હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
સુંદરમ

ગીત મારાને શું હવે શણગાર ? – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. સુરેશ દલાલ)

એક પછી એક અગળા કીધા સઘળા અલંકાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

ઉરની આપણ આડમાં આવે
અલંકારો એ કેમ ફાવે ?
જાય રે ડૂબી આપણી ઝીણી વાત, એને ઝંકાર,
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

પીગળી ગઈ પલમાં મારી,
‘છું કવિ હું’ એની ખુમારી :
મહાકવિ ! તવ ચરણ કને બંધનનો નહીં ભાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

સરળ સીધું, વાંસળી જેવું :
જીવવું મારે જીવન એવું.
મધુર મધુર સૂરથી તમે છલકાવો સંસાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

– રવીન્દ્રનાથ ટાગોર
(અનુ. સુરેશ દલાલ)

આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે ત્યારે જેવો સંતોષ થાય એવો સંતોષ આખી દુનિયાભરની કવિતાઓ વાંચ્યા પછી ટાગોરના ગીતો વાંચતા થાય છે. અને આ ગીતનો અનુવાદ પણ ખૂબ સરસ થયો છે. આટલી ભાવની તીવ્રતા અને શબ્દોની સાદગી બીજે ક્યાં જોવા મળવાની હતી. મૂળ અંગ્રેજી કાવ્ય (ગીતાંજલીમાં સાતમું કાવ્ય) અહીં નીચે મૂકું છું. સરખામણીથી ખ્યાલ આવશે કે ગીતસ્વરૂપે અનુવાદ કેટલો સરસ થયો છે.

My song has put off her adornments. She has no pride of dress and decoration. Ornaments would mar our union; they would come between thee and me; their jingling would drown thy whispers.

My poet’s vanity dies in shame before thy sight. O master poet, I have sat down at thy feet. Only let me make my life simple and straight, like a flute of reed for thee to fill with music.

1 Comment »

  1. Dilip Patel said,

    May 8, 2007 @ 8:59 PM

    સુરેશભાઈ દલાલે મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરની આ ભાવસભર રચનાને ફક્ત અનુવાદિત રૂપમાં જ નહીં પણ અલંકારિક રૂપમાં પ્રગટાવીને ચાર ચાંદ લગાવ્યા છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment