પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.
વિવેક મનહર ટેલર

પરમ સખા મૃત્યુ :૦૬ : મ્રત્યુ તું એક કવિતા છે – ગુલઝાર

મ્રત્યુ તું એક કવિતા છે
કવિતાનો વાયદો છે, મળશે મને

આથમતા શ્વાસોમાં જ્યારે પીડાઓ પોઢી જાય
ફિક્કો ચાંદો જ્યારે ક્ષિતિજે પહોંચે
દિવસ તો હજુ પાણીમા અને રાત કિનારા પર
ન અંધારુ ન અજવાસ, ન હજુ દિવસ ન હવે રાત

જ્યારે શરીરનો અંત આવે ને આત્મા ઉઘડતો જાય
કવિતાનો વાયદો છે, મળશે મને

– ગુલઝાર
(અનુ. ધવલ શાહ)

આ કવિતા મારી ખૂબ પ્રિય કવિતા છે. આ કવિતા ઘણા જુદા જુદા પ્રસંગે વાંચવામાં આવી ત્યારે,  સમય સાથે,  મારા મનમા એના અર્થવિભાવો બદલાતા ગયા છે. પણ કવિતાનો કેફ હજુ એવોને એવો જ છે.

પહેલી જ લીટી જુઓ તો કવિ સીધી જ મૃત્યુ સાથે વાત કરે છે : મૃત્યુ તુ એક કવિતા છે. અને એ પણ તુંકારાથી !

કવિ મૃત્યુને કવિતા કેમ કહે છે ? અરે ભાઈ, કવિને કઈ વસ્તુ પોતિકી લાગે ? કવિતા જ ને.  કવિતા કવિની ઓળખીતી ચીજ છે. કવિતા પર કવિને વિશ્વાસ છે. કવિ મૃત્યુને કવિતા સાથે સરખાવે છે કારણ કે  મૃત્યુ કવિને ઓળખીતું અને વિસ્વસનીય લાગે છે. જાણે કે પોતાનો ઓળખીતો ‘પર્સનલ ગાઈડ’ જેણે કવિને ચોક્કસ સમયે મળવાનો વાયદો કરેલો છે.

મૃત્યુની ક્ષણનું વર્ણન કવિ બે લીટીમાં આબેહૂબ કરે છે. આથમતા શ્વાસોમાં જ્યારે પીડાઓ પોઢી જાય. મૃત્યુ જીવનનો અંત તો છે એ વાત આપણે એટલી બધી ઘૂંટ્યા કરી છે કે મૃત્યુ બધી પીડાઓનો પણ અંત છે એ વાત આપણે ભૂલી જઈએ છીએ. (પીડાઓના અંતને તો વધાવવાનો જ હોય ને ?!! ) ફીક્કા ચહેરાવાળો ચંદ્ર પક્વફળ જીંદગીનું પ્રતિક છે જે છેક ક્ષિતિજ સુધી આવી પહોંચીં છે ને ડૂબવાની તૈયારીમાં છે.

એના પછીની બે પંક્તિમાં જીવન અને જીવન પછીની અવસ્થાના સંધિકાળની વાત છે. મૃત્યુની ક્ષણે જીંદગી પૂરી થવામાં છે પણ હજુ પૂરી થઈ નથી. અને જીંદગી પછીની અવસ્થા શરૂ થવામાં છે પણ હજુ શરૂ થઈ નથી.

આ સંધિકાળે કવિ મૃત્યુને કવિતારૂપે જુએ છે. મૃત્યુ માણસને જીવનમાંથી હાથ ઝાલીને જીવન પછીની અવસ્થામાં લઈ જશે એવી વાત છે. મૃત્યુ એક ‘પર્સનલ ગાઈડ’ છે જે કવિને તદ્દન નવી જગ્યાની ઓળખાણ કરાવશે.

આ બધુ ચિંતન કવિએ કશુ છ્તું કર્યા વિના તદ્દન સહજ શબ્દોમાં વણી લીધું છે.

ભાગ્યે જ કોઈને એ ખબર નહીં હોય કે આ કવિતા ગુલઝારે ‘આનંદ’ ફિલ્મ માટે લખેલી. ફિલ્મમાં અમિતાભે એટલી જ ભાવવાહી રીતે એને રજુ પણ કરેલી. તો સાંભળો મૂળ કવિતા અમિતાભના અવાજમાં :

11 Comments »

  1. Rina said,

    December 9, 2011 @ 1:08 AM

    awesome…

  2. Brinda said,

    December 9, 2011 @ 2:09 AM

    સુપર્બ!!! થોડા સમય પહેલા જ આનંદ ફિલ્મ જોઈ અને આ રિસાઇટેશન સાંભળેલું. કોઈ ગુજરતી બ્લોગ પર વાંચેલી પંક્તિઓઃ
    રવીન્દ્રનાથની પ્રાર્થનાના શબ્દો હતા : ‘અંતર મમ વિકસિત કરો.’
    હે પરમેશ્વર !
    મારી હઠીલી મર્યાદાઓને
    બને તેટલી સખણી રાખવાની
    તત્પરતા મને આપજે.
    મનોમન શત્રુઓને ક્ષમા આપવામાં
    અને એમની ખૂબીઓને બિરદાવવામાં
    હું કંજૂસાઈ ન કરું એવી
    ઉદારતા મને આપજે.
    દુઃખમાં કણસતા માનવબંધુઓ પ્રત્યે હું
    સક્રિય કરુણા પ્રગટ કરવાનું ન ચૂકું, એટલી
    ભીનાશ મને આપજે.
    સંસારમાં લટાર મારતી વખતે
    જ્યાં અને જ્યારે બે પક્ષો વચ્ચે
    બોલાચાલી કે મારામારી થાય
    ત્યારે મૌન જાળવવાને બદલે
    સત્યને પક્ષે ઊભો રહું એવી
    સહજ નીડરતા મને આપજે.
    હે પરમેશ્વર !
    મૃત્યુની ક્ષણ નજીક આવી પહોંચે ત્યારે
    મનની અને માંહ્યલાની
    એવી શાંતિ મને આપજે કે
    મારું મૃત્યુ ધન્ય બની જાય.
    બ્રિન્દા.

  3. pragnaju said,

    December 9, 2011 @ 8:10 AM

    ધન્યવાદ
    આપના અનુવાદ
    અને
    તેના કરતા પણ સુંદર રસાસ્વાદ માટે
    મૂળ કવિતા
    मौत तू एक कविता है
    मौत तू एक कविता है
    मुझसे एक कविता का वादा है मिलेगी मुझको
    डूबती नज्मों में जब दर्द को नींद आने लगे
    जर्द सा चेहरा लिए जब चाँद उफक तक पहुंचे
    दिन अभी पानी में हो, रात किनारे के करीब
    ना अँधेरा ना उजाला हो, ना अभी रात ना दिन
    जिस्म जब ख़त्म हो और रूह को जब सांस आये
    मुझसे एक कविता का वादा है मिलेगी मुझको
    इस कविता को फिल्म आनंद में डॉक्टर भास्कर बनर्जी नाम के किरदार के लिए
    गुलज़ार साहेब ने लिखा था। ये किरदार अमिताभ बच्चन ने निभाया था.

  4. himanshu patel said,

    December 9, 2011 @ 10:46 AM

    મૃત્યુ વિષયક ઘણા અને સરસ કાવ્ય મળે છે,રેફ્રરન્સબુક જેવું કામ કરશે.આભાર.

  5. Dhruti Modi said,

    December 9, 2011 @ 5:39 PM

    ખુશ થઈ ગયા, મન અને તન અને આત્મા યે . મૃત્યુની સુંદરતા બતાવતી ભાવવાહી કવિતા. ગુલઝારની સુંદર કવિતા અને અમિતાભના ભાવવાહી અવાજે મનને પ્રસન્ન બનાવી દીધું.

  6. sudhir patel said,

    December 9, 2011 @ 11:06 PM

    સુંદર કવિતા અને એવો જ સુંદર રસાસ્વાદ!
    સુધીર પટેલ.

  7. P Shah said,

    December 9, 2011 @ 11:37 PM

    ધવલભાઈનો એક સુંદર કવિતાનો સુંદર અનુવાદ અને
    એટલો જ સુંદર રસાસ્વાદ…

  8. તીર્થેશ said,

    December 10, 2011 @ 1:05 AM

    વાહ !

  9. Lata Hirani said,

    December 11, 2011 @ 8:41 AM

    મૃત્યુ જીવનનો અંત તો છે એ વાત આપણે એટલી બધી ઘૂંટ્યા કરી છે કે મૃત્યુ બધી પીડાઓનો પણ અંત છે એ વાત આપણે ભૂલી જઈએ છીએ. (પીડાઓના અંતને તો વધાવવાનો જ હોય ને ?!! )

    કાવ્ય તો ઉતમ છે જ્. અનુવાદ અને આસ્વાદ પણ મનને એટલા જ સ્પર્શે છે….
    લતા

  10. Lata Hirani said,

    December 11, 2011 @ 8:42 AM

    મૃત્યુ જીવનનો અંત તો છે એ વાત આપણે એટલી બધી ઘૂંટ્યા કરી છે કે મૃત્યુ બધી પીડાઓનો પણ અંત છે એ વાત આપણે ભૂલી જઈએ છીએ. (પીડાઓના અંતને તો વધાવવાનો જ હોય ને ?!! )

    સવાલ એ ય છે કે પાર વગરની પીડા લઇને જીવતો માણસ પણ મૃત્યુ નથી જ ઇચ્છતો !!!

  11. Chandrakant Lodhavia said,

    December 13, 2011 @ 11:21 PM

    પરમ સખા મૃત્યુ :૦૬ : મ્રત્યુ તું એક કવિતા છે – ગુલઝારDecember 9, 2011 at 12:35 am by ધવલ · Filed under અછાંદસ, ગુલઝાર, ધવલ શાહ, મૃત્યુ વિશેષ

    મ્રત્યુ તું એક કવિતા છે
    કવિતાનો વાયદો છે, મળશે મને

    માનવી મરે છે પણ અંત સુધી તેની ઇચ્છાઓ મરતી નથી. તે પછી કવિ હો કે ધની હોય, રાજા હોય કે રંક હોય અંતકાળ સુધી તેની ઇચ્છાઓ છૂટતી નથી. પરંતુ તેના મૃત્યુ સમયની તેની બધી ઈચ્છા કોઈ જાણનાર હોતો જ નથી. પરંતુ જીવનકાળ દરમ્યાન મનુષ્ય ઈચ્છા વગર જીવી શકતો જ નથી.

    જ્યારે શરીરનો અંત આવે ને આત્મા ઉઘડતો જાય
    કવિતાનો વાયદો છે, મળશે મને

    ચન્દ્રકાન્ત લોઢવિયા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment