એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.
હેમેન શાહ

ઊભો છું – રમેશ પારેખ

છે અભણ આંખમાં વેદનાનો ડચુરો ને બારાખડીમાં  ઊભો છું
મનની નિશાળમાં એકલો મારી સાતે સગી ચામડીમાં ઊભો છું

હોડ આવડવું-આવડવું એવી હતી, એમાં અવડાવા જાવું પડ્યું’તું.
તું જ નિર્ણય દે: હું શું હતો ને હવે આ હું શું આવડીને ઊભો છું !

કોઈ કુંવારી તરફ ફૂલ ફેંક્યાનો અપરાધ ઉર્ફે શિરચ્છેદ નક્કી !
હોય અપરાધી હાજર વધસ્થાન પર એમ છેલ્લી ઘડીમાં ઊભો છું

કોરા કાગળમાં પાંચે નમાજો પઢું ને કરું શૂન્યતાના સિઝદો
શબ્દ કાફર જ્યાં જનોઈવઢ ઘા કરે તેવી આ ચોપડીમાં ઊભો છું

જેવો તેં ઓળખ્યો’તો હું એવો અસલમાં ખૂલી સ્હેજ પણ ક્યાં શકું છું?
હું લઈ આંખ, પગ, મનનો ડૂચો રમેશાઈની ગાંસડીમાં ઊભો છું

– રમેશ પારેખ

લાંબી બહેરની ગઝલમાં સિદ્ધહસ્ત કવિએ ઘણા ઘણા અર્થ-આયામો છૂપાવ્યા છે. પોતાના મનની નિશાળમાં એકલા ઊભા રહેતી વખતે પણ કવિને ચામડીના સાત આવરણો નડે છે. સીધી વાત છે : શીખવાની જેટલી હોડ કરો આખરે એટલું ઓછું આવડે. કોરા કાગળમાં પાંચે નમાજો પઢે એવા પાકા શબ્દ-પરસ્ત કવિને પુસ્તક વાંચતા – શબ્દ પોતાની જાત પર ઘા કરીને બધા આવરણોને ઊકેલી આપે એટલે – પોતાની જાત વધુ સમજાય છે. પોતાની અશક્તિઓની શરમની અવસ્થા માટે કવિએ ‘રમેશાઈની ગાંસડી’ જેવો ધારદાર પ્રયોગ કર્યો છે.

6 Comments »

  1. જયેન્દ્ર ઠાકર said,

    July 12, 2011 @ 5:00 PM

    છે અભણ આંખમાં વેદનાનો ડચુરો ને બારાખડી ઊભો છું……

    શબ્દ કાફર જ્યાં જનોઈવઢ ઘા કરે તેવી આ ચોપડીમાં ઊભો છું….
    આ રમેશભઇની ભાષા તો ખાંડાની ધાર જેવી છે.

  2. chintan said,

    July 14, 2011 @ 2:30 PM

    just an observation,,,
    પંડિતો આનાં વિશે શું કહ્શે?

    બારાખડીમાં ઊભો છું
    ચામડીમાં ઊભો છું
    આવડીને ઊભો છું !
    ઘડીમાં ઊભો છું

  3. વિવેક said,

    July 15, 2011 @ 2:10 AM

    પંડિતો કે પંડિતાઈની વાત નથી…

    પ્રસ્તુત ગઝલમાં બીજા શેરમાં કાફિયા દોષ છે…

  4. અનામી said,

    July 15, 2011 @ 8:38 AM

    રમેશાઈની ગાંસડી…..કયા બાત….ગઝલિયતથી ભરપૂર..

  5. Rajnikant Vyas said,

    January 9, 2015 @ 3:47 AM

    આવી અર્થસભર ગઝલ રમેશ પારેખને જ સ્ફૂરે.

  6. અનિલ શાહ. પુના. said,

    August 18, 2020 @ 12:25 AM

    ભણ્યો તોય અભણ મારા વિચારો ની બારાખડીમાં,
    છેલ્લે સુધી શોધતો હતો શબ્દો મારી ચોપડીમાં,
    નિશાળે ઉભરાય મેળો, શિક્ષકો, મિત્રો ને આવડતનો,
    ભોઠ બનીને ભણતો રહ્યો, એકથી દસ ધોરણમાં,
    વાંચી વાંચીને ગોખણપટ્ટી કરી કરી ને ઘેલો થયો,
    ભૂલી ગયો, લખવા બેસ્યો, પરીક્ષા ની જ ઘડીમાં,
    બધાના સફળ પ્રયોગો માં મારી કસોટી આકરી,
    જોવું ખૂશી લોકો ની ને આંસુ મારી આંખડીમાં,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment