એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો -
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…
માધવ રામાનુજ

પ્રભાત સૂર્યમાં – ઉશનસ્

આપણું પ્રાતના તાપમાં ચાલવું.

કેન્દ્ર લૈ ચરણમાં
ઈન્દ્રધનુ વરણમાં
કો અનાવરણમાં
વ્યોમના વ્યાસના વ્યાપમાં ચાલવું !

તેજ-છાયા-વણી
બિંબ-બિંબોતણી
ચો-ભણી ગૂંથણી,
આપણું કો મહાખાપમાં ચાલવું !

રેખનું ખરી જવું,
રૂપનું ગળી જવું,
આપમાં મળી જવું,
આપણું આપણા આપમાં ચાલવું !
આપણું પ્રાતના તાપમાં ચાલવું.

– ઉશનસ્

થોડા વખતથી બધી ગંભીર રચનાઓ જ મનમાં આવે છે. એટલે આ વખતે ખાસ આ પ્રસન્ન રચના શોધી ! આવું જ એક ગીત ઉમાશંકરનું પણ છે – ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.

2 Comments »

  1. વિવેક said,

    April 4, 2007 @ 5:48 AM

    સાવા સરળ ભાસતા શબ્દો જ્યારે યોગ્ય ક્રમમાં ગોઠવાઈને આવે ત્યારે એની ખરી તાકાતનો પરચો થાય. આમ જુઓ તો આ આખા ગીતમાં છે શું? વાંચવાનું શરૂ કરો એ પહેલાં જ પૂરા થઈ જાય એવા વાક્યો, વારંવાર ધ્વનાંકિત થતો વર્ણાનુપ્રાસ અને બાળમંદિરના બાળકોને શીખવવામાં આવે એવી વાક્યરચના…બસ? પણ આ કાવ્ય વાંચીએ ત્યારે જ ખબર પડે કે કવિનો શબ્દ શું છે? અને કવિતા કોને કહે છે? સમયના ગર્ભમાંથી આવું સુંદર કાવ્ય ગોતી લાવવા બદલ આભાર…

  2. Pancham Shukla said,

    April 4, 2007 @ 5:30 PM

    અછાંદસ લાગતું-છાંદસ કાવ્ય (ગાલગા ના આવર્તનો).
    સંકૂલ અભિવ્યક્તિ- સુદ્રઢ શબ્દો.
    ઘણાં વખત પછી બલિષ્ઠ કાવ્યનું અનુપાન!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment