પાનખરમાં પર્ણ પીળાં થાય છે,
એક સપનું આંખમાં મુરઝાય છે.

જે કદી યે શબ્દમાં આવે નહીં,
તે જ બિસ્મિલ મૌનમાં પડઘાય છે.
બિસ્મિલ મન્સૂરી

અંધકાર – સુરેશ જોષી

આજે હું તારા અંધકાર સાથે બોલીશ.
તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર.
તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર.
તારા ચિબુક પરના તલમાં અંધકારનું પૂર્ણવિરામ.
તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને
હું કામોન્મત્ત શર્દૂલની ગર્જનાથી પડકારીશ;
તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને
હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ;
તારી આંખમાં થીજી ગયેલા અંધકારને
હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ;
વ્રુક્ષ ની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય
તારાં ચરણોને શીખવીશ.
આજે હું અંધકાર થઈને તને ભેદીશ.

– સુરેશ જોષી

અહીં ગુહ્ય સાથે લડાઈની વાત છે. સામે પક્ષે માશૂકા પણ હોઈ શકે,પોતાની જાત પણ હોઈ શકે. અંધકાર એટલે અજાણ્યો પ્રદેશ… જ્ઞાનનો અભાવ આજ સુધી ભય પ્રેરતો હતો. અંધકારનો ડર લાગતો હતો. હવે આ ભયને અતિક્રમવા સિવાય કોઈ ઉપાય નથી. તે હું કઈ રીતે કરીશ ? – તેનું વર્ણન શી અદભૂત છટાથી થયું છે અહીં !
‘આજે હું અંધકાર થઈને તને ભેદીશ……’

2 Comments »

  1. ધવલ said,

    May 13, 2012 @ 9:30 PM

    વ્રુક્ષ ની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય
    તારાં ચરણોને શીખવીશ.
    આજે હું અંધકાર થઈને તને ભેદીશ

    – વાહ !

  2. pragnaju said,

    May 13, 2012 @ 10:34 PM

    આ જ મહીનામા તેમની જન્મ તિથિ ઉજવાય!અમારા વાલોડ તા બારડોલીનાનું સ્મારક એમ એસ યુનિના ગુજરાતી વિભાગમાં છે.તેમના જમાનામાં ઇંટર સાયન્સમા ગુજરાતી વિષય પણ ભણાવતા…તેઓ તેજસ્વી વિદ્યાર્થીને મળતા અને દુઃખ વ્યક્ત કરતા કે તે ડોકટર/ઇજનેર થશે પણ ગુજરાતી સાથે પી.એચડી નહીં થાય! અને આજે પણ તેમના ચાહકોમા તેઓ જ વધુ છે!
    કાલે જો પવન વાય તો કહેજો કે
    કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વફ્ળ
    હજી મારી ડાળી પરથી ખેરવવું બાકી છે…વિચાર કરતા એ કોણ નસીબવંત હશે?
    આ પણ એવી જ ગૂઢ વાત
    આજે હું તારા અંધકાર સાથે બોલીશ.
    તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર.
    તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર.
    તારા ચિબુક પરના તલમાં અંધકારનું પૂર્ણવિરામ.
    તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને
    હું કામોન્મત્ત શર્દૂલની ગર્જનાથી પડકારીશ;…
    તેમને ગમતી કવિતા
    OH Turkish maid of Shiraz! in thy hand
    If thou’lt take my heart, for the mole on thy cheek
    I would barter Bokhara and Samarkand.
    Bring, Cup-bearer, all that is left of thy wine!
    In the Garden of Paradise vainly thou’lt seek
    The lip of the fountain of Ruknabad,
    And the bowers of Mosalla where roses twine.
    કે અગમનો અણસાર?
    તેમના મતદેહ પાસે ભીની આંખે ઊભેલા લાચાર તબિબો પણ ૬૫ વર્ષનાને બચાવી ન શક્યા! અ મા રી શ્ર ધ્ધાં જ લી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment