ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
સંજુ વાળા

ગઝલ- હિતેન આનંદપરા

બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર નવાં આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું,
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

-હિતેન આનંદપરા

હિતેન આનંદપરા ગઝલોની ગલીઓમાં ખૂબ ઝડપથી ઊભરી આવેલું નામ છે. એમની ગઝલો વાંચીએ તો ઘણીવાર રાજેશ રેડ્ડી કે નિદા ફાજલીને વાંચતા હોય એવું લાગે. બાળકો, ભગવાન, દોસ્તી – આ હાથવગા કલ્પનો એમની ગઝલોમાં સહજતાપૂર્વક પણ નવા આયામ સહિત ઉતરી આવે છે. ઘણીવાર વાતચીતની ભાષા એ રીતે કવિતામાં ગૂંથાઈ જાય છે કે આખો શે’ર વાંચ્યા પછી એક આંચકો અનુભવાય- શે’રમાં આ વાત પણ સંભવી શકે ખરી? પણ પછી એ જ શે’રને સહેજ અટકીને, એક શ્વાસ છોડીને ફરીથી વાંચીએ ત્યારે કવિની પીઠ થાબડવાનું મન થઈ આવે-વાહ દોસ્ત! આવો દાદુ શે’ર !! ઉદાહરણના તોર પર જુઓ આ શે’ર- તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે, તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

11 Comments »

  1. KAVI said,

    July 12, 2007 @ 8:00 AM

    હિતેનભાઈ મજા આવી

  2. ધવલ said,

    July 12, 2007 @ 7:56 PM

    બહુ મઝાની ગઝલ … આ ત્રણ શેર તો તરત દિલમાં ઊતરી ગયા !

    પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
    કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.

    મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું,
    ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

    પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
    હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

  3. pratik said,

    July 12, 2007 @ 11:30 PM

    ખૂબ સુંદર ગઝલ

  4. shaileshpandya BHINASH said,

    July 14, 2007 @ 11:49 PM

    kya bat hai………

  5. shriya said,

    July 16, 2007 @ 12:34 PM

    આ બે શેર ઘણા જ ગમ્યા……..

    પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
    કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.

    વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
    તું ઈશ્વરનાં નવાં મંદિર નવાં આવાસ રહેવા દે.

    -શ્રીયા

  6. Viral said,

    July 18, 2007 @ 7:26 AM

    ખૂબ સુંદર ગઝલ

    તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
    તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે. – વાહ વાહ ઃ)

  7. Manhar M.Mody said,

    July 18, 2007 @ 8:36 PM

    જોરદાર ગઝલ હિતેનભાઈ,

    આ શેર તો કમાલનો છે.

    તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
    તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

    પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
    હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

  8. Lata Hirani said,

    July 22, 2007 @ 5:01 AM

    વાહ….યે બાત હૈ………..

  9. કિશોર બારોટ્ said,

    April 12, 2015 @ 3:43 AM

    વધારે હોય પૈસો યાર્ તો માણસને ઉભા કર,
    સનાતન સત્ય્…

  10. સોનલ કાંટાવાલા said,

    October 30, 2015 @ 3:59 AM

    વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
    તું ઈશ્વરનાં નવાં મંદિર નવાં આવાસ રહેવા દે……
    બહુ સરસ………

  11. La Kant Thakkar " કંઈક ' said,

    August 2, 2016 @ 10:08 PM

    “વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,”
    વાત મોટી છે દોસ્ત !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment