શૂન્યતા મહેમાન થઈ આવી ચડી,
કાગડાનું વેણ ફારસ નીકળ્યું.
– રક્ષા શુકલ

લખી બેઠો – જવાહર બક્ષી

આખરે હું ગઝલ લખી બેઠો
રાહ જોઈને ક્યાં સુધી બેઠો

દૂરતા ઓગળી રહી જ હતી…
સ્પર્શ વચ્ચે જ ઘર કરી બેઠો

ઓ વિરહ ! થોડું થોભવું તો હતું
એમનું નામ ક્યાં લઈ બેઠો

કેટલાં કારણો હતાં નહિ તો
કોઈ કારણ વિના ફરી બેઠો

ફક્ત તારા સુધી જ જાવું’તું
પૂછ નહિ ક્યાંનો ક્યાં જઈ બેઠો

આજ પણ એ મને નહીં જ મળે
આજ પાછું સ્મરણ કરી બેઠો

– જવાહર બક્ષી

આ ગઝલના શેર સુંવાળા તો છે જ પણ લપસણા પણ છે. કાળજીથી ન વાંચો તો અર્થ ચૂકી જવાની ગેરેંટી ! આમ તો આ પ્રતિક્ષાની ગઝલ છે. રાહ.. વિરહ.. સ્મરણ આ ગઝલમાં ચારે તરફ વેરાયેલા છે. કવિ એમાં પણ નવી અર્થછાયાઓ સર્જવાનું ચૂકતા નથી. “દૂરતા ઓગળી…” શેરમાં સ્પર્શ વચ્ચે ઘર કરી બેઠાની, તદ્દન અલગ પ્રકારની, ફરિયાદ આવે છે. સંબંધમાં સ્પર્શ એક નડતર બની ગયાની વાત કેટલી સિફતથી આવી ગઈ ! આ એક જ શેરના દસ જુદા જુદા અર્થ કરી શકાય એમ છે. “કેટલા કારણો…” શેર પણ અર્થની દ્રષ્ટિએ અનેક રીતે જોઈ શકાય. કવિતાના જેટલા વધારે અર્થ એટલી કવિતા વધારે મુક્ત. આ ગઝલ આમ તો આસક્તિની ગઝલ છે પણ છે એ એકદમ ‘મુકત’ !

3 Comments »

  1. વિવેક said,

    March 14, 2007 @ 4:31 AM

    ટૂંકી બહેરની ગઝલો આમેય અઘરી હોય છે. પણ જવાહર બક્ષી પાસે પારસમણિ છે. એ અડે એટલે શબ્દ સોનાનો થઈ જાય…

  2. UrmiSaagar said,

    March 17, 2007 @ 9:55 AM

    એકદમ સરળ શબ્દોમાં અદભૂત અભિવ્યક્તિ… એકદમ ચોટદાર લાગે છે!

  3. કસુંબલ રંગનો વૈભવ said,

    March 18, 2007 @ 4:20 AM

    સરસ રચના ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment