પંક્તિની રાહ જોતો.

  2. Rina said,

    November 21, 2012 @ 11:41 PM

    awesome and super awesome comment by Pragnajuji…..

  3. perpoto said,

    November 22, 2012 @ 3:31 AM

    કવિતા એટલે ઇંટો વગરના શાષ્વત હવાઈ કિલ્લા…..

  4. Harikrishna said,

    November 22, 2012 @ 8:32 AM

    ખુબ સરસ જ્યા ના પહોચે રવિ ત્યા પહોચે કવેી
    જેવેી વાત થઇ મઝા આવિ ગઇ

  5. vijay joshi said,

    November 22, 2012 @ 9:04 AM

    Admirable narration of intimate interaction between a poet and the poem. It reflects beautifully the uncertainty and fear poet feels.

    I remember my own apprehension when I wrote following verse.

    કવિતા સુજી.
    શબ્દો ન જડ્યા.
    શોધ્યા, મળ્યા જ નહિ
    તો જન્મી એક
    શબ્દહીન કવિતા.

  6. ધવલ said,

    November 22, 2012 @ 10:08 AM

    સલામ, પ્રગ્નાજુ ! ને વળી ‘શાશ્વત હવાઈ કિલ્લા’ ને ‘શબ્દહીન કવિતા’ ! આ કવિતાની તાકાત છે.

  7. vijay joshi said,

    November 22, 2012 @ 2:35 PM

    આભાર ધવલભાઈ, આ સુંદર કવિતા પ્રકાશિત કરવા માટે.

    મને મારી વ્યાકુળ કવિતા દોડતી મળવા આવી એનું મારા શબ્દોમાં કરેલું વર્ણન ——–

    — કવિતા —
    યાદોના ઢગલામાં ઢંકાએલી હું,
    શ્વાસના વાવાઝોડામાં સપડાએલી હું,
    સુપ્ત, ગુપ્ત વાસનાઓમાં લપેટાએલી હું,
    પ્રેમના સોમરસમાં બેભાન હું.
    શબ્દોનો શણગાર કરી, શરમાતી, દોડતી,
    તારા મિલનની આસમાં વ્યાકુળ,
    તારા સ્પર્શની અધીરી,
    આવી છું હું,
    દરવાજે તારા,
    કવિતા બની!

  8. rajesh mahant said,

    November 23, 2012 @ 1:00 AM

    ખુબ સરસ .મજા આવી ગઈ

  9. kantilal vaghela said,

    November 23, 2012 @ 2:03 AM

    ‘એક કવિતા પુરિ કરુ’ મા આનન્દનિ અનુભુતિ થૈ સર્જક્ને અભિનન્દન

  10. ઊર્મિ said,

    November 23, 2012 @ 9:39 AM

    ખૂબ જ સ-રસ અછાંદસ…

  11. tirthesh said,

    November 26, 2012 @ 1:15 AM

    વાહ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment