જળનો જ જીવ છું ફરી જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ
– જવાહર બક્ષી

(ખાલી આકાશ) – મુકેશ જોષી

એક મનગમતો તૂટ્યો સંબંધ હવે હાશ !
શમણાંના કલરવતા,કલબલતા પંખી વિણ,
ખાલી ખાલી ને સાવ ખાલી આકાશ

ભીતરમાં ડોકિયાંઓ કરવાનાં બંધ
હવે દુનિયા જોવાની આંખ બહાર
બહારથી લાગે જે આખા એ આઈનામાં
અંદર તિરાડ આરપાર
જીવતર જીવવાનો હવે કેવો આનંદ
આ જીવનમાં કોઈ નથી ખાસ…. એક….

એકલતાની તો હવે આંગળી પકડી, ને
ખાલીપા સાથે છે દોસ્તી
સુક્કી આ આંખોની નદીઓમાં નાવ અમે
હાંક્યે રાખી છે કોઈ મોજથી
મૃગજળમાં રગદોળી નાખી છે ઈચ્છાઓ
કે લાગે ના કોઈ દિવસ પ્યાસ…. એક….

ઊખડે જો ઝાડવું મૂળિયાં સમેત
પડે ધરતીને હૈયે ચિરાડો
માણસમાંથી એક માણસ ઊખડે ને
તોય નામ કે નિશાન નહીં ખાડો
કૈકેયીનાં દીધાં વરદાન મારે માથે
કે ભોગવવો રણનો વનવાસ… એક….

જરા ધીમે ધીમે ફરી ફરીને એકે એક ફકરો વાંચવા જેવો છે. ઉત્તમ કક્ષાનું indirect statement દરેક ફકરામાંથી જડી આવે છે.

7 Comments »

  1. mita parekh said,

    December 19, 2011 @ 5:04 AM

    ખૂબ જ સરસ. એક એક ફકરો ફરી વાચવો ગમે તેવો.

  2. Lata Hirani said,

    December 19, 2011 @ 5:27 AM

    અહી ‘હાશ’ કેટલુ ચિત્કારે છે !!!

  3. pragnaju said,

    December 19, 2011 @ 9:16 AM

    સુક્કી આ આંખોની નદીઓમાં નાવ અમે
    હાંક્યે રાખી છે કોઈ મોજથી
    મૃગજળમાં રગદોળી નાખી છે ઈચ્છાઓ
    કે લાગે ના કોઈ દિવસ પ્યાસ…. એક
    વાહ્

  4. Devika Dhruva said,

    December 19, 2011 @ 9:33 AM

    વેદનાની પરાકાષ્ઠા….આહનું આટલું આરપાર સર્જન !! સોંસરવુ નીકળી જાય એવું ! મુકેશ જોશીને વાહ્…કહું કે આહ્….

  5. વિવેક said,

    December 19, 2011 @ 11:52 PM

    સુંદર રચના !

  6. urvashi parekh said,

    December 21, 2011 @ 9:14 AM

    ખુબજ સરસ.
    ઉખડે જો જાડવુ મુળીયા સમેત,
    પડે ધરર્તીને હૈયે ચીરાડો,
    માણસ માંથી એક માણસ ઊખડે ને
    તોય નામ કે નીશાન નહી ખાડો.
    સરસ.મુકેશભાઈ.

  7. હર્ષેન્‍દુ ધોળક‍િયા said,

    January 10, 2012 @ 9:40 AM

    એકલતાની તો હવે આંગળી પકડી, ને
    ખાલીપા સાથે છે દોસ્તી
    મારા વય ન‍િવૃત્‍ત‍િ પછીના સમયને ખુબજ અનુરૂપ પંક્ત‍િ
    સુક્કી આ આંખોની નદીઓમાં નાવ અમે
    હાંક્યે રાખી છે કોઈ મોજથી
    – ખરેખર પોતાની જાત સાથે ઐક્ય કેળવવાની મોજ
    મૃગજળમાં રગદોળી નાખી છે ઈચ્છાઓ
    કે લાગે ના કોઈ દિવસ પ્યાસ
    શ્રી મુકેશભાઇ સાચુંજ કહે છે – હવે કેવી પ્‍યાસ !

    અને ચોક્કસ જ્યારે કોઇ પ્‍યાસ નથી, કોઇ આશ નથી તો આકાશ ખાલી જ ભાષે તેમાં કોઇ શંકા નથી.
    હૃદય પૂર્વક આભાર
    હર્ષન્‍દુ ધોળક‍િયા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment