જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.
વિવેક મનહર ટેલર

એક ટેલિફોન ટોક – ચન્દ્રકાન્ત ટોપીવાળા

હલ્લો સાગર !
કાંઠાના વેલાફાંસામાં ગળાડૂબ
મોઢે ફરતા ફૂફવતા ફીણના હલ્લા વચ્ચે હલ્લો સાગર
હું તમારું પાણી બોલું છું.
હલ્લો હલ્લો સાગર, હું તમારું પાણી બોલું છું.
તમારી વાણી અહીં સુધી નથી પહોંચતી
તમારું પાણી બોલું છું, તમારી વાણી નથી બોલી શકાતી.
હલ્લો સાગર !
નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર.
રેતીનો ખીલ્લો ખીલ્લો બાંધી રાખે છે પાણીપંથા અશ્વો
પાણીપોચાં વિશ્વોનાં સપનાંઓનો ભય
તમારા પાણીને પાણી પાણી કરી નાખે છે,
તમારી વાણી નથી બોલી શકાતી.

ઠાલા છીપોના દ્વીપો ઠેલ્લો મારે છે, હલ્લો સાગર
હલ્લો સાગર
નીલ્લો તમારો કિલ્લો તૂટે
તો રેતીનો ખીલ્લો ખીલ્લો છૂટે
હલ્લો સાગર, નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર.
અગસ્ત્યના પેટસૂતું હું તમારું પાણી
વડવાનલની જીભે જલતું હું તમારું પાણી
ચૌદ રત્નના ઘામાં ગભરું તમારું પાણી બોલું છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

કવિતા કાનની કળા છે એ વાત આ કવિતા વાંચતાવેંત સમજાય. પાણી-વાણી, હલ્લા-હલ્લો-ઠેલ્લો, હલ્લો-કિલ્લો-ખીલ્લો-નીલ્લો, છીપો-દ્વીપો: આખી કવિતા સતત તમારા કાનની અંદર રેડાતી રહે છે. આ સિવાય પાણી સાથે સંકળાયેલ આપણા સંસ્કારો અને સંદર્ભો અલગ અલગ રૂપમાં સતત ડોકાતા રહે છે જેમ કે પાણીપંથુ, પાણીપોચું, પાણી પાણી થઈ જવું, અગસ્ત્ય, વડવાનલ, ચૌદ રત્નો વગેરે…

દરિયાનું પાણી દરિયાથી છૂટું થઈને દરિયા સાથે જે સંવાદ કરે છે એ જાઅણે આપણી અંદરનું કોઈક બિંદુ આપણા સમગ્રને ઝંઝોડતું કેમ ન હોય એ રીતે એકતરફો ટેલિફોન ચાલે છે… જ્યાં સમગ્રનો અવાજ શૂન્ય છે. બિંદુ હલ્લો હલ્લો કરે છે પણ સિંધુની વાણી એના સુધી પહોંચી શકતી નથી. બિંદુ સિંધુને આહ્વાન કરે છે કે રેતીના ખીલે બંધાઈ રહેલા પાણીપંથા અશ્વો યાને કે મોજાંઓને મુક્ત કરો… જે સ્વપ્નાંઓ પોતે જ પાણીપોચાં છે એનો ભય રાખીને પાણી પાણી થઈ જવાને બદલે અસ્તિત્ત્વના કાંઠાઓ તોડીને આવો, મુક્ત ભ્રમણ કરવાને…

7 Comments »

  1. beena kanani said,

    September 6, 2012 @ 4:28 AM

    આજથેી લગભગ ૫૦-૫૫ વર્ષો પહેલાઁ વિલેપારલે ગુજરાતેી મઁડળમાઁ ચ્ઁદ્રકાન્તભાઈ તોપેીવાવાને જમઈ/બનેવેી તરેીકે ઓળખાણ કરાવાઈ હતેી/કાવ્ય ત સુઁદર /પણ તમારેી સાળેીઓને તેમનેી નાનપણનેી સહેલેીના સલામ /
    બેીના ગાઁધેી કાનાણેી/સાવિત્રેીબેનનેી દિકરેી

  2. Piyush Shah said,

    September 6, 2012 @ 4:56 AM

    ખુબ સુન્દર ..

  3. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

    September 6, 2012 @ 9:11 AM

    “જે સ્વપ્નાંઓ પોતે જ પાણીપોચાં છે એનો ભય રાખીને પાણી પાણી થઈ જવાને બદલે અસ્તિત્ત્વના કાંઠાઓ તોડીને આવો, મુક્ત ભ્રમણ કરવાને…”

    વાત તો બહુ મજાની કરી છે નવી પેઢી નું “જનરેશન ગૅપ” ઘટાડવાનું નિર્દોષ- નિખાલસ આમંત્રણ જ સમજવું!

    દરિયાનું પાણી દરિયાથી છૂટું થઈને દરિયા સાથે જે સંવાદ કરે છે એ જાઅણે આપણી અંદરનું કોઈક બિંદુ આપણા સમગ્રને ઝંઝોડતું કેમ ન હોય એ રીતે એકતરફો ટેલિફોન ચાલે છે.હવે એકતરફી ટેલીફોનિક વાત ને બદલે ટેલીપથી જ વધુ કામ લાગશે.સંકેત મળીજ ગયો છે,હવે જરૂર છે ” અસ્તિત્વ નાં કાંઠા” તોડવાની નવી પેઢીના જોશ -ઉમંગને આગળની પેઢી ના” અનુભવ”નો લાભ મળશે અને….

    બસ મારૂ તો આવું માનવું છે

  4. PRAGNYA said,

    September 6, 2012 @ 9:49 AM

    નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
    રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
    ગની દહીંવાલા
    ખુબ સરસ !!!

  5. Dhruti Modi said,

    September 6, 2012 @ 3:52 PM

    લયમાં ગીત ગાતું સુંદર ગીત.

  6. pragnaju said,

    September 6, 2012 @ 9:23 PM

    સ રસ લયબધ્ધ કાવ્યનો મધુરો આસ્વાદ
    હલ્લો સાગર, નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર.
    અગસ્ત્યના પેટસૂતું હું તમારું પાણી
    વડવાનલની જીભે જલતું હું તમારું પાણી
    ચૌદ રત્નના ઘામાં ગભરું તમારું પાણી બોલું છું.
    વાહ્

  7. sudhir patel said,

    September 7, 2012 @ 11:53 PM

    લયના દરિયામાં હિલ્લોળા લેતું મસ્ત અછાંદસ!
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment