તમે પૂછી રહ્યા છો વાત આજે ખાસ રોકીને,
હૃદય થંભી ગયું છે માર્ગ વચ્ચે શ્વાસ રોકીને.
મનહરલાલ ચોક્સી

જીભતર – દિલીપ ઝવેરી

મેલા વરસાદમાં પલળ્યા હો
છાંયડા વિનાના રસ્તે ન હટતા પરસેવાને હડસેલતા હો
લોકલ ટ્રેનની ગરદીમાં છુંદાતા હો
દુર્ગંધમાં અકળાતા હો
જીવવા સાથે લગરીક પણ લગાવ ન રહ્યો હો
અને ચાલવાનું ખૂટે નહીં
ત્યારે સમજાય
ઘર એટલે શું

તમે જેને ઘર સમજો છો
તે મારા માટે કવિતા છે

ઘર તો ક્યારેક જ સજાવેલું હોય
બાકી તો વેરવિખેર

પણ એની એ જ ખુરશીમાં બેસી
એની એ જ રંગની ભીંત સામે જોતાં જોતાં
ફૂંકથી છારી હઠાવી ટાઢી ચાને હોઠે લગાડતાં
જૂના ધાબામાં એકાદ નવો ચહેરો વરતાય
કે મિજાગરે ત્રાંસી બારીની ફાટમાંથી દેખાતી
ઓળખીતી અણગમતી શેરીમાં
અજાણ્યો પવન ફરફરિયાં ઉડાવી જાય
અને એની એ જ રોજની ભૂખ માટે
એની એ જ દાળમાં
એનો એ જ રાઈમેથી લસણનો વઘાર પડે
તોય જીભે નવેસરથી રઘવાટ થાય

એમ જ
કવિતા નવા શબ્દને જીભ પર સળવળતો કરી દે છે.

– દિલીપ ઝવેરી

કવિની કરામત અહીં શીર્ષકથી જ જોવા મળે છે. જીવતરના સ્થાને કવિ જીભતર જેવો શબ્દ ‘કોઇન’ કરે છે જે કવિતા માટેની ઉત્સુક્તા વધારે છે અને કવિ પણ આગળ જતાં નિરાશ નથી કરતાં. ઘરની વ્યાખ્યા નિશ્ચિત કરીને કવિ પછી ઘરની અંદરના નાનાવિધ રોજિંદા ચિત્રોને તાદૃશ કરે છે… પણ આ તો ઘર થયં… કવિનું ઘર તો એની કવિતા જ ! ઘર એટલે એક લગભગ નિશ્ચિત કરી શકાય એવી ઘરેડ. એનું એ જ ભોજન પણ જીભને દર વખતે નવેસરથી ઉત્તેજે છે… એ જ રીતે કવિતા પણ !

5 Comments »

  1. Rina said,

    December 2, 2011 @ 6:39 AM

    વા..હ્…. કવિતા….

  2. vijay joshi said,

    December 2, 2011 @ 7:21 AM

    કમાલ કરી નાખી હો, દિલીપભાઈ.
    એની એજ ચીઝો માંથી બનેલી પણ રોજ નવા સ્વાદ
    આપતી રોજની રસોઈ એમ જ એના એજ અક્ષરો વાપરી
    નવા શબ્દોમાંથી બનતી નવી કવિતા!! અસ્સલ તળપદી
    ભાષામાં માંડેલી આ રચના ખુબ ગમી. અભિનંદન!

  3. pragnaju said,

    December 2, 2011 @ 7:54 AM

    ભોજન પણ જીભને દર વખતે નવેસરથી ઉત્તેજે … કવિ હંમેશાં અલગારી બનીને રહે, એ પોતે આપણી વચ્ચે છતાં હદપાર થઈને રહેવાની જ ખુમારી ભોગવતો રહે, એની પૃથકતાને પંપાળે તે જરૂરી નથી. જીભતર જેવા થોડાક શબ્દોની જો એની કવિતામાં સેળભેળ થઈ જાય તો એનો ઝાઝો વસવસો કરવાનું કારણ નથી. પણ આપણે એનો વાદ ન બનાવીએ.
    કવિનું ઘર સહૃદયતાથી બહુ દૂર હોતું નથી. કવિ થોડો દૂર ચાલ્યો જતો હોય એવું લાગે છે. એનાં પ્રતીકો તો એનાં આગવાં જ હોવાં જોઈએ પણ એ ખાનગી ન હોવાં જોઈએ. એની રચના એ એના પોતાના છંદ રચે ાથવા અછાદસ એ અર્થમાં સ્વચ્છંદી ખરી પણ સાથે સાથે એ અતંત્ર ન હોવી જોઈએ, કારણ કે એના હૃદયનું તંત્ર આપણા હૃદયના તંત્રને રચી આપે છે, અને એ તંત્રના લયથી વિશ્વનું તંત્ર ચાલે છે. કવિતા પાસે આપણી અપેક્ષા આવી હોવી જોઈએ….અને દિલીપભાઈ આ બધું સુંદર રીતે નિભાવ્યું છે.

    મન પ્રસન્ન કરે તેવી કવિતા

  4. boghi55@comcast.net said,

    December 2, 2011 @ 9:25 AM

    સરસ ૬૦-૭૦ના દાયકાની પરંપરામાં લખાયેલી મનહર કવિતા.

  5. ધવલ said,

    December 2, 2011 @ 3:48 PM

    સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment