મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

ગઝલ – વંચિત કુકમાવાલા

દૃશ્ય જેવાં દૃશ્યને ફોડી શકે તો ચાલ તું!
દૂર સન્નાટા સુધી દોડી શકે તો ચાલ તું!

કોઈ બાળક જેમ આળોટે અકારણ ધૂળમાં,
શ્વાસ તારા એમ રગદોળી શકે તો ચાલ તું!

વસ્ત્ર પાદર પર ઉતારી નાખવા તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે તો ચાલ તું!

મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે તો ચાલ તું!

અંત ‘વંચિત’ અંત સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે તો ચાલ તું!

-વંચિત કુકમાવાલા

ભુજના કુકમા ગામમાં જન્મેલા વંચિત કુકમાવાલાની આ ગઝલ કવિની સાથે ચાલી નીકળવાના પડકારના કારણે વધુ આસ્વાદ્ય બની રહી છે. બાળકના અકારણ ધૂળમાં આળોટવાની વાત અને વસ્ત્રને પાદર પર છોડી નીકળવાની વાત વધુ ગમી ગઈ. (જન્મ: 12-04-1955, કાવ્યસંગ્રહ: “એક આંખમાં સન્નાટો”)

ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ, વેરાવળ

3 Comments »

  1. Avnish said,

    June 17, 2007 @ 3:02 PM

    ધન્ય છે જેણે આ બ્લોગ ની રચના કરી,, તેના પ્રતાપે અમને બધા ને આટલી સુન્દર રચના માણવા મલે છે.

  2. સુરેશ જાની said,

    June 17, 2007 @ 7:22 PM

    બહુ જ સરસ રચના.

  3. hemantpunekar said,

    June 28, 2007 @ 2:03 AM

    સરસ ગઝલ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment