ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?
વિવેક મનહર ટેલર

અમથા અમથા – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે છાના છાના રડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઇ ગયા વીતી ને ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી, નહીં કોઇને નડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી, અંગ અંગથી દડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તોયે રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા ‘સરોદ’-સ્વામી જોતે જોતે જડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

પ્રભુનો સ્પર્શ થાય તો કેવો નશો ચડે એનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે આ ગીત. ઈશ્વર અમથા અમથા અડે તોય આખા શરીરમાં રણઝણાટી થઈ જાય એવો કેફ ચડે છે. કવિ કહે છે કે અમે તો એક ખૂણામાં મૂંગામંતર પડી રહેલા તંબૂરા હતા. અમને ચાનક ચડી હતી કે વાગવું તો સૂરમાં નહિંતર નહીં. બસ, છાના-માના અબોલ રડ્યા કરતા હતા. જન્મજન્માંતરો વહી ગયા. કેટલાય ખોળિયા બદલાઈ ગયા પણ અમે કદી રણઝણવાનો ઢોંગ કર્યો નહીં. અઘોરી જેમ સ્મશાનમાં પડીને સાધના કર્યા કરે એમ અમે પણ કદી કોઈને નડ્યા નહીં. પણ આ જન્મારે કોઈના હાથ એવા અડ્યા કે એ અમારા તાર-તારના નાથ બની ગયા. અંગ-અંગથી વહેતા રહે એવા સામટા સૂર અમારા તારે-તારમાંથી ઊઠવા માંડ્યા. અને હવે તો લાખ કોશિશ કરીએ તો યે અમારું હૃદય ચૂપ રહી શકે એમ નથી. એ તો સાંવરિયાનું સામૈયું કરવા સુરાવલિઓ લઈને ઊમડ્યું છે. જુગ-જુગોથી જેને ગોતતા હતા એ સ્વામી આજે મળ્યા છે ત્યારે અમને કદી માણ્યો ન્હોતો એવો કેફ ચડ્યો છે.

(મીણા ચડવા= કેફ ચડવો; ખટક = ચાનક; ખોળ=કાંચળી; સંચરી=વ્યાપી જવું, પ્રસરી જવું)

3 Comments »

  1. Jina said,

    August 31, 2007 @ 3:53 AM

    મીણા ચડી ગયાં ખરેખર!!!!

  2. ધવલ said,

    September 1, 2007 @ 6:09 PM

    હવે લાખ મથીએ, નવ તોયે રહે મૂક અમ હૈયું;
    સુરાવલી લઇ કરી રહ્યું છે સાંવરનું સામૈયું:
    જુગ જુગ ઝંખ્યા ‘સરોદ’-સ્વામી જોતે જોતે જડ્યા. –
    કે અમને રણઝણ મીણા ચડ્યા.

    – શબ્દો પરની અદભૂત પકડ !

  3. Pinki said,

    September 3, 2007 @ 12:19 PM

    એક ખૂણામાં પડી રહેલા હતા અમે તંબૂર;
    ખટક અમારે હતી, કોઇ દી બજવું નહીં બેસૂર:
    રહ્યા મૂક થઇ, અબોલ મનડે છાના છાના રડ્યા. –

    આ બેસૂરા નહિઁ વાગવાની ખુમારી પર તો પ્રભુનાં તાર તાર પણ રણઝણે છે.
    બહુ જ સરસ……….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment