રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની,
સિન્ધુના ઉરમાં તો ઉઠશે અમી-વાદળી !
પૂજાલાલ

ઊંઘ – માધવ રામાનુજ

ચાડિયાની આંખ તળે ચકલીનો રાતવાસો,
સીમનું રખોપું કરે રેઢિયાળ ઊંઘ.

અંધકાર ખેડી રહ્યું તમરાંનું તીણું હળ,
કુણાંકુણાં ચાસમાં ઓરાય મીઠી ઊંઘ.

ગાતડીની ગાંઠ વાળી, શિયાળની લાળી ભેળી
રાતરાણી તણી ગંધ લણી રહી ઊંઘ.

ચાકડે ચડીને કૈંક સોણલાં ઉતાર્યા કરે,
નિંભાડામાં ધીરે ધીરે ઠરી જાય ઊંઘ.

ઘોડિયામાં ઘર આખું ઢબૂરીને મેડે ચડી,
………….. મૂંગીમૂંગી શરમાય ઊંઘ.

– માધવ રામાનુજ

માધવ રામાનુજની ગઝલ માટે એક શબ્દમાં કહેવું હોય તો કહી શકો ‘નાજુક’. આ ગઝલમાં પણ કવિએ મઝાના નાજુક કલ્પનોની લાહણી કરી છે.

કવિ ગઝલનો ઉપાડ સીમનું રખોપું કરતી રેઢિયાળ ઊંઘથી કરે છે. અને બીજા શેરમાં તમરાં જાણે હળની જેમ રાતને ખેડે છે અને એ ચાસમાં ઊંઘ ઓરાય છે એવી વાત કરી છે. મનના ચાક્ડે એક પછી એક સપના ઊતર્યા કરે અને પછી ધીમે ધીમે ઠરી જાય એ ઊંઘ – કેવું મઝાનું કલ્પન ! સૌથી સુંદર શેર તો છેલ્લો શેર છે. નાના છોકરાને ઘોડિયામાં સુવાડીને મા, પતિની બાજુમાં મેડે સુવા પડે છે ત્યારે – કદાચ આખા દિવસમાં પહેલી વાર મળેલા – એકાંતમાં એ ઊંઘવાનો ડોળ કરતી મૂંગીમૂંગી શરમાય છે !

1 Comment »

  1. ઊર્મિ said,

    July 10, 2007 @ 11:34 AM

    સુંદર ગઝલ ધવલભાઇ…

    પણ
    3જી લીટીમાં ‘તમારાં’ ની જગ્યાએ કદાચ ‘તમરાં’ આવે…
    ને
    છેલ્લી લેટીમાં ‘શયમાય’ ની જગ્યાએ કદાચ ‘શરમાય’ આવે…

    બરાબર ને?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment