તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.
અંકિત ત્રિવેદી

ગમ નથી – મકરંદ દવે

ધાર્યું થતું નથી તો ભલે ,કાંઈ ગમ નથી,
એની ખુશી ગણું છું, કમાણી એ કમ નથી.

જલતી રહી હમેશ, ઠરી ક્યાંય ના નજર,
હું કેમ કહું તારી હમેશાં રહમ નથી ?

પરદા અનેકમાં શું રહી રૂપની ઝલક !
પામી જો શકે પ્રેમ તો ભારે ભરમ નથી.

આજે નહીં તો કાલ એ બની જશે ગુલાબ,
ખૂશ્બુ વિનાનો ખાલી જરા જો જખમ નથી.

આંખો તો આઠો જામ આ પીતી ધરાય ના,
ધીમેથી કહો છો કે શરાબી, શરમ નથી ?

સોનાકણી બને છે કેમ ધૂળ વાટની ?
એને ઈશારે જાઉં છું, બીજો ઇલમ નથી.

એકાદ ઘડી કાનમાં તેં ગુફ્તગો કરી,
આવે છો હવે મોત, ગુમાવ્યો જનમ નથી.

– મકરંદ દવે

4 Comments »

  1. pragnaju said,

    October 15, 2012 @ 9:58 AM

    સરસ ગઝલનો મત્લા વધુ ગમ્યો

    ધાર્યું થતું નથી તો ભલે ,કાંઈ ગમ નથી,
    એની ખુશી ગણું છું, કમાણી એ કમ નથી.
    યાદ
    ન મળો કે ન કરો વાત કોઈ ગમ નથી, બસ અમારી મસ્તીમાં ચાલ્યા અમે.
    સાથે વીતાવેલી તે પળને યાદ કરીને, મુશ્કરાતા કબર સુધી ચાલ્યા અમે.

  2. ડૉ.મહેશ રાવલ said,

    October 15, 2012 @ 1:17 PM

    સરસ ગઝલ – ગમી.
    તીર્થેશભાઇ, મકરંદ દવેજીનું સુંદર ભાવવિશ્વ.
    સોનાકણી બને છે કેમ ધૂળ વાટની ?
    એને ઈશારે જાઉં છું, બીજો ઇલમ નથી.
    -આ શેર વધુ ગમ્યો.

  3. રાકેશ ઠક્કર, વાપી said,

    October 16, 2012 @ 5:21 AM

    સરસ રચના
    આજે નહીં તો કાલ એ બની જશે ગુલાબ,
    ખૂશ્બુ વિનાનો ખાલી જરા જો જખમ નથી.

  4. Maheshchandra Naik said,

    October 18, 2012 @ 8:33 PM

    કવિશ્રી મકરંદ દવેને લાખ લાખ સલામ……………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment