ભૂલી જવી જે જોઈએ એ વાત યાદ છે,
બસ એટલે તો આપણી વચ્ચે વિવાદ છે.
– મેઘબિંદુ

કેટલાક તડકા કેટલા આકરા હોય છે – સૌમ્ય જોશી

(ઘઉંની ગૂણ ઉપાડતા મજૂરનું અછાંદસ)

કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયાં એનાં ચપ્પલ.
હવે,
કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે,
ને માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.

– સૌમ્ય જોશી
(‘ગ્રીનરૂમમાં’)

પહેલા અને છેલ્લા વાક્યની ધારદાર જોડી વચ્ચે કવિએ એક જ ક્ષણમાં તાદ્રશ થઈ જાય એટલું સબળ ચિત્ર દોર્યું છે. કેટલાક તડકા.. અને કેટલાક છાંયડા… માં કાવ્યની આખી ચોટ છે. એક રીતે જુઓ તો દરેક માણસે પોતાનો છાંયડો જાતે જ ઊંચકવાનો હોય છે – આજે નહીં તો કાલે.

10 Comments »

  1. dr jagdip nanavati said,

    July 7, 2011 @ 4:58 AM

    અમારો તડકો…….
    બહુ આકરો નથી…!!!

    હાથ ધરો તોફાની તડકો
    ફાંટ ભરો સૌ સૌની, તડકો
    કુમળો બારે માસ, આકરો કો’ક દિવસ આ તડકો
    ભેરૂ હાથ કરી લે તડકો

    ઓઢાડે સોનાની ચાદર
    ગલી શહેર શેઢો કે પાદર
    બળબળતી, ઝળહળતી રે ચોપાટ મજાની તડકો
    ભેરૂ હાથ કરી લે તડકો

    પાણીડાનો રોફ વધ્યો છે
    પરસેવો બેફામ વહ્યો છે
    પરબુ ફુટી નીકળી તોયે સહેજ ઠરે ના તડકો
    ભેરૂ હાથ કરી લે તડકો

    આંખો પર હાથોના નેવા
    છતરી છપ્પર કરતાં સેવા
    ધગ ધખતી ધરતી પર કેવો ખેલ કરે આ તડકો
    ભેરૂ હાથ કરી લે તડકો

    દરિયા પર આંધણ મુકાયા
    આભ ઉપર વાદળ બંધાયા
    વસુંધરા ને મેહુલીયાના લગન લખે જો તડકો
    ભેરૂ હાથ કરી લે તડકો

    નદીયુના ખપ્પર હોમાયા
    વાવ કુવા પાતાળ સમાયા
    દુર્વાસાના શ્રાપ સરીખો, ત્રાસ ગુજારે તડકો
    ભેરૂ હાથ કરી લે તડકો

  2. વિવેક said,

    July 7, 2011 @ 8:48 AM

    અદભુત રચના !!

  3. અનામી said,

    July 7, 2011 @ 12:55 PM

    લાજવાબ….

  4. Rakesh shah said,

    July 8, 2011 @ 3:36 AM

    Superb!

  5. Deval said,

    July 8, 2011 @ 6:53 AM

    Hi mitro, કચ્ચીને, અને etle shu e koi kahi shakshe?! bhagwadgomandal ma nathi aa shabdo….

  6. dr.j.k.nanavati said,

    July 8, 2011 @ 2:57 PM

    કચ્ચીને એટલે…..કચકચીને…
    જે કે ગો મંડલ…!!!!!

  7. Manoj Shukla said,

    July 10, 2011 @ 10:40 AM

    અહી તડકાની વાત થઈ જ છે તો તડકાને મે તો આ રીતે રજુ કર્યો છે આ ગીતમાં,-

    લઈ ખિસ્સામાં તડકો,
    કોઈ નીકળે છાંયે છાંયે તો પણ તિમિરની છાતીમાં ફડકો,
    રખે કશે જો અડકો,
    લઈ ખિસ્સામાં તડકો,
    તડકાનું તગતગવું
    ટેરવે ટશિયો થઈને ફૂટે,
    જાણે પંખી ટહુકો
    વનના પાન પાનને ગૂંથે,
    ઊંચા થઈ, બેસી કિરણોની પાંખે, નભને પ્રકાશ થઈને અડકો,
    લઈ ખિસ્સામાં તડકો,

    નભથી આંગળીઓમાં ઉતર્યા
    જાદુઈ સ્પર્શે જગતા,
    રૂમઝુમતા કલબલતા રૂડા
    તારલીયા મુકે તરતાં,
    તો ય બનેઆવા ઈલમીને રસ્તે ફરતાં રહેતો મનમાં ફડકો,
    રખે કહે કોઈ કડકો ?
    લઈ ખિસ્સામાં તડકો,
    -મનોજ શુક્લ.

  8. ધવલ said,

    July 10, 2011 @ 11:30 AM

    તડકાનું તગતગવું
    ટેરવે ટશિયો થઈને ફૂટે,
    જાણે પંખી ટહુકો
    વનના પાન પાનને ગૂંથે,
    ઊંચા થઈ, બેસી કિરણોની પાંખે, નભને પ્રકાશ થઈને અડકો,
    લઈ ખિસ્સામાં તડકો,

    – વાહ ! આ તો વધારાનો તડકો !

  9. Yesha said,

    July 16, 2011 @ 8:17 AM

    અછાંદસ વાંચી ને…મારું આ સર્જન યાદ આવી ગયું…

    http://yeshat.wordpress.com/2011/07/16/57/

  10. deepak trivedi said,

    July 20, 2011 @ 3:49 AM

    હૃદયપૂર્વક નાં અભિનંદન
    ગુજરાત સરકાર તરફથી ગુજરાત યુવા ગૌરવ પુરસ્કાર માટે કવિ શ્રી સૌમ્ય જોશી, અનિલ ચાવડા, હરદ્વાર ગોસ્વામી અને ધ્વનિલ પારેખને ખુબ ખુબ અભિનંદન ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment