નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !
રતિલાલ 'અનિલ'

અસ્પૃષ્ટ – સ્નેહલ જોષી

ન કોઈ શબ્દ વિસ્તરે, ન જ્ઞાન ચિત્તને અડે,
બધીર ચેતના બધી ન કાન ચિત્તને અડે.

પ્રવાત ચીરતું વિહંગ પંખરિક્ત છે હવે,
ન લક્ષ્ય કોઈ છે ન આસમાન ચિત્તને અડે.

હવે ન સ્પર્શતા પવન દિશા ન વાયવી દિશે,
ગળી જવાય કંઠમાં ન ગાન ચિત્તને અડે.

રહી ન અર્થની વિદ્યા, રહ્યા ન અર્થસ્નાતકો,
નિમજ્જ શબ્દમાં રહ્યા ન સ્નાન ચિત્તને અડે.

ધરા વહી, વખત વહ્યો, વહ્યું છે સર્વ પૂર્ણમાં,
ભ્રમણ ન આત્મનું થયું ન સ્થાન ચિત્તને અડે.

ન મોહ ક્રાંત થઈ શક્યો રહ્યા સદૈવ અંતિમે,
પ્રથમ રહું, પરંતુ ત્યાં સ્વમાન ચિત્તને અડે.

પ્રગટ થયા, કર્યું બધુંય પ્રાપ્ત, વ્યાપ્ત જે હતું,
નજર પ્રદીપ્ત થઈ, બધાં નિશાન ચિત્તને અડે.

– સ્નેહલ જોષી

એક ન અડવાની ગઝલમાં કેટલી બધી અર્થચ્છાયાઓ આપણને વળગી પડે છે !

(પ્રવાત = પવનનો ઝપાટો, પંખરિકત= પાંખ વિનાનું)

9 Comments »

  1. dhaval soni said,

    January 6, 2012 @ 5:55 AM

    ઓહો…….અદ્ભુત્. … ખરેખર ખુબજ સુન્દર અને માણવાલાયક…

  2. vijay joshi said,

    January 6, 2012 @ 9:09 AM

    અતિ સુન્દર લયબધ્ધ રચના – આભાર

  3. pragnaju said,

    January 6, 2012 @ 9:39 AM

    સુંદર ગઝલનો અર્થ ગંભીર મત્લા
    ન કોઈ શબ્દ વિસ્તરે, ન જ્ઞાન ચિત્તને અડે,
    બધીર ચેતના બધી ન કાન ચિત્તને અડે.
    વાહ
    પરમ-ચેતનાનાં વિવિધ સ્તરો બાબત એક જ સમયે સમગ્ર સ્તરો બાબત સભાન બની રહેવું એ જ જ્ઞાન છે. આ જ્ઞાનના ઉપયોગથી પરમ-ચેતના જ સ્વભાવ ધર્મોને, ક્ષમતાઓને પ્રાપ્ત કરવી એ વિજ્ઞાન છે. આવી પ્રમુખ ચાર ક્ષમતાઓ છે. સર્વવ્યાપકતાના અનુભવની ક્ષમતા, સર્વાન્તરયામીતાના અનુભવની ક્ષમતા. સર્વશક્તિમત્તાના અનુભવની ક્ષમતા. આ ચારે પ્રકારની ક્ષમતાઓનો જાતઅનુભવ લેવો એટલે જ વિજ્ઞાનમય ચેતના પ્રાપ્ત કરવી પરમ-ચેતનાનું મૂળભૂત સ્વરૂપ દિવ્યાનંદ છે. તે આનંદ કંદ છે. આ દિવ્યાનંદનો અનુભવ લેવો એ પણ અંતિમ પ્રકારની ક્ષમતા છે.
    આ બધું જ જ્ઞાન અને વિજ્ઞાન છે પણ જયારે વ્યક્તિ સમગ્ર પરમ-ચેતનાના બધા જ સ્તરો બાબતમાં સભાન રહેતો નથી. પણ કોઈ પણ એક જ સ્તર કે તેના અંશ બાબત જ સભાન બનીને તેની મર્યાદાઓને તાદાત્મ્યભાવથી પોતાની મર્યાદાઓ સમજી બેસે છે અને અન્ય વિસ્તાર બાબત અભાન બની જાય છે, ત્યારે આ અભાનતા એ અજ્ઞાન બની જાય છે અને પોતાના સ્વરૂપને માર્યાદિત સમજવાનું જ્ઞાન એ મિથ્થાજ્ઞાન, વિપરીત જ્ઞાન અથવા વિવર્તજ્ઞાન છે. આ મિથ્થાજ્ઞાનને જ માયા કહેવામાં આવે છે. તે અજ્ઞાનનો જ એક પ્રકાર હોય છે-બધીર ચેતના

  4. praheladprajapatidbhai said,

    January 6, 2012 @ 10:26 AM

    ધરા વહી, વખત વહ્યો, વહ્યું છે સર્વ પૂર્ણમાં,
    ભ્રમણ ન આત્મનું થયું ન સ્થાન ચિત્તને અડે.
    સરસ્

  5. anup desai said,

    January 6, 2012 @ 2:06 PM

    pl let me have email of snehalbhai joshi.& pragnaju. pragnaju made very good interpretation of this gazal.i request to snehalbhai to email me bhashantar of whole gazal in gujarati.

  6. Dhruti Modi said,

    January 6, 2012 @ 4:05 PM

    ખૂબ જ સરસ રચના.

  7. sudhir patel said,

    January 6, 2012 @ 8:25 PM

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  8. sudhir patel said,

    January 6, 2012 @ 8:41 PM

    વધુ એક સુંદર ગઝલ માણવાની મજા પડી!
    સુધીર પટેલ.

  9. Lata Hirani said,

    January 9, 2012 @ 6:50 AM

    બે હાથે જો બાથ ભરે છે
    આ ‘અડવા’ની વાત !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment