રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

મરીઝ

ગઝલ – નયન હ. દેસાઈ


(નયન દેસાઈએ સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)

મૌન મટીને બૂમ થયો છું
હું મારામાં ગુમ થયો છું.

કૈં ઠેકા ઠુમકા કીધા છે
તો આજે રૂમઝૂમ થયો છું.

જીવતર આખું ભડકે બળતું
સારૂં છે નિર્ધૂમ થયો છું.

ચીરેચીરા સુખના કીધા
હું કેવો માસૂમ થયો છું !

ગામનું ઘર ને ખેતર વેચ્યા
કોઈ ભાડાની રૂમ થયો છું.

-નયન હ. દેસાઈ

નયનભાઈના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા છે. માત્ર આંખ મીંચે અને આ માણસ લૌકિકમાંથી અલૌકિક બની જાય છે. એમનો અવાજ આ દુનિયાની પેલે પારના કોઈ પ્રદેશમાંથી આવતો લાગે. કવિતાની અંદર ઓગળી જઈને પ્રકટ થતો આવો કવિ ભાગ્યે જ જોવા મળે. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાનો વ્હેમ પડે એ પહેલાં જ ખાતરી થઈ જાય. આખેઆખી કવિતાઓ એમને કંઠસ્થ. વાતે-વાતે શબ્દની જગ્યાએ શેર ટપકે. એમના ઘરે બેસીને એમના કંઠેથી વરસેલા આ ગઝલના વરસાદમાં એમની સાથોસાથ પલળવાનો મોકો મળ્યો અને લાગલી જ લયસ્તરો માટે એમની પાસે એ (મોઢે જ) લખાવી પણ લીધી. આભાર, નયનભાઈ !

5 Comments »

  1. Shailesh " SAPAN" said,

    August 25, 2007 @ 2:03 AM

    ખુબ સરસ અને ઉમદા રચના…..

    મારૂ ગજુ નથી છતાં એક શેર આમા ઉમેરવાનું મન થાય છે… નયનભાઈ માફ કરે….

    લય પણ ગયા ને તાલ પણ ગયા
    ગીત મટી હું ફક્ત સરગમ થયો છુ.

  2. ashok nanubhai said,

    August 25, 2007 @ 2:25 AM

    થવા, હોવા વિશે ઉત્તમ વિચાર નયનભાઈએ તેના મિજાજને અનુરુપ નખશિખ રુપાળિ ગઝલ આપિ

  3. Harikrishna Patel (London) said,

    August 25, 2007 @ 5:00 AM

    ગામનુ ઘર ને ખેતર વેચ્યા
    કોઈ ભાડાનિ રુમ થયો છુ

    કેવિ સુદર રચના – ખુબ મઝાનિ ગઝલ

  4. ધવલ said,

    August 25, 2007 @ 11:38 AM

    બહુ સુંદર ગઝલ

    મૌન મટીને બૂમ થયો છું
    હું મારામાં ગુમ થયો છું.

    ચીરેચીરા સુખના કીધા
    હું કેવો માસૂમ થયો છું !

    ગામનું ઘર ને ખેતર વેચ્યા
    કોઈ ભાડાની રૂમ થયો છું.

    … બહુ ગમ્યા આ શેર !

  5. Vijaykumar Shah said,

    August 25, 2007 @ 12:40 PM

    ધવલભાઈ નાં નોઁધેલો શેરો ત્રણેય સુંદર છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment