રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
ભરત વિંઝુડા

મારા હિસ્સાનો સૂરજ-ગૌરાંગ ઠાકર

ગુજરાતી ગઝલના આકાશમાં નાના-મોટા સેંકડો તારલાઓ રોજ ઊગતા રહે છે અને સમયની ગર્તમાં ક્યાં અને ક્યારે ખોવાઈ જાય છે એ ખબર પણ પડતી નથી. પણ કેટલાક તારાઓ અધિકારપૂર્વક આ આકાશમાં પ્રવેશે છે, પોતાનો પ્રકાશ પાથરે છે અને ધ્રુવતારકની પેઠે પોતાનું નિશ્ચિત અને અવિચળ સ્થાન જમાવવામાં સફળ રહે છે. ગુજરાતી ગઝલનું મક્કા ગણાતા સુરતમાં આવો જ એક તારો, નામે ગૌરાંગ ઠાકર પોતાના હિસ્સાનો સૂરજ શોધવા નીકળે છે. માત્ર એકાવન ગઝલોના એમના ગઝલ-સંગ્રહની ગલીઓમાં ફરીએ ત્યારે સહેજે ખાતરી થઈ જાય કે આ તારો ખરી જનાર નથી. એમની ગઝલમાં એક અનોખી કુમાશ અને તાજગી વર્તાય છે. સરળ રદીફ અને સહજ કાફિયાઓના ખભે બેસીને એમની ગઝલો વાંચતાની સાથે દિલમાં ઘર કરી જાય એવી છે. છંદો પરની પકડ પણ ધ્યાનાર્હ બની રહે છે. ભાષાની સાદગી અને શે’રનું આંતર્સૌંદર્ય એ આ કવિની પોતીકી ઓળખ બની રહે છે. એમના પહેલા સંગ્રહ, ‘મારા હિસ્સાનો સૂરજ’માંથી ચુનેલા થોડા પ્રકાશ-કિરણોમાં ચાલો, આજે થોડું ન્હાઈ લઈએ….

કોયલ કમાડે આવીને ટહુક્યા કરે છે રોજ,
અફસોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

આભને પણ છે વિચારોના દુઃખો,
ક્યાં રહે પળવાર પણ વાદળ વગર?

આવી ઝરૂખે જ્યાં તમે બસ ‘આવજો’ કહ્યું,
આગળ ચરણ ગયાં નહીં, પાછા વળી ગયાં.

સપના સુધી તો આવશો એ ધારણા હતી,
પણ આપ તો ખરા છો કે પાંપણમાં રહી ગયાં.

હું સાંકડી ગલીમાં રસ્તા કરી જવાનો,
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો.

હું છું જ કૈંક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભૂલવા મથે ને, હું સાંભરી જવાનો.

હોવાપણું ઓ ઈશ્વર, તારું વિવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.

હું તો માણસ છું, મને છે વળગણો,
રોજ મનને અવગણીને શું કરું?

કોઈ મારા ઘર વિશે જાણે નહીં,
એટલી ભીંતો ચણીને શું કરું ?

હવે તું સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે,
કિરણ લાવ્યો છું બસ, સૂરજ ઘરે લાવી નથી શક્તો.

પડછાયાની પૂજામાં રમમાણ રહે તું જીવનભર,
તારું તારી વચ્ચે હોવું ક્યાંક તને સમજાઈ જશે તો ?

તું રહે ખારો એ તારો પ્રશ્ન છે,
કેટલી નદીઓ તને મળતી હતી.

અહીં સીધા રસ્તા મળી જાય તો પણ,
કદી આપણી ચાલ લાવે વળાંકો.

ક્યાં અપેક્ષા હોય છે આભારની?
વૃક્ષ પર વરસાદની તક્તી નથી.

આ ઝાકળ સમું મળવું લંબાય માટે,
આ ઊગતા સૂરજને હું મોડો કરી દઉં.

કોઈ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે.

મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું.

તું આવ હે ગઝલ તને આજે ઉતારી લઉં,
કાલે કદાચ દર્દની ઓછી અસર મળે.

છોડી દીધો આભે જ્યારે રસ્તા ઉપર ઝાડે ઝીલ્યો,
પર્ણોની પોલી બારીથી લીલો લીલો દદડે તડકો.

સોબત એને દુનિયાની છે છળવામાં કૈં છોડે થોડો ?
સહરા વચ્ચે મૃગજળ થઈને માણસને પણ ઢસડે તડકો.

મારી ડાળે વસંત બેઠી છે,
ઘરમાં બેસી તમે ગુમાવો છો.

સતત કોઈ અંદરથી બોલી રહ્યું છે,
તને તું કદી સાંભળે તે ખુશી છે.

લગાતાર આવી મળે છે ઉદાસી,
અને રોજ ઓછી પડે તે ખુશી છે.

બધું આ બ્હારથી તો ઠીક છે બદલાવ તું ભીતર,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને.

ઈચ્છા અને તડપ પર, ગઝલો લખું તો લાગે,
સામાન વરસો જૂનો, હું માળ પરથી ઉતારું.

એ પ્રશ્ન માછલીનો, દરિયો છળે કે માણસ ?
જ્યારે કિનારે એને, હું જાળથી ઉતારું.

સદા પાળ બાંધી હું વચ્ચે રહું છું,
સરોવરનું જળ છું વમળ હોય ક્યાંથી?

તને સ્વપ્નવત્ આમ મળવું ઘણું છે,
પ્રભાતે ભલે આપે આઘાત સપનાં.

માણસ પ્હોંચે માણસ લગ,
ઉજવી નાંખો એ અવસર.

હવાને ન ફાવ્યા હવા-પાણી ઘરનાં,
જતી શ્વાસ થઈ, નીકળે થઈ નિઃસાસો.

નીકળીને પુષ્પથી હવે અત્તર થવું નથી,
માણસ થવાય દોસ્ત તો ઈશ્વર થવું નથી.

તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને,
બસ શર્ત એટલી હશે, બારી ઉઘાડ દોસ્ત.

સુખમાં દુનિયાની જ સંગત જોઈએ,
દર્દ કહેવા કોઈ અંગત જોઈએ.

જો ભીના થઈ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

સ્મરણ પંખી બની મુજ ટોડલે ટહુક્યા કરે તેથી,
તને સંબંધના પિંજરથી હું આઝાદ રાખું છું.

તું કલમનો હાથ પકડીને જરા ચાલી તો જો,
એ તને ત્યાં લઈ જશે જ્યાં પ્હોંચવાનું હોય છે.

પળભર મળી તું જાય તો લાગે છે એમ દોસ્ત,
ઝરણાં જતાં રહ્યાં અને પથ્થર રહી ગયા.

ફક્ત દેખાય એ જ થાક નથી,
કોઈ ભીતરથી આવે વાજ નહીં.

ઝાડ પહેલાં મૂળથી છેદાય છે,
એ પછીથી બારણું થઈ જાય છે.

એકલા આવ્યા જવાનાં એકલા,
પણ અહીં ક્યાં એકલા જીવાય છે ?

એ જ તોરણને રાખે લીલાંછમ,
દ્વાર જે આવકારમાં જોયાં.

સ્થિર થઈ જાય સ્વપ્ન તો સારું,
માંડ જીવનમાં ગોઠવાયો છું.

ભીડ વચ્ચે અભાવ લાગે છે,
એ જ તારો લગાવ લાગે છે.

તારું રોકાણ ક્યાં છે કાયમનું ?
જિંદગી તું પડાવ લાગે છે.

-ગૌરાંગ ઠાકર

14 Comments »

  1. arpit said,

    July 26, 2007 @ 1:35 AM

    wow really great collection!!

  2. Dinesh Gajjar said,

    July 26, 2007 @ 4:52 AM

    સરસ Collection…

    Enjoyed…

  3. Darshit said,

    July 26, 2007 @ 6:30 AM

    સ્થિર થઈ જાય સ્વપ્ન તો સારું,
    માંડ જીવનમાં ગોઠવાયો છું.

    What more one can tell !!!! Very very nice…

  4. પંચમ શુક્લ said,

    July 26, 2007 @ 2:27 PM

    નવા કવિની ઓળખાણ અને સુંદર સંકલન બદ્લ આભાર.

  5. jayshree said,

    July 27, 2007 @ 12:57 AM

    વાહ કવિઓ….. વાહ…!!
    રાતે ૧૦.ં૦૦ વાગે પણ કહેવાનું મન થાય છે કે ‘દિવસ સુધરી ગયો…!!’

    પ્રથમ શેરથી જ શું મજાની જમાવટ કરી છે…. ગમતા શેર લખવા જાઉં તો કદાચ બધા જ પાછા લખવા પડે…. ( એટલે કે – ctrl a , ctrl c , ctrl v 😀 )

    આભાર ગૌરાંગભાઇ…
    અને થેંક્યુ દોસ્ત… !!

  6. મીના છેડા said,

    July 27, 2007 @ 4:12 AM

    આભાર વિવેક.

  7. Hiral Thaker - 'Vasantiful' said,

    July 27, 2007 @ 4:23 AM

    Very nice gazal…!

    Specialy

    “કોયલ કમાડે આવીને ટહુક્યા કરે છે રોજ,
    અફસોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.”

    Thank you.

  8. khyati said,

    July 27, 2007 @ 1:57 PM

    Really enjoyed in its entirety
    Eagerly waiting to read ‘મારા હિસ્સાનો સૂરજ’

  9. ધવલ said,

    July 27, 2007 @ 5:07 PM

    સૂરતની ભૂમિને સશક્ત ગઝલકારો પેદા કરવાનું વરદાન મળેલું છે એવું લાગે છે ! ઉમદા સંકલન.

    બે ચાર શેર જે વધારે ગમ્યા તે ઉતારું છું :

    હવે તું સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે,
    કિરણ લાવ્યો છું બસ, સૂરજ ઘરે લાવી નથી શક્તો.

    સ્થિર થઈ જાય સ્વપ્ન તો સારું,
    માંડ જીવનમાં ગોઠવાયો છું.

    ભીડ વચ્ચે અભાવ લાગે છે,
    એ જ તારો લગાવ લાગે છે.

    જો ભીના થઈ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
    હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

  10. ઊર્મિ said,

    July 28, 2007 @ 10:37 PM

    અરે વાહ દોસ્ત… આ તો જાણે ખજાનો જ ખાલવી દીધો… અને એ પણ પાછા વિણેલાં અમૂલ્ય મોતીનો… જયશ્રીએ એકદમ સાચું જ કહ્યું હોં… બધું જ અહીં ફરીથી પેસ્ટ થઈ જાય એવું છે હારું… 😀

    કવિની ઓળખાણ કરાવવા બદલ આભાર વિવેક…

  11. shaileshpandya BHINASH said,

    July 29, 2007 @ 5:33 AM

    kya bat hai……………….

  12. લયસ્તરો » ગઝલ - ગૌરાંગ ઠાકર said,

    September 2, 2007 @ 2:33 AM

    […] થોડા સમય પહેલાં જ આપણે અહીં ગૌરાંગ ઠાકરના હિસ્સાના સૂરજના અજવાસમાં ન્હાયા હતા. આજે એમણે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલ એક અક્ષુણ્ણ રચના માણીએ. ઈશ્વરને વરસાદ રોકવાની વિનંતી હોય કે બાંયથી આંસુ લૂછતી ગરીબીને સાંત્વનનો રૂમાલ આપવાની વાત હોય યા હોય ભીતરની સફર પર ચાલવાના આનંદની વાત, દુષ્યન્તકુમારની યાદ આવી જાય એવી સશક્ત બયાની અહીં જોવા મળે છે એ સૂરતનું સદભાગ્ય ગણી શકાય… આભાર, ગૌરાંગભાઈ! […]

  13. gopal h parekh said,

    September 11, 2007 @ 9:47 PM

    ગૌરાઁગ તારા ઓવારણા લેવાનુઁ મન થાય એવુઁ મજાનુઁ તુઁ લખે છે,લગે રહો ભાઇ

  14. Vaibhav (Bunty) Desai said,

    May 18, 2009 @ 12:52 AM

    ગૌરાંગકાકા …તમારિ કવિતાઓ ખુબ જ સરસ્ છે…ખરેખર હ્રદય ના ખુણા ને અડકિ જાય એવિ….
    એક કામ નિ વાત્…..
    હુ એક પ્રોજેક્ટ ચાલુ કરુ છુ.. જેમા તમારિ ૫(Five) સરસ કવિતાઓ જોઇશે.. જે તમારા જ સ્વર મા રેકોર્ડ કરિશુ …. હુ તમરો કોન્ટેક્ટ કરિશ્. તમરો મોબાઇલ નબર અહિ થિ મળિ ગયો છે..!! આભાર્.

    લિ.
    વૈભવ દેસાઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment